ગીતશાસ્ત્ર 138 - પવિત્ર બાઇબલ C.L.આભારીજનનું ગીત (દાવિદનું ગીત) 1 હે ઈશ્વર, હું સાચા દિલથી તમારી આભારસ્તુતિ કરું છું; દેવોની સમક્ષ પણ હું તમારું સ્તવન ગાઉં છું. 2 હું તમારા પવિત્ર મંદિર તરફ ભૂમિ પર મસ્તક ટેકવીને તમને નમન કરું છું; તમારા પ્રેમ અને તમારા વિશ્વાસુપણાને લીધે હું તમારા નામનો આભાર માનું છું. તમારું નામ અને તમારું શિક્ષણ સર્વોચ્ચ છે એની પ્રતીતિ તમે કરાવી છે. 3 મેં તમને વિનંતી કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો; તમે મને આત્મબળ બક્ષીને દઢ બનાવ્યો. 4 હે પ્રભુ, પૃથ્વીના સર્વ રાજાઓ તમારા મુખના શબ્દો સાંભળશે, ત્યારે તેઓ તમારી સ્તુતિ કરશે. 5 તેઓ પ્રભુના માર્ગો વિષે ગાશે કે, “પ્રભુનો મહિમા મહાન છે.” 6 જો કે પ્રભુ મહાન છે છતાં તે દીનજનો પ્રત્યે લક્ષ આપે છે; પણ ગર્વિષ્ઠોને તે દૂરથી ઓળખી કાઢે છે. 7 જો મારે સંકટમય માર્ગે ચાલવું પડે તો પણ તમે મારા જીવને સલામત રાખો છો; ક્રોધે ભરાયેલા મારા શત્રુઓ પર તમે તમારો ડાબો હાથ ઉગામશો, અને તમારા પરાક્રમી જમણા ભુજથી મને વિજય અપાવશો. 8 પ્રભુ મારે માટેનો તેમનો હેતુ પૂર્ણ કરશે. હે પ્રભુ, તમારો પ્રેમ સાર્વકાલિક છે. તમારા હાથની કૃતિનો ત્યાગ કરશો નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide