ગીતશાસ્ત્ર 132 - પવિત્ર બાઇબલ C.L.કરારપેટીની સ્થાપનાની યાદમાં સંવત્સરી (આરોહણનું ગીત) 1 હે પ્રભુ, દાવિદને અને તેણે વેઠેલ દુ:ખોને તેના હિતમાં તમે સંભારો. 2 તેણે તો પ્રભુ સમક્ષ શપથ લીધા તથા આપણા પૂર્વજ યાકોબના સમર્થ ઈશ્વરની આગળ આવી માનતા માની: 3-5 “જ્યાં સુધી હું પ્રભુના નિવાસસ્થાન માટે એટલે યાકોબના સમર્થ ઈશ્વરના વસવાટ માટે જગા ન શોધું ત્યાં સુધી હું મહેલના છત્રમાં પ્રવેશીશ નહિ, અને મારા શાહી પલંગ પર સૂઈશ નહિ. મારી આંખોને ઊંઘ અને મારાં પોપચાંને નિંદ્રા લેવા દઈશ નહિ.” કરારપેટીનું પ્રસ્થાપન 6 અમે એફ્રાથા પાસે કરારપેટી વિષે સાંભળ્યું, અને યાઅરના પ્રદેશમાં અમને તે મળી આવી. 7 અમે કહ્યું, “ચાલો, ઈશ્વરના નિવાસસ્થાનમાં જઈએ અને તેમના પાયાસન સમક્ષ તેમની ભક્તિ કરીએ.” 8 હે પ્રભુ, ઊઠો, તમારા સામર્થ્યના પ્રતીક્સમ કરારપેટી સાથે તમારા વિશ્રામસ્થાનમાં આવો. 9 તમારા યજ્ઞકારો નેકીરૂપી પોષાકથી વિભૂષિત બનો, અને તમારા સંતો તમારો જયજયકાર કરો. દાવિદ સાથે યાહવેનો કરાર 10 તમારા સેવક દાવિદને ખાતર તમે તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર કરશો નહિ. 11-12 હે પ્રભુ, તમે દાવિદ સાથે સત્યપ્રતિજ્ઞા કરી: “હું તારા પુત્રોમાંથી એકને રાજા બનાવીશ, તે તારા પછી રાજ્ય કરશે; જો તારો પુત્ર મારો કરાર પાળશે અને હું શીખવું તે આદેશોનું પાલન કરશે, તો તેના વંશજો પણ સદાસર્વદા તારા રાજ્યાસન પર બિરાજશે.” ઈશ્વર એ પ્રતિજ્ઞા તોડશે નહિ. મંદિરનાં યશોગાન 13 પ્રભુએ સિયોનનગરને પસંદ કર્યું છે, અને તેને પોતાનું નિવાસસ્થાન બનાવવા ઇચ્છયું છે. 14 “આ મારું સદાનું વિશ્રામસ્થાન છે; અહીં હું વાસ કરીશ; કારણ, એ મારી ઇચ્છા છે.” 15 હું નિશ્ર્વે તેની ઊપજને અપાર આશિષ આપીશ; હું તેના કંગાલોને આહારથી તૃપ્ત કરીશ. 16 હું તેના યજ્ઞકારોને ઉદ્ધારરૂપી પોષાકથી વિભૂષિત કરીશ; તેના ભક્તો આનંદથી જયજયકાર કરશે. 17 ત્યાં સિયોનમાં, હું દાવિદના રાજવંશને સત્તારૂઢ કરીશ; હું મારા અભિષિક્ત રાજાનો વંશરૂપી દીપક સળગતો રાખીશ. 18 તેના શત્રુઓને હું પરાજયની લજ્જાથી ઢાંકી દઈશ; પરંતુ રાજાનો મુગટ તેના મસ્તક પર ઝળહળતો રહેશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide