Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 135 - પવિત્ર બાઇબલ C.L.


સ્તુતિગીત પ્રભુની સ્તુતિ

1 યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! પ્રભુના નામની સ્તુતિ કરો! હે પ્રભુના સેવકો, તમે તેમની સ્તુતિ કરો!

2 પ્રભુના ઘરમાં, એટલે, આપણા ઈશ્વરના મંદિરના આંગણામાં ઊભા રહી ભક્તિ કરનારા સેવકો, તમે તેમની સ્તુતિ કરો!

3 યાહની સ્તુતિ કરો: કારણ, તે ભલા છે; તેમના નામનાં ગીતો ગીઓ; કારણ, તેમ કરવું આનંદદાયક છે.

4 યાહે આપણા પૂર્વજ યાકોબને પોતાને માટે અને ઇઝરાયલ લોકને પોતાની ખાસ સંપત્તિ તરીકે પસંદ કર્યા.


કુદરતના સ્વામી અને પોતાના લોકના ઉદ્ધારક ઈશ્વર

5 હું પોતે જાણું છું કે પ્રભુ મહાન છે. તે સર્વ દેવો કરતાં મહાન છે.

6 આકાશોમાં અને પૃથ્વી ઉપર, સમુદ્રોમાં અને નીચેનાં સર્વ ઊંડાણોમાં પ્રભુ પોતાને જે પસંદ પડે તે કરે છે.

7 પૃથ્વીને છેડેથી તે વાદળોને ઉપર ચઢાવે છે, અને તે વર્ષાને માટે વીજળી ચમકાવે છે તથા પોતાની વખારોમાંથી પવનને બહાર લાવે છે.

8 ઈશ્વરે ઇજિપ્તમાં, ઇજિપ્તીઓના અને તેમનાં પશુઓના પ્રથમજનિતોનો સંહાર કર્યો.

9 તેમણે ઇજિપ્તમાં ફેરો અને તેના સર્વ સેવકો વિરુદ્ધ અજાયબ કાર્યો અને ચમત્કારો કર્યાં.

10 તેમણે ઘણા દેશોને નષ્ટ કર્યા અને શક્તિશાળી રાજાઓને મારી નાખ્યા;

11 એટલે અમોરીઓના રાજા સિહોનને, બાશાનના રાજા ઓગને તથા કનાનના સર્વ રાજાઓને તેમણે માર્યા.

12 ઈશ્વરે તેમની ભૂમિ પોતાના ઇઝરાયલી લોકને વારસા તરીકે આપી.


ઈશ્વરની મહાનતા

13 હે યાહવે, તમારું નામ સાર્વકાલિક છે; તમારું સ્મરણ પેઢી દરપેઢી ટકે છે.

14 સાચે જ પ્રભુ પોતાના લોકનો બચાવ કરે છે; અને પોતાના ભક્તો પ્રત્યે દયા દર્શાવે છે.


અન્ય દેશોના દેવો

15 અન્ય દેશોના દેવો તો સોનાચાંદીની મૂર્તિઓ છે; તેઓ માનવી હાથોથી ઘડાયેલી છે.

16 તેમને મુખ છે, પણ તે બોલી શક્તી નથી; આંખો છે, પણ જોઈ શક્તી નથી;

17 તેમને કાન છે, પણ તે સાંભળી શક્તી નથી; અને તેમના મુખમાં શ્વાસોચ્છવાસ પણ નથી.

18 તેમને ઘડનારા તેમ જ તેમના પર ભરોસો રાખનારા સર્વ હાથે ઘડેલી મૂર્તિઓ જેવા વ્યર્થ થશે.


પ્રભુની સ્તુતિ માટે આમંત્રણ

19 હે ઇઝરાયલના લોકો, પ્રભુને ધન્ય કહો! હે આરોનવંશી યજ્ઞકારો, પ્રભુને ધન્ય કહો!

20 હે લેવી કુળના લોકો, પ્રભુને ધન્ય કહો! હે પ્રભુના સર્વ ભક્તો, પ્રભુને ધન્ય કહો!

21 યરુશાલેમમાં વસનાર પ્રભુને સિયોનનગરમાંથી ધન્ય કહો! યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ!

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan