ગીતશાસ્ત્ર 143 - પવિત્ર બાઇબલ C.L.સહાય માટે યાચના (દાવિદનું ભજન) 1 હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો; મારી આજીજી પ્રત્યે કાન ધરો. તમારા વિશ્વાસુપણાને લીધે અને તમારી ઉદ્ધારકશક્તિ વડે મને ઉત્તર આપો. 2 તમારા આ સેવકનો ન્યાય કરવા બેસશો નહિ; કારણ, તમારી સંમુખ કોઈ નિર્દોષ નથી. 3 શત્રુએ મારો પીછો કરીને મને પાડી દીધો છે; તેણે મને ભૂમિ પર કચડી નાખ્યો છે. લાંબા સમયથી મૃત્યુ પામેલા માણસની જેમ તેણે મને અંધારા સ્થાનમાં પૂર્યો છે. 4 મારો આત્મા અત્યંત નિર્ગત થયો છે; મારું હૃદય નિરાશાથી ત્રાસી ગયું છે. 5 હું વીતેલા દિવસોનું સ્મરણ કરું છું; હું તમારાં સર્વ અદ્ભુત કાર્યો વિષે મનન કરું છું; અને તમારે હાથે થયેલાં કાર્યોનું ચિંતન કરું છું. 6 હું તમારી તરફ મારા હાથ પ્રસારું છું; સૂકી ભૂમિની જેમ મારો પ્રાણ તમારે માટે તરસે છે. (સેલાહ) 7 હે પ્રભુ, મને વિના વિલંબે ઉત્તર દો; મારો આત્મા ભાંગી પડવાની તૈયારીમાં છે. તમારું મુખ મારાથી સંતાડશો નહિ; અન્યથા, હું કબરમાં ઊતરી જનારા મૃતકો સમાન થઈ જઈશ. 8 દર પ્રભાતે મને તમારા પ્રેમ વિષે જણાવો; કારણ, હું તમારા પર ભરોસો રાખું છું. મારે જે માર્ગે ચાલવું જોઈએ તે મને દર્શાવો; કારણ, મારું અંતર તમારામાં જ લાગેલું છે. 9 હે પ્રભુ, હું તમારે શરણે આવ્યો છું; મારા શત્રુઓથી મને બચાવો. 10 એકમાત્ર તમે જ મારા ઈશ્વર છો; તેથી તમારી ઇચ્છા અનુસાર વર્તવાનું મને શીખવો. તમારા ભલા આત્મા થકી મને સમતલ ભૂમિમાં દોરી જાઓ. 11 તમારા નામને ખાતર મને જીવંત રાખો; તમારી ઉદ્ધારક શક્તિથી મારા પ્રાણને સંકટમાંથી બહાર કાઢો. 12 તમારા પ્રેમને લીધે મારા શત્રુઓનો સંહાર કરો, અને મારા પ્રાણને પરેશાન કરનારાઓનો નાશ કરો; કારણ, હું તમારો સેવક છું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide