ગીતશાસ્ત્ર 16 - પવિત્ર બાઇબલ C.L.વિશ્વાસની પ્રાર્થના (દાવિદનું મિખ્તામ) 1 હે ઈશ્વર, મારું રક્ષણ કરો. કારણ, હું તમારે શરણે આવ્યો છું. 2 હે યાહવે, હું કબૂલ કરું છું કે, તમે જ મારા પ્રભુ છો, તમે જ મારું સકલ હિત છો, તમારા સમાન કોઈ જ નથી. 3 એક સમયે હું જેમને સમર્થ માનતો એવા અન્ય દેવોની ઉપાસનામાં હરખાતો હતો; 4 પણ અન્ય દેવોના ઉપાસકો દુ:ખમાં ડૂબી જશે; તેથી હું અન્ય દેવોને બલિ ચડાવીશ નહિ, મારે હોઠે તેમનાં નામ લઈશ નહિ. 5 પ્રભુ જ મારો પસંદ કરેલો વારસો અને પ્યાલો છે; અને મારો હિસ્સો નક્કી કરનાર પણ તમે જ છો. 6 માપણીની દોરી મારે માટે રમણીય સ્થાનોમાં પડી છે! સાચે જ મને અદ્ભુત વારસો પ્રાપ્ત થયો છે! 7 પ્રભુ મારા સલાહકાર છે, તેથી હું તેમને ધન્યવાદ આપીશ; દર રાતે મારો અંતરઆત્મા મને ચેતવે છે. 8 હું નિરંતર પ્રભુને મારી સમક્ષ રાખું છું. તે મારે જમણે હાથે છે તેથી મને કોઈ ડગાવી શકશે નહિ. 9 તે માટે મારું હૃદય હર્ષિત છે, અને મારો આત્મા ઉલ્લાસિત છે; મારો દેહ પણ સુરક્ષિત છે. 10 તમે મને ક્સમધ્યે મૃત્યુલોક શેઓલને સોંપવાના નથી; અને તમારા આ પ્રિય ભક્તને કબરભેગો કરવાના નથી. 11 તમે મને જીવન તરફ જતો માર્ગ ચીંધો છો. તમારી સમક્ષતા મને પરમ આનંદથી ભરી દે છે. તમારે જમણે હાથે હોવું એ જ સાર્વકાલિક સુખ છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide