ગીતશાસ્ત્ર 119 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુના નિયમમાં આનંદ א આલેફ 1 પ્રભુના નિયમ અનુસાર વર્તી નિષ્કલંક જીવન જીવનારાઓને ધન્ય છે. 2 ઈશ્વરનાં સાક્ષ્યવચનો પાળનારાઓને તથા સંપૂર્ણ દયથી તેમની શોધ કરનારાઓને ધન્ય છે. 3 તેઓ કદી દુરાચાર આચરતા નથી; પરંતુ તેઓ ઈશ્વરના માર્ગમાં ચાલે છે. 4 તમે જ અમને તમારા આદેશો ખંતથી પાળવાનું ફરમાવ્યું છે. 5 તમારાં ફરમાનોનું પાલન કરવા મારું આચરણ દઢ થાય તો કેવું સારું! 6 જો હું તમારી સર્વ આજ્ઞાઓ ધ્યાનમાં રાખું તો હું કદી લજ્જિત થઈશ નહિ. 7 હું તમારાં ધારાધોરણો સમજીશ, ત્યારે હું નિખાલસ દયથી તમારો આભાર માનીશ. 8 હું તમારાં ફરમાન પાળીશ; તમે કદી મારો ત્યાગ કરશો નહિ. ב બેથ 9 યુવાન માણસ પોતાનું આચરણ કેવી રીતે શુદ્ધ રાખી શકે? તમારા બોધ પ્રમાણે વર્તવાથી. 10 હું મારા સંપૂર્ણ દયથી તમને શોધું છું; તમારી આજ્ઞાઓનું પાલન ચૂકીને મને ભટકવા ન દેશો. 11 હું તમારી વિરુદ્ધ પાપ ન કરું તે માટે મેં તમારો સંદેશ મારા હૃદયમાં સંઘરી રાખ્યો છે. 12 હે પ્રભુ, એકમાત્ર તમે જ સ્તુતિપાત્ર છો; તમારાં ફરમાનો મને શીખવો. 13 તમારા મુખનાં સર્વ ચુકાદા હું મારા હોઠોથી મુખપાઠ કરીશ. 14 પુષ્કળ સંપત્તિમાં રાચવા કરતાં તમારાં નિયમનોનાં અનુસરણમાં મને વધુ આનંદ મળે છે. 15 હું તમારા આદેશોનું મનન કરીશ, અને મારી દષ્ટિ સદા તમારા માર્ગો પર રાખીશ. 16 તમારાં ફરમાનોથી હું પ્રસન્ન થાઉં છું; હું તમારા શિક્ષણને વીસરીશ નહિ. ג ગિમેલ 17 આ તમારા સેવક સાથે ઉદારતાથી વર્તો, જેથી હું જીવતો રહું અને તમારા શિક્ષણને અનુસરું. 18 તમારા નિયમશાસ્ત્રમાંનાં અજાયબ સત્યો સમજવા માટે મારી આંખો ઉઘાડો. 19 હું તો આ પૃથ્વી પર પ્રવાસી છું; તમારી આજ્ઞાઓ મારાથી સંતાડશો નહિ. 20 તમારાં ધારાધોરણો માટે મારો પ્રાણ હરહમેશ તીવ્ર ઝંખનામાં ઝૂર્યા કરે છે. 21 તમે ગર્વિષ્ઠોને ધમકાવો છો, અને તમારી આજ્ઞાઓથી ભટકી જનારા શાપિત છે. 22 તેમની નિંદા અને અપમાનો મારાથી દૂર કરો, કારણ, હું તમારાં સાક્ષ્યવચનોનું પાલન કરું છું. 23 ભ્રષ્ટ શાસકો ભલે મારી વિરુદ્ધ એકત્ર થઈ કાવતરાં ઘડે, તોપણ તમારો આ સેવક તમારા આદેશોનું મનન કરશે. 24 તમારા આદેશો મારો આનંદ છે; તેઓ મારા સલાહકારો છે. ד દાલેથ 25 હું મૃત્યુને આરે આવી પડયો છું; તમારાં કથન પ્રમાણે મને જીવંત રાખો. 26 મેં મારું આચરણ તમારી સમક્ષ કબૂલ્યું અને તમે મને ઉત્તર આપ્યો; હવે તમારાં ફરમાન મને શીખવો. 27 મને તમારા આદેશોનો અર્થ સમજાવો, એટલે હું તમારાં અજાયબ કાર્યોનું મનન કરીશ. 28 મારો પ્રાણ શોકને લીધે પીગળી જાય છે; તમારા શિક્ષણ પ્રમાણે મને શક્તિ આપો. 29 અસત્યનો માર્ગ મારાથી દૂર રાખો, કૃપા કરી મને તમારો નિયમ શીખવો. 30 મેં સાચો માર્ગ પસંદ કર્યો છે; મેં તમારાં ધારાધોરણો મારી સમક્ષ રાખ્યાં છે. 31 હે પ્રભુ, હું તમારા હુકમોને વળગી રહ્યો છું; મને લજ્જિત થવા દેશો નહિ. 32 હું તમારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ કારણ, તમે મારી સમજ વધારતા જાઓ છો. ה હે 33 હે પ્રભુ, મને, તમારાં ફરમાનોનો અર્થ શીખવો, અને હું તેમને અંત સુધી પાળીશ. 34 તમારું નિયમશાસ્ત્ર મને સમજાવો એટલે હું તેનું પાલન કરીશ, મારા સંપૂર્ણ દયથી હું તેને અનુસરીશ. 35 તમારી આજ્ઞાઓના માર્ગમાં મને દોરી જાઓ; કારણ, તેમાં જ મને આનંદ મળે છે. 36 મારા દયને ધનદોલતના લોભ પ્રત્યે નહિ, પરંતુ તમારાં સાક્ષ્યવચનો તરફ વાળો. 37 મારી દષ્ટિ વ્યર્થ મૂર્તિઓ તરફ ફરતી અટકાવો, અને તમારા શિક્ષણ વડે મને જીવન બક્ષો 38 તમારા ભક્તો માટેની તમારી પ્રતિજ્ઞા તમારા આ સેવક માટે પણ પૂર્ણ કરો. 39 તમારાં ધારાધોરણો શ્રેષ્ઠ છે; તે વડે મારાથી ભયજનક અપમાનો દૂર કરો. 40 જુઓ, હું તમારા આદેશોની તીવ્ર અભિલાષા રાખું છું, તમારી ઉદ્ધારક શક્તિથી મને નવું જીવન આપો. ו વાવ 41 હે પ્રભુ, મારા પર તમારો પ્રેમ દર્શાવો, અને તમારા વચન પ્રમાણે મારો ઉદ્ધાર કરો. 42 તેથી હું મારી નિંદા કરનારાઓને જવાબ આપી શકીશ; કારણ, હું તમારા બોધ પર ભરોસો રાખું છું. 43 મારા મુખમાંથી તમારાં સત્ય કથન લઈ ન લો; કારણ, હું તમારાં ધારાધોરણોની આશા રાખું છું. 44 હું સદાસર્વદા તમારો નિયમ નિરંતર પાળીશ. 45 હું સંપૂર્ણ સ્વાતંયમાં જીવન જીવીશ; કારણ, મેં તમારા આદેશો ખંતથી શોયા છે. 46 હું રાજાઓ સમક્ષ તમારાં સાક્ષ્યવચનો પ્રસિદ્ધ કરીશ, અને હું શરમાઈશ નહિ. 47 હું તમારી આજ્ઞાઓથી આનંદ પામું છું; કારણ, હું તેમને સાચા દયથી ચાહું છું. 48 હું હાથ જોડીને તમારી આજ્ઞાઓનું સન્માન કરું છું અને તેમને ચાહું છું; હું તમારા આદેશોનું મનન કરીશ. ז ઝાયિન 49 તમારી જે પ્રતિજ્ઞાથી તમે મને આશા બંધાવી છે, તેને તમારા આ સેવકના હક્કમાં સંભારો. 50 તમારું શિક્ષણ મને નવું જીવન બક્ષે છે; મારી વિપત્તિમાં એ જ મારું સાંત્વન છે. 51 ગર્વિષ્ઠ જનો મારો સતત ઉપહાસ કરે છે, છતાં હું તમારા નિયમથી વિમુખ થયો નથી. 52 જ્યારે હું તમારાં ચિરકાલીન ધારાધોરણો યાદ કરું છું, ત્યારે હે પ્રભુ, મને સાંત્વન મળે છે. 53 તમારા નિયમનો ત્યાગ કરનાર દુષ્ટોને જોઈને મને ઝનૂન ચડે છે. 54 મારી આ જીવનયાત્રામાં તમારાં ફરમાન મારાં ગીત બન્યાં છે. 55 હે પ્રભુ, હું રાત્રે પણ તમારા નામનું સ્મરણ કરું છું, અને તમારા નિયમનું પાલન કરું છું. 56 હું તમારા આદેશો પાળું છું, એ જ મારી દિનચર્યા છે. ח ખેથ 57 હે પ્રભુ, તમે મારે માટે વારસાના હિસ્સા જેવા છો; મેં કહ્યું છે તેમ હું તમારાં કથનોનું પાલન કરીશ. 58 હું મારા સંપૂર્ણ દયથી તમારી કૃપા યાચું છું; તમારાં વચન પ્રમાણે મારા પર અનુકંપા દર્શાવો. 59 જ્યારે મેં મારા વર્તન વિષે વિચાર કર્યો, ત્યારે હું તમારાં સાક્ષ્યવચનો પ્રતિ વળ્યો છું. 60 તમારી આજ્ઞાઓ પાળવામાં મેં તત્પરતા દાખવી છે, અને કદી વિલંબ કર્યો નથી. 61 જો કે દુષ્ટોના ફાંદાઓ મને ફસાવે તોપણ હું તમારા નિયમને વીસરતો નથી. 62 તમારા નેક ધારાધોરણોને લીધે હું મધરાતે ઊઠીને તમારો આભાર માનીશ. 63 તમારા આદેશોનું પાલન કરનાર તમારા સર્વ ભક્તોનો હું સાથી છું. 64 હે પ્રભુ, તમારા પ્રેમથી પૃથ્વી ભરપૂર છે; મને તમારાં સાક્ષ્યવચનો શીખવો. ח ખેથ 65 હે પ્રભુ, તમારા વચન પ્રમાણે તમે તમારા આ સેવક પર ભલાઈ દર્શાવી છે. 66 મને વિવેકબુદ્ધિ અને જ્ઞાન શીખવો. કારણ, મેં તમારી આજ્ઞાઓ પર ભરોસો રાખ્યો છે. 67 શિક્ષા પામ્યા પહેલાં હું ભટકી ગયો હતો, પરંતુ હવે તમારા શિક્ષણનું પાલન કરું છું. 68 તમે ભલા છો અને ભલાઈ આચરો છો મને તમારાં ફરમાનો શીખવો. 69 ગર્વિષ્ઠો મારા પર જૂઠાં આળ મૂકે છે. પરંતુ હું સંપૂર્ણ દયથી તમારા આદેશો પાળું છું. 70 તેમનાં હૃદયો નિષ્ઠુર અને લાગણીહીન છે, પરંતુ હું તમારા નિયમમાં આનંદ માણું છું. 71 મને પડેલું દુ:ખ મારે માટે ગુણકારક થઈ પડયું; તેથી હું તમારાં ફરમાનો શીખ્યો. 72 સોનાચાંદીના લાખો સિકાકાઓ કરતાં તમારા મુખે પ્રગટેલો નિયમ મારે માટે વધુ મૂલ્યવાન છે. י યોદ 73 તમારા જ હાથોએ મને સર્જીને ધરી રાખ્યો છે; તમારી આજ્ઞાઓ શીખવા માટે મને સમજ આપો. 74 તમારા ભક્તો મને જોઈને આનંદિત થશે; કારણ, મેં તમારા શિક્ષણ પર ભરોસો રાખ્યો છે. 75 હે પ્રભુ, તમારા ચુકાદા અદલ છે; હું જાણું છું કે તમારા વિશ્વાસુપણામાં જ તમે મને દુ:ખી કર્યો છે. 76 તમારા આ સેવકને આપેલા તમારા વચન પ્રમાણે તમારો પ્રેમ મને સાંત્વન પમાડો. 77 હું જીવતો રહું તે માટે મારા પર તમારી દયા દર્શાવો; કારણ, તમારા નિયમમાં જ હું આનંદ માણું છું. 78 મારા પર જૂઠા આરોપો મૂકનાર ગર્વિષ્ઠો લજ્જિત બનો, પરંતુ હું તમારા આદેશોનું મનન કરીશ. 79 તમારા ભક્તો મારા પ્રતિ ફરો, જેથી તેઓ તમારા આદેશો જાણી શકે. 80 હું તમારાં ફરમાનો સંપૂર્ણ દયથી પાળીશ; જેથી મારે શરમાવું ન પડે. כ કાફ 81 તમારા ઉદ્ધાર માટે મારો પ્રાણ ઝૂરે છે; હું તમારા બોધની આશા રાખું છું. 82 “તમે મને ક્યારે સાંત્વન દેશો?” એમ કહેતાં કહેતાં મારી આંખોય તમારા વચનની પ્રતીક્ષામાં ઝાંખી પડી છે. 83 હું ધૂમાડાથી બગડેલી મશક જેવો બિનઉપયોગી બન્યો છું છતાં હું તમારાં ફરમાનો વિસરતો નથી. 84 તમારા આ સેવકના આયુષ્યના કેટલા દિવસો શેષ છે? મને સતાવનારાઓને તમે ક્યારે સજા કરશો? 85 તમારા નિયમનો અનાદર કરનાર ગર્વિષ્ઠોએ મને સપડાવવા ખાડા ખોદ્યા છે. 86 તમારી સર્વ આજ્ઞાઓ વિશ્વાસનીય છે; પણ જૂઠાણાં વડે તેઓ મને સતાવે છે, માટે મને સહાય કરો. 87 તેમણે મને પૃથ્વી પરથી લગભગ નષ્ટપ્રાય કરી દીધો હતો; તો પણ મેં તમારા આદેશોનો ત્યાગ કર્યો નથી. 88 તમારા અવિચળ પ્રેમને લીધે મારા જીવનનું રક્ષણ કરો; જેથી હું તમારા મુખનાં સાક્ષ્યવચનો પાળી શકું. ל લામેદ 89 હે પ્રભુ, તમારો સંદેશ સર્વકાલીન છે; તે આકાશમાં અચળ છે. 90 તમે તમારા લોક પ્રત્યે પેઢી દર પેઢી વિશ્વાસુ રહો છો. તમે પૃથ્વીને તેની ભ્રમણકક્ષામાં સ્થાપી છે અને તેમાં તે જળવાઈ રહે છે. 91 તમારા ક્રમ પ્રમાણે સૃષ્ટિ આજ દિન સુધી ટકી રહી છે; કારણ, તે તમને આજ્ઞાધીન છે. 92 મેં તમારા નિયમમાં આનંદ માણ્યો ન હોત, તો હું સતાવણીમાં જ મૃત્યુ પામ્યો હોત. 93 હું તમારા આદેશો કદી વીસરીશ નહિ; કારણ, તેમના દ્વારા તમે મને જીવતો રાખ્યો છે. 94 હું તમારો જ છું, મને ઉગારો; મેં તમારા આદેશો અનુસરવાનો યત્ન કર્યો છે. 95 દુષ્ટો મારો નાશ કરવા લાગ શોધે છે, પરંતુ હું તમારાં સાક્ષ્યવચનોનું પાલન કરીશ. 96 મેં જોયું છે કે સર્વ બાબતોને સીમા હોય છે, પરંતુ તમારી આજ્ઞાઓ અસીમ છે. מ મેમ 97 હું તમારા નિયમશાસ્ત્ર પર કેટલો પ્રેમ રાખું છું! આખો દિવસ હું તેનું જ મનન કરું છું. 98 તમારી આજ્ઞાઓ સદા મારી સાથે છે; તે મને મારા શત્રુઓ કરતાં વિશેષ જ્ઞાની બનાવે છે. 99 હું તમારાં સાક્ષ્યવચનોનું અયયન કરું છું, તેથી મારા સર્વ શિક્ષકો કરતાં મારામાં વધુ સમજ છે. 100 હું તમારા આદેશો પાળું છું. તેથી વૃદ્ધો કરતાં હું વિશેષ સમજુ છું. 101 હું તમારું શિક્ષણ પાળવા ચાહું છું; તેથી મારા પગને પ્રત્યેક ભૂંડા માર્ગથી દૂર રાખું છું. 102 તમે પોતે જ મારા શિક્ષક છો, તેથી મેં તમારાં ધારાધોરણોનો ત્યાગ કર્યો નથી. 103 મારી રુચિને તમારા શબ્દો કેટલા મીઠા લાગે છે! તે મારી જીભને મધ કરતાં વધુ મીઠા લાગે છે. 104 તમારા આદેશોથી મને સમજણ મળે છે; તેથી હું પ્રત્યેક જૂઠા માર્ગને ધિક્કારું છું. נ નૂન 105 તમારો બોધ મારા પગ માટે માર્ગદર્શક દીવો છે; તે મારો માર્ગ અજવાળનાર પ્રકાશ છે. 106 તમારાં નેક ધારાધોરણ અનુસરવા મેં ગંભીર પ્રતિજ્ઞા લીધી છે; તે પાળવા હું ખંતથી યત્ન કરીશ. 107 મારા પર ભારે અત્યાચાર થઈ રહ્યો છે; માટે હે પ્રભુ, તમારા આપેલા વચન પ્રમાણે મને જીવંત રાખો. 108 હે પ્રભુ, સ્વેચ્છાપૂર્વક અપાયેલ મારા મુખનાં સ્તુત્યાર્પણ સ્વીકારો, અને તમારાં ધારાધોરણ મને શીખવો. 109 હું સદા જોખમનો સામનો કરું છું, છતાં તમારા નિયમને વીસરતો નથી. 110 દુષ્ટોએ મારે માટે જાળ બિછાવી છે; પરંતુ હું તમારા આદેશોથી ભટકી ગયો નથી. 111 તમારા આદેશો મારો સાર્વકાલિક વારસો છે; તે મારા દયને આનંદ આપે છે. 112 તમારા આદેશો પાળવા તરફ મેં મારું મન વાળ્યું છે; તેઓ તો સદાનો અફર પુરસ્કાર છે. ס સામેખ 113 હું બેવડું બોલનારને ધિક્કારું છું; પરંતુ હું તમારા નિયમ પર પ્રેમ રાખું છું. 114 તમે મારા આશ્રય અને સંરક્ષક ઢાલ છો; હું તમારું કથન પૂર્ણ થવાની આશા રાખું છું 115 હે દુરાચારીઓ, મારાથી દૂર હટો; જેથી હું મારા ઈશ્વરની આજ્ઞાઓ પાળી શકું. 116 હું જીવતો રહું માટે મને તમારા વચન પ્રમાણે આધાર આપો; ઉદ્ધાર માટેની મારી આશા વિષે મને નિરાશ કરશો નહિ. 117 મને ટેકો આપો, જેથી હું સલામત રહું; હું તમારાં ફરમાનો પર સતત ધ્યાન દઈશ. 118 તમારાં ફરમાનોથી ભટકી જનારને તમે ધિક્કારો છો; કારણ, કપટી યોજનાઓથી તેઓ જૂઠને ઢાંકે છે. 119 તમારી દષ્ટિમાં પૃથ્વીના બધા દુષ્ટો કચરા સમાન છે, તેથી હું તમારા આદેશો પર પ્રેમ રાખું છું. 120 તમારી ધાકધમકીથી મારું શરીર થરથરે છે, અને તમારા ચુકાદાથી હું ડરું છું. ע આયિન 121 મેં ઇન્સાફ અને નેકીનાં કાર્યો કર્યાં છે; તેથી મને જુલમગારોના કબજામાં તજી દેશો નહિ. 122 તમારા આ સેવકના કલ્યાણ માટે તેમના જામીન બનો, અને ગર્વિષ્ઠોને મારા પર જુલમ કરવા ન દો. 123 તમારા ઉદ્ધારની અને તમારું વચન પૂર્ણ થવાની પ્રતીક્ષામાં મારી આંખોય ઝાંખી પડી છે. 124 તમારા આ સેવક સાથે તમારા પ્રેમ પ્રમાણે વર્તો, તમારાં ફરમાન મને શીખવો. 125 હું તમારો સેવક છું; મને સમજ આપો; જેથી હું તમારા આદેશો સમજી શકું. 126 હે પ્રભુ, તમારે કાર્યશીલ થવાનો આ સમય છે; કારણ, લોકો તમારો નિયમ પાળતા નથી. 127 હે ઈશ્વર, સુવર્ણ અને શુદ્ધ સુવર્ણ કરતાં તમારી આજ્ઞાઓ પર હું અધિક પ્રેમ રાખું છું. 128 તેથી હું તમારા સર્વ આદેશો અનુસરું છું, અને હું જૂઠા માર્ગોને ધિક્કારું છું. פ પે 129 તમારાં સાક્ષ્યવચનો અદ્ભુત છે; તેથી હું તેમને અનુસરું છું. 130 તમારા શિક્ષણની સમજૂતી પ્રકાશ આપે છે; તે અબુધને સમજણ આપે છે. 131 તમારી આજ્ઞાઓની તીવ્ર અભિલાષામાં હું ઉઘાડે મુખે તલપું છું. 132 તમારા નામ પર પ્રેમ રાખનાર સાથે તમે જે રીતે વર્તો છો તેમ તમે મારા તરફ ફરો અને મારા પર કૃપા કરો. 133 તમારા વચન વડે મારાં પગલાં સ્થિર કરો, અને કોઈ દુરાચારને મારા પર અધિકાર ભોગવવા ન દો. 134 માણસોના જુલમથી મને ઉગારો; જેથી હું તમારા આદેશો પાળી શકું. 135 તમારા આ સેવક પર તમારા મુખનો પ્રકાશ પાડો અને તમારાં ફરમાનો મને શીખવો. 136 માણસો તમારા નિયમ પાળતા નથી, તેથી મારી આંખોમાંથી ચોધાર આંસુ વહે છે. צ ત્સાદે 137 હે પ્રભુ, તમે ન્યાયી છો; તમારા ચુકાદા સાચા છે. 138 જે સાક્ષ્યવચનો તમે ફરમાવ્યાં છે તે યથાર્થ અને સંપૂર્ણ વિશ્વસનીય છે. 139 મારા શત્રુઓ તમારું શિક્ષણ વીસરી ગયા છે, તેથી ઝનૂનની જલન મને ખાક કરે છે. 140 તમારાં વચનો સંપૂર્ણ રીતે પરખાયેલાં છે. તમારો આ સેવક તેમના પર પ્રેમ રાખે છે. 141 હું વિસાત વિનાનો અને ધિક્કાર પામેલો છું; છતાં હું તમારા આદેશો ભૂલી જતો નથી. 142 તમારી નેકી સાર્વકાલિક છે; તમારો નિયમ સત્ય છે. 143 જો કે સંકટ અને વેદનાથી હું વ્યથિત છું, છતાં તમારી આજ્ઞાઓમાં આનંદ પામું છું, 144 તમારાં સાક્ષ્યવચનો સર્વકાળ ન્યાયયુક્ત છે; મને સમજ આપો; જેથી હું જીવતો રહું. ק કોફ 145 હું સંપૂર્ણ દયથી તમને પોકારું છું; હે પ્રભુ, મને ઉત્તર આપો; હું તમારાં ફરમાનો પાળીશ. 146 હું તમને પોકારું છું, મને ઉગારો; એટલે, હું તમારા આદેશો પાળીશ. 147 પ્રભાત થયા પહેલાં ઊઠીને મેં તમને અરજ કરી; કારણ, હું તમારું કથન પૂર્ણ થવાની આશા રાખું છું. 148 રાત્રિના પ્રહરોમાં પણ મારી આંખો તમારા આદેશોનું મનન કરવા જાગી જાય છે. 149 તમારા પ્રેમને લીધે મારો સાદ સાંભળો; હે પ્રભુ, તમારા ન્યાયસંગત ચુકાદાથી મને જીવન બક્ષો. 150 મારો પીછો કરનાર કપટી જુલમગારો મારી નજીક આવી ગયા છે; પણ તેઓ તો તમારા નિયમથી ઘણા દૂર છે. 151 પરંતુ, હે પ્રભુ, તમે નિકટ છો; તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે. 152 દીર્ઘ સમયથી તમારાં સાક્ષ્યવચનો વિષે જાણ્યું છે કે, તમે તેમને સર્વકાળને માટે સ્થાપ્યાં છે. ר રેશ 153 હું કેટલો જુલમ વેઠું છું તે જુઓ, અને મને છોડાવો; કારણ, હું તમારો નિયમ વીસરતો નથી. 154 મારા પક્ષની હિમાયત કરો ને મને સજા પામવાથી બચાવો, તમારા વચન પ્રમાણે મને જીવંત રાખો. 155 દુષ્ટોનો બચાવ કરશો નહિ; કારણ, તેઓ તમારા આદેશો અનુસરતા નથી. 156 હે પ્રભુ, તમારી દયા મહાન છે; તમારા ન્યાયસંગત ચુકાદાથી મને જીવન બક્ષો. 157 મારા પર જુલમ કરનારા અને મારા શત્રુઓ અનેક છે; પરંતુ હું તમારાં સાક્ષ્યવચનોથી ચલિત થતો નથી. 158 તમને બેવફા થનાર લોકોને જોઈને મને ઘૃણા ઊપજે છે; કારણ, તેઓ તમારી આજ્ઞાઓ પાળતા નથી. 159 હું તમારા આદેશો પર કેટલો પ્રેમ રાખું છું તે ધ્યાનમાં લો; હે પ્રભુ, તમારા પ્રેમને લીધે મને જીવંત રાખો. 160 તમારું સમગ્ર શિક્ષણ સત્ય છે; તમારા સર્વ અદલ ચુકાદા શાશ્વત છે. ש શીન 161 સત્તાધીશો મારા પર વિનાકારણ જુલ મ કરે છે, પરંતુ મને તમારા શિક્ષણ સિવાય બીજા કશાની બીક નથી. 162 કીમતી ખજાનો પ્રાપ્ત કરનાર માણસની જેમ, હું તમારા વચનથી હર્ષ પામું છું. 163 હું જૂઠનો તિરસ્કાર કરું છું અને તેનાથી કંટાળુ છું; પરંતુ તમારા નિયમ પર હું પ્રેમ રાખું છું. 164 તમારા અદલ ચુકાદાઓને લીધે હું દિવસમાં સાત વાર તમારી સ્તુતિ કરું છું. 165 તમારા નિયમ પર પ્રેમ રાખનારનું સંપૂર્ણ કલ્યાણ થાય છે; તેમને ઠોકર ખાવાને કોઈ કારણ નથી. 166 હે પ્રભુ, તમે મારો ઉદ્ધાર કરો એવી આશા રાખું છું અને તમારી આજ્ઞાઓ પાળું છું. 167 હું તમારાં સાક્ષ્યવચનો પાળું છું, અને હું તેમના પર અત્યંત પ્રેમ કરું છું. 168 હું તમારા આદેશો તથા તમારી આજ્ઞાઓ પાળું છું; મારું સમગ્ર આચરણ તમારી સમક્ષ ખુલ્લું છે. ת તાવ 169 હે પ્રભુ, મારો આર્તનાદ તમારી સમક્ષ આવવા દો; તમારા શિક્ષણ અનુસાર મને સમજ આપો. 170 મારી અરજ તમારી સન્મુખ પહોંચવા દો; તમે આપેલ વચન પ્રમાણે મને છોડાવો. 171 મારા હોઠ તમારી સ્તુતિ ઉચ્ચારો; કારણ તમે મને તમારાં ફરમાનો શીખવો છો. 172 મારી જીભ તમારા વચન વિષે ગાશે; તમારી સર્વ આજ્ઞાઓ સત્ય છે. 173 તમારો ભુજ મારી સહાય કરવા તત્પર રહે! કારણ, મેં તમારા આદેશો પાળવાનું પસંદ કર્યું છે. 174 હે પ્રભુ, હું તમારા ઉદ્ધારની અભિલાષા રાખું છું; તમારો નિયમ મારો આનંદ છે. 175 મને જીવંત રાખો, એટલે હું તમારી સ્તુતિ કરીશ; અને તમારાં સાક્ષ્યવચનો મારી સહાય કરો. 176 જો હું ભૂલાં પડેલાં ઘેટાંની જેમ ભટકી જાઉં; તો તમે તમારા આ સેવકને શોધી કાઢજો; કારણ, હું તમારી આજ્ઞાઓ વીસરી ગયો નથી. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide