ગીતશાસ્ત્ર 18 - પવિત્ર બાઇબલ C.L.વિજયગાન અને આભારદર્શન સહાય માટે પ્રાર્થના (સંગીત સંચાલક માટે સૂચના: પ્રભુના ભક્ત દાવિદનું ગીત. જ્યારે પ્રભુએ તેને તેના શત્રુઓના હાથમાંથી અને શાઉલના હાથમાંથી બચાવ્યો ત્યારે તેણે પ્રભુને ઉદ્દેશીને આ ગીત ગાયું. તેણે કહ્યું:) 1 હે પ્રભુ, મારા સમર્થક, હું તમને ચાહું છું. 2 હે પ્રભુ, તમે મારા ખડક, મારો કિલ્લો અને મારા મુક્તિદાતા છો; મારા ઈશ્વર, મારા ગઢ, હું તમારે શરણે આવ્યો છું. તમે મારી સંરક્ષક ઢાલ, મારા સમર્થ ઉદ્ધારક અને ઊંચા બુરજ છો. 3 હું સ્તુતિપાત્ર પ્રભુને પોકારું છું, એટલે તે મને મારા શત્રુઓથી બચાવે છે. જોખમી દશામાંથી ઉદ્ધાર 4 મૃત્યુનાં બંધનોએ મને ઘેરી લીધો હતો, વિનાશનાં મોજાં મારી ઉપર ફરી વળ્યાં હતાં; 5 મૃત્યુલોક શેઓલના પાશ મને વીંટળાઈ વળ્યા હતા, અને મૃત્યુએ મારે માટે ફાંદા ગોઠવ્યા હતા. 6 મારા સંકટમાં મેં પ્રભુને પોકાર કર્યો, અને મેં મારા ઈશ્વરને યાચના કરી; તેમણે પોતાના મંદિરમાંથી મારો સાદ સાંભળ્યો, મારી અરજ તેમને કાને પહોંચી. પ્રભુનું સામર્થ્ય 7 ત્યારે ધરતી ધ્રૂજી અને કાંપી, પર્વતોના પાયા ડગમગ્યા તથા ખસી ગયા. કારણ, ઈશ્વર કોપાયમાન થયા. 8 તેમનાં નસકોરાંમાંથી ધૂમાડો નીકળ્યો, તેમનાં મુખમાંથી ભસ્મીભુત કરનાર અગ્નિ અને સળગતા અંગારા ધસી આવ્યા. 9 આકાશો ઝુકાવીને પ્રભુ નીચે ઊતરી આવ્યા. તેમનાં ચરણો તળે ગાઢ અંધકાર હતો. 10 તે પાંખાળાં પ્રાણી કરુબ પર સવારી કરીને ઊડયા, પવનની પાંખે તે વેગે ધસી આવ્યા. 11 તેમણે અંધકારનું આવરણ ઓઢયું હતું. મેઘજળ ભર્યાં ઘનઘોર વાદળના ચંદરવાથી પોતાને ઢાંક્યા હતા. 12 તેમની આગળના તેજમાંથી કરા તથા સળગતા અંગાર, ગાઢાં વાદળોને ભેદીને નીકળી પડયા. 13 પછી પ્રભુએ આકાશમાંથી ગર્જના કરી, અને સર્વોચ્ચ ઈશ્વરની ત્રાડ સંભળાઈ. 14 તેમણે બાણ મારીને તેમના દુશ્મનોને વિખેરી નાખ્યા; વીજળી ફેંકીને તેમને નસાડી મૂક્યા. 15 હે પ્રભુ, તમારી ગર્જનાથી અને તમારી નાસિકાના શ્વાસના સુસવાટાથી સમુદ્રનાં તળિયાં દેખાયાં અને પૃથ્વીના પાયા ખુલ્લા થઈ ગયા. ભક્તનો બચાવ 16 પ્રભુએ ઊંચા સ્થાનોમાંથી હાથ લંબાવીને મને પકડી લીધો. ઊંડાં પાણીમાંથી મને ઉપર ખેંચી લીધો. 17 મારા શત્રુઓ મારે માટે અતિશય શક્તિશાળી હતા; તેથી પ્રભુએ મને એ બળવાન અને મારો તિરસ્કાર કરનાર શત્રુઓથી બચાવ્યો. 18 મારા પર ભયાનક આફત આવી પડી. તે જ વખતે તેઓ મારા પર ત્રાટક્યા; પરંતુ પ્રભુ મારો આધાર બન્યા. 19 પ્રભુ મને વિશાળ જગામાં લઈ આવ્યા, મારા પર પ્રસન્ન હોવાને લીધે તેમણે મને ઉગારી લીધો! ભક્તની નિષ્ઠા 20 પ્રભુ મને મારા સદ્વર્તન અનુસાર પ્રતિફળ દે છે. મારા હાથોની શુદ્ધતાને અનુલક્ષીને મને થયેલું નુક્સાન ભરી આપે છે. 21 હું પ્રભુને માર્ગે ચાલ્યો છું અને દુષ્ટતા આચરીને મારા ઈશ્વરની વિરુદ્ધ થયો નથી. 22 મેં તેમના સર્વ નિયમો આંખો આગળ રાખી પાળ્યા છે, અને તેમના કોઈ આદેશો ઉથાપ્યા નથી. 23 હું પ્રભુની દષ્ટિમાં નિર્દોષ હતો. મેં મારી જાતને દોષથી સાચવી છે. 24 પ્રભુએ મને મારા સદ્વર્તન પ્રમાણે અને મારા હાથની શુદ્ધતા જોઈને મારું નુક્સાન વાળી આપ્યું છે. 25 પ્રભુ તમે તો વફાદારોની સાથે વફાદાર, નિર્દોષોની સાથે નિર્દોષ, 26 શુદ્ધની સાથે શુદ્ધ, પરંતુ કપટી લોકોની સાથે કુનેહબાજ છો! 27 તમે પીડિતોનો ઉદ્ધાર કરો છો. પરંતુ ગર્વિષ્ઠ આંખોને નમાવો છો! પ્રભુની ભલાઈ 28 હે પ્રભુ, તમે મારો દીપક પ્રગટાવો છો; તમે મારા અંધકારને પ્રકાશમાં પલટી નાખો છો. 29 હું તમારે સહારે લશ્કરી અવરોધો ભેદીને આગળ ધસું છું; ઈશ્વરની સહાયથી હું નગરકોટ કૂદી જાઉં છું. 30 ઈશ્વરનો માર્ગ પરિપૂર્ણ છે. પ્રભુનો સંદેશ પરખેલો છે. તે તેમનું શરણ લેનાર માટેની ઢાલ છે. 31 પ્રભુ સિવાય અન્ય ઈશ્વર કોણ છે? અમારા ઈશ્વર સિવાય અન્ય ખડક કોણ છે? 32 ઈશ્વર મને સામર્થ્યરૂપી કમરપટો બાંધે છે, તે જ મારા માર્ગને સલામત બનાવે છે. 33 તે જ મારા પગોને હરણ જેવા ચપળ બનાવે છે. તે ઊંચા સ્થાનો પર મને સલામત રાખે છે. 34 તે મારા હાથોને યુદ્ધવિદ્યા શીખવે છે; અને મારા હાથને તાંબાના મજબૂત ધનુષ્યનેય ખેંચવાની તાક્ત બક્ષે છે. શત્રુનો પરાજય 35 પ્રભુ, તમે મને ઉદ્ધારની ઢાલ આપી છે, તમારા જમણા હાથે મને ધરી રાખ્યો છે. તમે નીચે નમીને મને ઉન્નત કરો છો. 36 તમે મને મારાં ડગલાં ભરવા મોકળાશ કરી આપી છે, તેથી મારા પગ ડગી ગયા નથી. 37 હું મારા શત્રુઓનો પીછો કરીને તેમને પકડી પાડું છું; હું તેમનો વિનાશ કર્યા વિના પાછો ફરતો નથી. 38 મારા પ્રહારોથી તેઓ ઢળી પડે છે, અને ફરી પાછા ઊઠી શક્તા નથી; તેઓ મારા પગ આગળ પડેલા છે. 39 તમે યુદ્ધ માટે મારી કમર ક્સો છો, તમે મારા પર હુમલો કરનારાઓને ભોંયભેગા કરો છો. 40 તમે મારા શત્રુઓને મારી સામેથી પાછા ભગાડો છો; મારો દ્વેષ કરનારાઓને હું નષ્ટ કરું છું. 41 મારા વેરીઓ મદદ માટે બૂમો પાડે છે, પણ તેમને બચાવનાર કોઈ નથી, છેવટે તેઓ પ્રભુને પોકારે છે, પણ તે ઉત્તર દેતા નથી. 42 હું શત્રુઓના ચૂરેચૂરા કરી તેમને પવનથી ઊડી જાય તેવી ધૂળ જેવા બનાવી દઉં છું. એથી વિશેષ, હું તેમને રસ્તા પરના કીચડની જેમ ખૂંદું છું. બંડનું શમન 43 તમે મને લોકો સાથેના સંઘર્ષથી ઉગાર્યો, અને મને ઘણા દેશો પર શાસક તરીકે નીમ્યો; હું ઓળખતો પણ નહોતો તેવા લોકોએ મારી તાબેદારી સ્વીકારી. 44 મારે વિષે સાંભળતાં જ તેઓ મને આધીન થઈ જાય છે; પરદેશીઓ મારી સમક્ષ આવી ધૂંટણો ટેકવે છે. 45 પરદેશીઓ હિંમત હારી જાય છે; તેઓ તેમની આડશો પાછળથી ધ્રૂજતા ધ્રૂજતા બહાર આવે છે. વિજય માટે આભારદર્શન 46 પ્રભુ જીવંત અને જાગ્રત ઈશ્વર છે. ખડક સરખા મારા પ્રભુની સ્તુતિ હો, મારા ઉદ્ધારક ઈશ્વર ઉન્નત મનાઓ. 47 મારા શત્રુઓને હરાવવા તે મને સહાય કરે છે; તે રાષ્ટ્રોને મારે તાબે કરે છે. 48 તે મારા વેરીથી મને ઉગારે છે. તમે મને મારા વિરોધીઓ પર વિજય પમાડો છો, અને મને હિંસાખોરોથી બચાવો છો! 49 એ માટે, હે પ્રભુ, હું પરદેશીઓ સમક્ષ તમારાં ગુણગાન ગાઈશ. હું તમારા નામની સ્તુતિ કરીશ. 50 ઈશ્વર પોતાના રાજાને મહાન વિજયો અપાવે છે. તે પોતાના અભિષિક્ત રાજા દાવિદ પર અને તેના વંશજો પર સદાકાળ પ્રેમ દર્શાવે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide