ગીતશાસ્ત્ર 139 - પવિત્ર બાઇબલ C.L.સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વસમર્થ ઈશ્વર (ભક્ત માટે સર્વજ્ઞ ઈશ્વર) 1 હે પ્રભુ, તમે મારી પારખ કરી છે; અને તમે મને પૂરેપૂરો ઓળખો છો. 2 મારું બેસવું તથા ઊઠવું એટલે મારું સમગ્ર વર્તન તમે જાણો છો. વળી, તમે મારા વિચાર દૂરથી પણ સમજો છો. 3 મારું ચાલવું તથા સૂવું પણ તમે તપાસી જુઓ છો; તમે મારા સર્વ માર્ગો વિષે માહિતગાર છો. 4 મારી જીભે હજુ તો હું શબ્દ ઉચ્ચારું તે પહેલાં હે પ્રભુ, તમે તે વિષે સંપૂર્ણપણે જાણો છો. 5 તમે મને ચારેબાજુથી ઘેરી વળીને સંભાળો છો; તમે તમારા હાથના સામર્થ્ય વડે મને ધરી રાખો છો. 6 મારા વિષેનું તમારું આ જ્ઞાન અતિ આશ્ર્વર્યજનક છે; તે અતિ ઉચ્ચ છે અને મારી સમજની બહાર છે. ભક્ત માટે સર્વવ્યાપી ઈશ્વર 7 તમારા આત્મા પાસેથી છટકીને હું ક્યાં જાઉં? તમારી હજૂરમાંથી હું ક્યાં નાસી જાઉં? 8 જો હું ઊંચે આકાશમાં ચઢી જાઉં તો તમે ત્યાં છો! જો હું નીચે મૃત્યુલોક શેઓલમાં પથારી કરું તો તમે ત્યાં પણ છો! 9 જો હું પૂર્વમાં પ્રભાતના ઉદ્ગમસ્થાને ઊડી જાઉં, અથવા જો પશ્ર્વિમના સમુદ્રની પેલે પાર જઈને વસું, 10 તો ત્યાં પણ તમારો ડાબો હાથ મને દોરશે, અને તમારો જમણો હાથ મને ગ્રહી રાખશે. 11 જો હું એમ વિચારું કે અંધકાર તો મને જરૂર સંતાડશે અને મારી આસપાસનો પ્રકાશ રાત્રિમાં ફેરવાઈ જાય, 12 તો અંધકાર પણ તમારે માટે અંધકારમય નથી, અને રાત્રિ પણ દિવસની જેમ પ્રકાશે છે. તમારે માટે તો અંધકાર પણ પ્રકાશ સમાન છે. ભક્તને ઘડનાર સર્વસમર્થ ઈશ્વર 13 મારા આંતરિક અવયવોને, અરે, મારા સમગ્ર શરીરને તમે રચ્યું છે; તમે જ મને મારી માતાના ગર્ભમાં ઘડયો છે. 14 તમારાં અદ્ભુત કાર્યો માટે હું તમારી સ્તુતિ કરું છું; તમારાં સર્વ કાર્યો અજાયબ છે અને હું પણ તમારી એક અજાયબ કૃતિ છું અને મારો પ્રાણ તે સંપૂર્ણપણે જાણે છે. 15 જ્યારે હું ગુપ્તમાં ઘડાતો હતો અને માના ગર્ભાશયમાં જટિલ રીતે ગોઠવાતો હતો ત્યારે ય મારા શરીરનું માળખું તમારાથી છૂપું ન હતું! 16 અને તમારી આંખોએ મારું ગર્ભસ્વરૂપ નિહાળ્યું હતું, મારા જીવનનો એકપણ દિવસ હજી અસ્તિત્વમાં આવ્યો નહોતો, તે પહેલાં મારે માટે નક્કી થયેલા દિવસો તમારા પુસ્તકમાં નોંધાયેલા હતા. 17 હે ઈશ્વર, મારા વિષેના તમારા વિચારો મને કેટલા મૂલ્યવાન લાગે છે! તેમની સંખ્યા કેટલી મોટી છે! 18 જો હું તેમને ગણવા ચાહું, તો તે રેતીના કણ કરતાં અધિક છે: જ્યારે હું જાગું ત્યારે હજી હું તમારી સાથે હોઉં છું. દુષ્ટોને સજા 19 હે ઈશ્વર, તમે દુષ્ટોનો સંહાર કરો તો કેવું સારું! ખૂની માણસોને મારાથી દૂર કરો. 20 તેઓ તમારી નિંદા કરે છે; તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે. 21 હે પ્રભુ, તમને ધિક્કારનારાઓને શું હું ન ધિક્કારું? તમારી વિરુદ્ધ પડનારાઓની શું હું ઘૃણા ન કરું? 22 હું તેમને મારા સંપૂર્ણ દયથી ધિક્કારું છું; હું તેમને મારા શત્રુ ગણું છું. ભક્તની યાચના 23 હે ઈશ્વર, મને પારખો અને મારા દયને ઓળખો, મને બારીકાઈથી ચક્સો અને મારા વિચારોને જાણો. 24 હું કોઈ દુરાચારને માર્ગે ચાલતો હોઉં તો તે શોધી કાઢજો અને મને સનાતન માર્ગે ચલાવજો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide