ગીતશાસ્ત્ર 137 - પવિત્ર બાઇબલ C.L.બેબિલોનમાં દેશનિકાલ થયેલાઓનું ગીત (બેબિલોન દેશમાં અવદશા) 1 બેબિલોનમાં નદીઓને કાંઠે અમે બેઠા; ત્યારે સિયોનની યાદ આવી જતાં અમે રડી પડયા. 2 ત્યાંના વૃક્ષો પર અમે અમારા તાનપૂરા ફરી કદી ન બજાવવા ટાંગી દીધા. 3 કારણ, અમને બંદિ બનાવનારા બેબિલોનીઓએ અમને ગીત ગાવા ફરમાવ્યું; અમારા એ જુલમગારોએ અમને કહ્યું, “અમારા મનોરંજન માટે સિયોનનાં ગીતોમાંથી કોઈએક ગીત ગાઓ.” યરુશાલેમને વીસરવાનો શાપ 4 પરંતુ પારકી ભૂમિ પર અમે પ્રભુનું ગીત કેવી રીતે ગાઈએ? 5 હે યરુશાલેમ, જો હું તને વીસરી જાઉં; તો મારો જમણો હાથ સુકાઈ જાઓ! 6 જો હું તારું સ્મરણ ન કરું, જો હું યરુશાલેમને મારો શ્રેષ્ઠ આનંદ ન માનું; તો મારી જીભ તાળવે ચોંટી જાઓ. અદોમીઓને શાપ 7 હે પ્રભુ, યરુશાલેમના પતનના દિવસે અદોમીઓએ જે કર્યું તેનું સ્મરણ કરી તેમને સજા કરો. તેઓ વારંવાર કહેતા હતા, “પાડી નાખો, પાડી નાખો, યરુશાલેમને પાયા સુદ્ધાં ધરાશાયી કરો.” બેબિલોન નગરને શાપ 8 હે વિનાશક નગરી બેબિલોન, જે બૂરો વ્યવહાર તેં અમારી સાથે કર્યો, તેવો જ વ્યવહાર તારી સાથે કરનારને ધન્ય હો! 9 જે તારાં સંતાનોને પકડીને ખડક પર અફાળે તેને ધન્ય હો! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide