ગીતશાસ્ત્ર 12 - પવિત્ર બાઇબલ C.L.સહાય માટે પ્રાર્થના (સંગીત સંચાલક માટે સૂચના: શમીનીય પ્રમાણે, દાવિદનું ગીત) 1 હે પ્રભુ, અમને બચાવો; કારણ, ધાર્મિકજનોની ભારે ખોટ વર્તાય છે; અને જનસમાજમાંથી ઈમાનદારો નામશેષ થઈ ગયા છે. 2 માણસો એકબીજા સાથે અસત્ય બોલે છે; તેઓ હૈયે કપટ, પણ હોઠે ખુશામત રાખી એકબીજા સાથે વાત કરે છે. 3 હે પ્રભુ, એ ખુશામતિયા હોઠોને બંધ કરી દો; અને એ બડાઈખોર જીભોને ચૂપ કરી દો. 4 તેઓ કહે છે, “અમે અમારી જીભથી જીતીશું; અમને અમારા હોઠોનો સાથ છે, પછી અમારા પર ધણીપણું કરનાર કોણ?” 5 પ્રભુ કહે છે, “ગરીબો પર અત્યાચાર થઈ રહ્યો છે, અને જુલમપીડિતો નિ:સાસા નાખે છે; તેથી હું હવે ઊઠીશ, અને તેમની ઝંખના પ્રમાણે હું તેમને છોડાવીશ.” 6 યાહવેનાં વચનો શુદ્ધ છે. તે માટીની ભઠ્ઠીમાં સાતવાર પરખાવેલી ચાંદી જેવાં નિર્ભેળ છે. 7-8 દુષ્ટો તો આમતેમ બધે ધૂમે છે, અને લોકો અધમતાની પ્રશંસા કરે છે. તેથી હે પ્રભુ, તમે અમારું રક્ષણ કરજો, અને એવી દુષ્ટ પેઢીથી અમને સદા સંભાળજો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide