ગીતશાસ્ત્ર 136 - પવિત્ર બાઇબલ C.L.સર્જનહાર અને ઉદ્ધારક પ્રભુની સ્તુતિ આભારસ્તુતિ 1 પ્રભુની આભારસ્તુતિ કરો; કારણ, તે ભલા છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 2 દેવાધિદેવ ઈશ્વરની આભારસ્તુતિ કરો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 3 પ્રભુઓના પ્રભુની આભારસ્તુતિ કરો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. સર્જનહાર પ્રભુની સ્તુતિ 4 એકલા તે જ મહાન અને અજાયબ કાર્યો કરે છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 5 તેમણે પોતાના જ્ઞાનથી આકાશો સર્જ્યાં છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 6 તેમણે ઊંડી જળરાશિ પર પૃથ્વીને સ્થાપી છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 7 તેમણે મહાન જ્યોતિઓ એટલે સૂર્ય અને ચંદ્ર સર્જ્યાં; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 8 તેમણે દિવસને અજવાળવા સૂર્ય બનાવ્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 9 તેમણે રાત્રિને અજવાળવા ચંદ્ર અને તારા બનાવ્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. ઇજિપ્તમાંથી ઉદ્ધાર માટે સ્તુતિ 10 ઈશ્વરે ઇજિપ્તના પ્રથમજનિતોનો સંહાર કર્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 11 તેમણે ઇઝરાયલીઓને ઇજિપ્તમાંથી મુક્ત કર્યાં; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 12 પોતાના સમર્થ ભુજ અને ઉગામેલા હાથ વડે તેમને છોડાવ્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 13 તેમણે સૂફ સમુદ્રના બે ભાગ કર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 14 તેમણે સૂફ સમુદ્રની મધ્યેથી ઇઝરાયલીઓને પાર ઉતાર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 15 પણ તેમણે ફેરો તથા તેની સેનાને તે સમુદ્રમાં ડુબાવી દીધાં; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. વચનના પ્રદેશ માટે સ્તુતિ 16 ઈશ્વરે રણપ્રદેશમાં પોતાના લોકોને દોર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 17 તેમણે મહાન રાજાઓનો સંહાર કર્યો. સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 18 અને તેમણે નામાંક્તિ રાજાઓને માર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 19 તેમણે અમોરીઓના રાજા સિહોનને માર્યો, સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 20 બાશાનના રાજા ઓગને પણ સંહાર્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 21 તેમનો પ્રદેશ તેમણે ઇઝરાયલને વારસા તરીકે આપ્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 22 પોતાના સેવક ઇઝરાયલના વંશજોને તે પ્રદેશ વારસામાં આપ્યો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. પ્રભુના અવિચળ પ્રેમ માટે સ્તુતિ 23 આપણી નામોશીમાં તેમણે આપણને સંભાર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 24 આપણા શત્રુઓના હાથમાંથી આપણને છોડાવ્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 25 તે સર્વ જનજનાવરને આહાર આપે છે; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. 26 આકાશના ઈશ્વરની આભારસ્તુતિ કરો; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide