ગીતશાસ્ત્ર 2 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વરથી અભિષિક્ત રાજા 1 રાષ્ટ્રો બળવાનું આયોજન કેમ કરે છે? પ્રજાઓ વ્યર્થ કાવતરાં કેમ ઘડે છે? 2 તેમના રાજાઓ સજ્જ થયા છે; તેમના શાસકો સાથે મળીને પ્રભુ અને તેમના અભિષિક્ત રાજાની વિરુદ્ધ પ્રપંચ કરે છે. 3 તેઓ કહે છે, “ચાલો, આપણે તેમની જંજીરોને તોડી નાખીએ, તેમની ધૂંસરીનાં બંધન ફગાવી દઈએ.” 4 સ્વર્ગમાં બિરાજમાન પ્રભુ હસે છે, પ્રભુ તેમની હાંસી ઉડાવે છે. 5 પછી રોષમાં તે તેમને ધમકી આપે છે; પોતાના પ્રકોપથી તે તેમને આતંક પમાડે છે. 6 પ્રભુ કહે છે, “મારા પવિત્ર પર્વત સિયોનમાં મેં મારા રાજાનો રાજ્યાભિષેક કર્યો છે.” 7 રાજા કહે છે, “હું પ્રભુના ઢંઢેરાની ઘોષણા કરીશ, તેમણે મને કહ્યું, ‘તું મારો પુત્ર છે, આજે હું તારો પિતા બન્યો છું. 8 માગ, અને હું તને બધાં વિદેશી રાષ્ટ્રો વારસામાં આપીશ, અને સમગ્ર પૃથ્વી તારી થશે. 9 તું તેમને લોહદંડથી ખંડિત કરીશ, અને માટીના પાત્રની જેમ તેમના ચૂરેચૂરા કરીશ.” 10 તેથી હે રાજાઓ, સમજુ બનો, પૃથ્વીના શાસકો ચેતી જાઓ. 11 આદરયુક્ત ભયથી પ્રભુની આરાધના કરો. 12 ધ્રૂજતાં ધ્રૂજતાં તેમનાં ચરણ ચૂમો; રખેને તે તમારા પર કોપાયમાન થાય અને તત્કાળ તમારો વિનાશ થાય; કેમ કે તેમનો કોપ જલદી સળગી ઊઠે છે. પ્રભુને શરણે જનારાઓને ધન્ય છે! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide