ગીતશાસ્ત્ર 147 - પવિત્ર બાઇબલ C.L.સર્વશક્તિમાન પ્રભુની સ્તુતિ (ઇઝરાયલના ઇતિહાસમાં અને સૃષ્ટિમાં પ્રભુનું સામર્થ્ય) 1 યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! આપણા ઈશ્વરનાં સ્તવન ગાવાં તે કેવું ઉત્તમ છે! તેમની સ્તુતિ ગાવી તે કેવું આનંદદાયક અને ઉચિત છે! 2 પ્રભુ યરુશાલેમને ફરી બાંધે છે; તે વિખેરાઈ ગયેલા ઇઝરાયલીઓને પાછા એકત્ર કરે છે. 3 તે દયભંગિતોને સાજા કરે છે; તે તેમના ઘા રૂઝવે છે. 4 તેમણે પ્રત્યેક નક્ષત્રમાં તારાની સંખ્યા નિશ્ર્વિત કરી છે; તે દરેક નક્ષત્રને તેના નામથી બોલાવે છે. 5 આપણા પ્રભુ મહાન અને અત્યંત સામર્થ્યવાન છે; તેમનું જ્ઞાન અસીમ છે. 6 તે જુલમપીડિતોને સહારો આપે છે. પરંતુ દુષ્ટોને જમીનદોસ્ત કરી નાખે છે. કુદરતી બનાવોમાં યાહવેનું સામર્થ્ય 7 પ્રભુનો આભાર માનતાં માનતાં ગાઓ; વીણા સાથે આપણા ઈશ્વરનાં સ્તવન ગાઓ. 8 તે આકાશને વાદળોથી આચ્છાદિત કરે છે; તે પૃથ્વીને માટે વરસાદ તૈયાર કરે છે; તે ડુંગરો પર ઘાસ ઉગાવે છે. 9 તે ઢોરોને તેમ જ ખોરાક માટે પોકારતા કાગડાંનાં બચ્ચાને પણ ખોરાક પૂરો પાડે છે. 10 તે અશ્વદળની શક્તિથી પ્રસન્ન થતાં નથી, કે બહાદુર સૈનિકોના પાયદળથી પણ રાજી થતા નથી. 11 પરંતુ તે તો તેમના ભક્તો, એટલે તેમના પ્રેમ પર ભરોસો રાખનારાઓથી જ પ્રસન્ન થાય છે. પોતાના લોકને પોષણ પૂરું પાડનાર પ્રભુ 12 હે યરુશાલેમ, પ્રભુનું સ્તવન કર; હે સિયોન, તારા ઈશ્વરની સ્તુતિ કર; 13 તે તારા દરવાજાઓના આગળિયાઓને સુદૃઢ બનાવે છે; તે તારા નગરજનોને આશિષ આપે છે. 14 તે તારી સરહદોને સુરક્ષિત રાખે છે, અને શ્રેષ્ઠ ઘઉંથી તને ભરપૂર કરે છે. 15 તે પોતાની આજ્ઞા પૃથ્વી પર પાઠવે છે; તેમનો અવાજ તેજ ગતિએ દોડે છે. 16 તે સફેદ ઊન જેવો બરફ વરસાવે છે, અને રાખની જેમ હિમ વેરે છે. 17 તે કાંકરા જેવા કરા વરસાવે છે અને તેમની ઠંડીથી પાણી ઠરી જાય છે. 18 પછી તે આજ્ઞા આપે છે એટલે બરફ પીગળવા માંડે છે; તે પવન મોકલે છે એટલે પાણી વહેવા લાગે છે. 19 તે યાકોબના વંશજોને પોતાનું શિક્ષણ, એટલે ઇઝરાયલ લોકને પોતાનાં ફરમાનો અને ચુકાદાઓ પ્રગટ કરે છે. 20 ઈશ્વરે બીજી કોઈ પ્રજા સાથે આવો વ્યવહાર રાખ્યો નથી; તેઓ તેમના ચુકાદા જાણતા નથી. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! સમગ્ર વિશ્વ યાહવેની સ્તુતિ કરો! યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide