ગીતશાસ્ત્ર 17 - પવિત્ર બાઇબલ C.L.સદાચારીની પ્રાર્થના (દાવિદનું પ્રાર્થના ગીત) 1 હે પ્રભુ, ન્યાય માટેની મારી યાચના સાંભળો, મારા પોકાર પ્રત્યે લક્ષ આપો; મારી પ્રાર્થના પ્રત્યે કાન દો, કારણ, તે નિષ્કપટ હોઠોમાંથી નીકળી છે. 2 તમારી ઉપસ્થિતિમાં જ મારો ન્યાય થવા દો. કારણ, તમારી આંખો સચ્ચાઈને પારખે છે. 3 તમે મારા દયને પારખ્યું છે, રાત્રિને સમયે પણ તમે મારું નિરીક્ષણ કરો છો, તમે મારી પરીક્ષા કરી છે, અને મારામાં કંઈ બુરાઈ મળી નથી; મેં મારે મુખે પણ અપરાધ કર્યો નથી. 4 તમારા મુખના શબ્દોને લીધે હું બીજા માણસોની જેમ વર્ત્યો નથી, હું જુલમીઓના માર્ગને અનુસર્યો નથી. 5 હું સદા તમારે જ માર્ગે ચાલ્યો છું અને કદી સાચા રસ્તાથી ભટકી ગયો નથી. 6 હે ઈશ્વર, હું તમને પોકારું છું; કારણ, તમે મને ઉત્તર આપો છો. હવે મારી તરફ કાન દો, અને મારી અરજ સાંભળો. 7-9 હે ઈશ્વર, તમે તો તમારે શરણે આવનાર લોકને તેમના શત્રુઓથી બચાવનાર છો, તેથી તમારો પ્રેમ પ્રગટ કરો; મને તમારી આંખની કીકીની જેમ સાચવો, અને તમારે જમણે હાથે રાખો; લૂંટી લેનાર દુષ્ટોથી તથા ઘેરી વળેલા ઘાતકી શત્રુઓથી મને તમારી પાંખોની છાયા નીચે સંતાડો. 10 તેમનાં હૃદય પથ્થર જેવાં દયાહીન છે, તેઓ ઘમંડથી બોલે છે. 11 મારા પગ લથડી ગયા છે, તેઓ મને ચોમેરથી ઘેરી વળ્યા છે. મને જમીન પર પછાડવા માટે તેમની આંખો તાકી રહી છે. 12 તેઓ ફાડી ખાવાને તત્પર સિંહ સમા છે; ત્રાટકવાને ઝાડીમાં લપાઈ રહેલા યુવાન સિંહ જેવા છે. 13 હે પ્રભુ, ઊઠો, મારા શત્રુઓનો સામનો કરી તેમને ફગાવી દો; તમારી તલવાર દ્વારા મને દુષ્ટોથી ઉગારો. 14 હે પ્રભુ, તમારા ભુજથી તેમનો સંહાર કરો, તેમને જીવતાઓની દુનિયામાંથી હડસેલી કાઢો; પરંતુ તમારા પસંદ કરેલા ભક્તોને ખોરાકથી તૃપ્ત કરો, તેમનાં સંતાનોને સમૃદ્ધ કરો અને તેઓ તેમનાં સંતાનોનાં સંતાન માટે પણ અઢળક સંપત્તિ મૂક્તા જાય એવું કરો. 15 પરંતુ હું તો ભક્તિભાવથી તમારાં મુખનાં દર્શન કરીશ; હું જાગીશ ત્યારે તમારા સ્વરૂપને નિહાળીને સંતુષ્ટ થઈશ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide