ગીતશાસ્ત્ર 19 - પવિત્ર બાઇબલ C.L.સર્જનમાં અને નિયમમાં ઈશ્વરનો મહિમા સર્જનમાં ઈશ્વરનો મહિમા (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) 1 આકાશો ઈશ્વરનું ગૌરવ પ્રસિદ્ધ કરે છે: નભોમંડળ ઈશ્વરનું કૌશલ્ય પ્રગટ કરે છે. 2 એક દિવસ બીજા દિવસને એ વિષે જણાવે છે; એક રાત્રિ બીજી રાત્રિને તે વિષે જ્ઞાન આપે છે. 3 ન તો વાણી છે, ન શબ્દો; કોઈ વનિ પણ સંભળાતો નથી. 4 છતાં તેમનો સંદેશ સમસ્ત સૃષ્ટિમાં ફેલાઈ જાય છે, અને ધરતીની સઘળી સીમાઓ સુધી તેનો રણકાર સંભળાય છે. ઈશ્વરે સૂર્ય માટે આકાશનો ચંદરવો બાંધ્યો છે; 5 શયનખંડમાંથી નીકળતા વરરાજાની જેમ સૂર્ય સવારે નીકળે છે; સશક્ત દોડવીરની જેમ પોતાની દોડ આનંદથી દોડે છે. 6 આકાશના એક છેડે સૂર્ય ઊગે છે, અને પરિક્રમણ કરીને તે બીજે છેડે પહોંચે છે; તેની ઉષ્ણતાથી કશું સંતાઈ શકતું નથી. નિયમમાં ઈશ્વરનો મહિમા 7 પ્રભુનો નિયમ સંપૂર્ણ છે; તે પ્રાણને તાજગી આપે છે. પ્રભુનાં સાક્ષ્યવચનો વિશ્વસનીય છે; તે અબુધને જ્ઞાન આપે છે. 8 પ્રભુના આદેશો સાચા છે, તે દયને આનંદ આપે છે; પ્રભુની આજ્ઞાઓ નિર્મળ છે; તે આંખોને તેજ પમાડે છે. 9 પ્રભુની ધાકધમકી શુદ્ધ છે; તે સર્વકાળ ટકશે. પ્રભુનાં ધારાધોરણ સાચાં છે; તે હંમેશાં વાજબી હોય છે. 10 તેઓ સુવર્ણ કરતાં, અરે, વિશુદ્ધ કરેલા સુવર્ણ કરતાં ય વધુ પસંદ કરવા યોગ્ય છે. તેઓ મધ કરતાં અને મધપૂડાનાં ટીપાંથી યે વધુ મીઠાં છે. 11 વળી, તેમનાથી તમારા આ ભક્તને ચેતવણી મળે છે, તેમનું પાલન અતિ લાભદાયી છે. 12 પોતાની ભૂલો કોણ પારખી શકે? અજાણપણે થતા અપરાધોથી મને શુદ્ધ કરો. 13 વળી, જાણીબૂઝીને કરાતાં પાપોથી પણ મને દૂર રાખો. તેમને મારા પર પ્રભુત્વ જમાવવા ન દો. ત્યારે તો હું સંપૂર્ણ થઈશ અને અઘોર પાપ કરવાથી બચી જઈશ. 14 હે પ્રભુ, મારા ખડક અને મારા ઉદ્ધારર્ક્તા, મારા મુખના શબ્દો અને મારા મનના વિચારો તમને સ્વીકાર્ય બનો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide