ગીતશાસ્ત્ર 140 - પવિત્ર બાઇબલ C.L.રક્ષા માટે પ્રાર્થના (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ભજન) 1 હે પ્રભુ, મને દુષ્ટ માણસોથી બચાવો; જુલમગારોથી મારું રક્ષણ કરો. 2 કારણ, તેઓ તેમના હૃદયમાં ભુંડું કરવાનું જ વિચારે છે; વળી, તેઓ નિત્ય ઝઘડા ઊભા કરે છે. 3 તેમની જીભ સાપની જીભ જેવી ક્તિલ છે, અને તેમના શબ્દો નાગના વિષ જેવા ઘાતક છે. (સેલાહ) 4 હે પ્રભુ, દુષ્ટોના હાથમાંથી મારું રક્ષણ કરો; ઘાતકી માણસોથી મને સંભાળો; તેઓ મારા પતન માટે ષડયંત્રો રચે છે. 5 અહંકારીઓએ મારે માટે છટકાં ગોઠવ્યાં છે! તેમણે દોરડાં સાથે જાળ બિછાવી છે; અને મને સપડાવવા તેમણે રસ્તા પર ફાંદા ગોઠવ્યા છે. (સેલાહ) 6 મેં કહ્યું, “હે પ્રભુ, તમે જ મારા ઈશ્વર છો! હે પ્રભુ, દયા માટેની મારી યાચનાના પોકાર પર કાન ધરો. 7 હે પ્રભુ પરમેશ્વર, મારા સમર્થ ઉદ્ધારક, યુદ્ધને દિવસે તમે મારું મસ્તક ઢાંકો છો. 8 હે પ્રભુ, તમે દુષ્ટોની ઇચ્છાઓને પૂરી થવા ન દો. (સેલાહ) 9 મને ઘેરી લેનારાઓનાં મસ્તક સફળતાથી ઉન્નત થવા ન દો; તેમના હોઠના શાપ તેમના પોતાના પર જ આવી પડો. 10 તેમના પર ધગધગતા અંગારા વરસો; તેઓ અગ્નિમાં ફેંકાઓ, અને ઊંડા ખાડામાં પડયા પછી કદી બહાર ન નીકળો. 11 બીજાઓ પર જૂઠા આરોપ મૂકનારા સફળ ન થાઓ; હિંસક માણસો પર વિપત્તિ ત્રાટકીને તેમને નષ્ટ કરો. 12 મને ખાતરી છે કે પ્રભુ તો પીડિતજનોના દાવાની તરફેણ કરે છે, અને કંગાલોના હકકોની રક્ષા કરે છે. 13 સાચે જ નેકજનો તમારા નામનો આભાર માનશે, અને સરળ જનો તમારી સંમુખ વસશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide