ગીતશાસ્ત્ર 129 - પવિત્ર બાઇબલ C.L.શત્રુઓના પરાજય માટે પ્રાર્થના ઇઝરાયલના લોક એક વ્યક્તિ તરીકે પોતાની દુર્દશા વર્ણવે છે (આરોહણનું ગીત) 1 ‘શત્રુઓએ બાળપણથી જ મારા પર અત્યંત જુલમ કર્યો છે,’ એમ ઇઝરાયેલના લોક કહો; 2 ‘શત્રુઓએ બાળપણથી મારા પર અત્યંત જુલમ કર્યો છે, છતાં તેઓ મને નષ્ટ કરી શક્યા નથી. 3 જેમ કોઈ હળથી ખેતરમાં લાંબા ચાસ પાડે તેમ તેમણે મારી પીઠ પર ફટકાના ઊંડા ઘા પાડયા.’ દુષ્ટોના વિનાશ માટે યાચના 4 પરંતુ પ્રભુ ન્યાયી છે; તે દુષ્ટોની ઝૂંસરી ભાંગી નાખશે. 5 સિયોન પર દ્વેષ રાખનારા સર્વ પરાજયથી લજ્જિત બની પાછા હઠશે. 6 તેઓ ધાબા પર ઊગતા ઘાસના જેવા થાઓ, જે પૂરેપૂરું વયા પહેલાં કરમાઈ જાય છે; 7 તેનાથી ઘાસ કાપનારની મુઠ્ઠી કે પૂળા બાંધનારની બાથ ભરાતી નથી. 8 એવા ઘાસની કાપણી કરનારને રાહદારીઓ “પ્રભુની આશિષ તમારા પર ઊતરો,” એવી શુભેચ્છા પાઠવતા નથી, અને એ કાપણી કરનારા પણ પ્રત્યુત્તરમાં “અમે ય તમને યાહવેને નામે આશિષ આપીએ છીએ,” એવું કહેતા નથી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide