ગીતશાસ્ત્ર 130 - પવિત્ર બાઇબલ C.L.સહાય માટે યાચના (આરોહણનું ગીત) 1 હે પ્રભુ, નિરાશાનાં ઊંડાણોમાંથી હું તમને પોકારું છું. 2 હે પ્રભુ, મારો સાદ સાંભળો; દયા માટેની મારી યાચના પ્રત્યે તમારા કાન દો. 3 હે યાહ, જો તમે અમારાં પાપો ધ્યાનમાં રાખો. તો પ્રભુ તમારી સમક્ષ કોણ ઊભું રહી શકે? 4 પરંતુ તમે ક્ષમા આપનાર ઈશ્વર છો; તેથી તમારો ડર રહે છે. 5 હું પ્રભુની પ્રતીક્ષા કરું છું, મારો પ્રાણ પ્રતીક્ષા કરે છે; હું તેમનું વચન પૂર્ણ થવાની આશા રાખું છું. 6 પ્રભાતની વાટ જોતા ચોકીદાર કરતાં, પ્રભાતની આતુરતાપૂર્વક વાટ જોતા ચોકીદાર કરતાં મારો પ્રાણ પ્રભુની વધારે પ્રતીક્ષા કરે છે. 7 હે ઇઝરાયલના લોક, પ્રભુ પર ભરોસો રાખો. કારણ, તેમનો પ્રેમ અવિચળ છે અને તે નિરંતર તમારો ઉદ્ધાર કરવા સમર્થ છે. 8 એકમાત્ર તે જ ઇઝરાયલી લોકને તેમનાં સર્વ પાપમાંથી ઉગારશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide