ગીતશાસ્ત્ર 149 - પવિત્ર બાઇબલ C.L.વિજયનું સ્તુતિગીત 1 યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! પ્રભુના માનમાં નવું ગીત ગાઓ, અને સંતોની સભામાં તેમની સ્તુતિ કરો. 2 હે ઇઝરાયલ, તમારા સર્જનહારમાં આનંદ કરો; હે સિયોનપુત્રો, તમારા રાજામાં હરખાઓ. 3 તમે નૃત્ય કરીને ઈશ્વરના નામની સ્તુતિ કરો; ખંજરી તથા વીણા વગાડીને તેમનું સ્તવન ગાઓ. 4 કારણ, પ્રભુ પોતાના લોકોથી પ્રસન્ન છે. તે પીડિતજનોને વિજયથી શણગારે છે. 5 તેમના સંતો વિજયમાં આનંદ પામો; પથારીમાં પણ તેઓ આનંદથી ઈશ્વરનો જયજયકાર કરો. 6 તેમના ગળામાં ઈશ્વરની બુલંદ સ્તુતિ હો; અને તેમના હાથમાં બેધારી તલવાર હો; 7 જેથી તેઓ વિધર્મી રાષ્ટ્રો પર બદલો વાળે; અને અન્ય પ્રજાઓને શિક્ષા કરે. 8 તે તેમના રાજાઓને જંજીરોથી, અને તેમના અમીરોને બેડીઓથી બાંધે; 9 અને ઈશ્વરના તેમની વિરુદ્ધના ચુકાદાનો અમલ બજાવે. ઈશ્વરનાં સર્વ સંતોની એ જ પ્રતિષ્ઠા છે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide