ગીતશાસ્ત્ર 144 - પવિત્ર બાઇબલ C.L.યુદ્ધમાં વિજય અને પ્રજાની સમૃદ્ધિ માટે પ્રાર્થના યુદ્ધમાં વિજય માટે પ્રાર્થના (દાવિદનું ભજન) 1 પ્રભુ મારા સંરક્ષક ખડક છે, તેમને ધન્ય હો! તે મારા હાથને યુદ્ધની અને મારી આંગળીઓને લડાઈની તાલીમ આપે છે. 2 તે મારા નિકટના મિત્ર અને મારા ગઢ છે; મારા મજબૂત દૂર્ગ અને મારા મુક્તિદાતા છે. તે મારી સંરક્ષક ઢાલ અને મારો આધાર છે; તે પ્રજાઓને મારે તાબે કરે છે. 3 હે પ્રભુ, માણસ તે કોણ કે તમે તેનો ખ્યાલ રાખો છો? અને મર્ત્ય માનવીની શી વિસાત કે તમે એનો વિચાર કરો છો? 4 મનુષ્ય તો ફૂંક સમાન છે, અને તેના દિવસો સાંજે અદશ્ય થતી છાયા સમાન છે. 5 હે પ્રભુ, તમારાં આકાશોને ફાડીને નીચે ઊતરી આવો; પર્વતોને સ્પર્શો કે તેમનામાંથી ધૂમાડો નીકળે. 6 તમારી વીજળી ચમકાવીને શત્રુઓને વિખેરી નાખો; તમારાં બાણ છોડી તેમને નસાડી દો. 7 ઊંચા સ્થાનોમાંથી તમારો હાથ લંબાવી મને ઉઠાવી લો; ઊંડા પાણીમાંથી અને પારકાઓના હાથમાંથી મને મુક્ત કરો. 8 તેમનું મુખ માત્ર અસત્ય ઉચ્ચારે છે, અને તેઓ જમણા હાથથી જૂઠા શપથ ખાવા તૈયાર હોય છે. 9 હે ઈશ્વર, મને તમારે માટે એક નવું ગીત ગાવા દો; મને દસતારી વીણા સાથે તમારું સ્તવન કરવા દો. 10 તમે ઇઝરાયલના રાજાઓને વિજય અપાવો છો અને તમારા સેવક દાવિદને ઉગારો છો. 11 મને ક્રૂર તલવારથી બચાવો, પરદેશીઓના હાથમાંથી ને મુક્ત કરો; તેમનું મુખ માત્ર અસત્ય ઉચ્ચારે છે, અને તેઓ જમણાં હાથથી જૂઠા શપથ ખાવા તૈયાર હોય છે. પ્રજાની સમૃદ્ધિ માટે પ્રાર્થના 12 ઈશ્વરની આશિષથી અમારા પુત્રો પોતાની યુવાનીમાં પૂર્ણવિકસિત રોપા સમાન મજબૂત થાઓ, અને અમારી પુત્રીઓ રાજમહેલ શણગારવા કોતરાયેલી થાંભલીઓ જેવી સુંદર બનો. 13 અમારી વખારો દરેક પ્રકારના ધાન્યથી ભરપૂર હો. અમારા વાડામાં ઘેટાંઓ હજારોહજાર બચ્ચાં જન્માવો! 14 અમારા બળદો ભાર ઊંચકવામાં જબરા થાઓ! આક્રમણથી નગરકોટમાં ન તો કોઈ ગાબડું પડો કે ન તો કોઈનો દેશનિકાલ થાઓ કે અમારી શેરીઓમાં વેદનાની ચીસો ન પડો. 15 જે પ્રજાના સંબંધમાં આ વાતો સાચી છે તે ઈશ્વરથી આશીર્વાદિત છે. જે પ્રજાના ઈશ્વર યાહવે છે તેને ધન્ય છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide