ગીતશાસ્ત્ર 118 - પવિત્ર બાઇબલ C.L.વિજય માટે આભારદર્શન: ઈશ્વરની સ્તુતિ 1 પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે, તેમનો પ્રેમ સર્વકાલીન છે. 2 ઇઝરાયલના લોકો તમે આમ કહો; “તેમનો પ્રેમ, સર્વકાલીન છે.” 3 આરોનવંશી યજ્ઞકારો, તમે આમ કહો; “તેમનો પ્રેમ સર્વકાલીન છે.” 4 પ્રભુના ભક્તો, તમે આમ કહો; “તેમનો પ્રેમ સર્વકાલીન છે.” યુદ્ધમાં વિજય માટે આભારદર્શન 5 સંકટમાં મેં યાહને પોકાર કર્યો, એટલે તેમણે મને ઉત્તર આપ્યો; તે મને વિશાળ જગામાં લાવ્યા. 6 પ્રભુ મારી સાથે છે; તેથી હું ડરવાનો નથી. માણસ મને શું નુક્સાન કરી શકે? 7 પ્રભુ મારી પડખે છે; તેથી મારા શત્રુઓનો પરાજય જોઈને હું આનંદ પામીશ. 8 માણસો પર ભરોસો રાખવા કરતાં પ્રભુ પર આધાર રાખવો સારો છે. 9 શાસકો પર ભરોસો રાખવા કરતાં પ્રભુ પર આધાર રાખવો સારો છે. 10 ઘણા શત્રુઓએ મને ઘેરી લીધો હતો, પરંતુ યાહવેના નામના સામર્થ્યથી મેં તેમનો સંહાર કર્યો. 11 તેમણે મને ચારે બાજુથી બરાબર ઘેરી લીધો હતો; પરંતુ યાહવેના નામના સામર્થ્યથી મેં તેમનો સંહાર કર્યો. 12 મધમાખીઓની જેમ તેમણે મને ઘેર્યો હતો, પણ તે ઝાંખરાની આગની જેમ જલદી હોલવાઈ ગયા અને યાહવેના નામના સામર્થ્યથી મેં તેમનો સંહાર કર્યો. 13 મને ગબડાવી દેવા તેમણે ભારે ધક્કા માર્યા; પરંતુ પ્રભુએ મને સહાય કરી. 14 યાહ મારું સામર્થ્ય અને ગીત છે. તે મને વિજય અપાવે છે. 15 ઈશ્વરના નેકજનોના પડાવોમાં જયજયકારના અને વિજયના પોકારો સંભળાય છે: “પ્રભુના જમણા ભુજે વિજય પ્રાપ્ત કર્યો છે, 16 પ્રભુનો જમણો ભુજ ઊંચો કરાયેલો છે, પ્રભુના જમણા ભુજે વિજય પ્રાપ્ત કર્યો છે.” મૃત્યુમાંથી બચાવ 17 હું મૃત્યુ પામ્યો નહિ પણ જીવતો રહ્યો, તેથી હું યાહનાં અદ્ભુત કાર્યોને પ્રગટ કરીશ. 18 જો કે યાહે મને સખત શિક્ષા કરી, પરંતુ તેમણે મને મૃત્યુને સોંપી દીધો નથી. જનસમુદાયના આગેવાન અને મંદિરની અંદરના યજ્ઞકારો વચ્ચે સંવાદ આગેવાન: 19 ઈશ્વરનિષ્ઠ લોકોનું પ્રવેશદ્વાર મારે માટે પણ ખોલો; જેથી હું તેમાં થઈને જાઉં, અને યાહનો આભાર માનું. યજ્ઞકાર: 20 આ પ્રભુના મંદિરનું દ્વાર છે; માત્ર ઈશ્વરનિષ્ઠ લોકો જ તેમાંથી પ્રવેશે છે. આગેવાન: 21 હું તમારો આભાર માનું છું, કારણ, તમે મને વિજય અપાવ્યો છે; તમે મારા ઉદ્ધારક બન્યા છો. પ્રભુનું કાર્ય 22 ‘જે પથ્થરને બાંધકામ કરનારાઓએ રદબાતલ ગણ્યો હતો તે જ પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર બન્યો!’ 23 આ તો પ્રભુએ કરેલું કાર્ય છે; આપણી દષ્ટિમાં તે આશ્ર્વર્યજનક છે. 24 આ તો પ્રભુના વિજયનો દિવસ છે; ચાલો, આપણે તેમાં આનંદોત્સવ કરીએ. 25 હે પ્રભુ, કૃપા કરી અમને બચાવો; હે પ્રભુ, કૃપા કરી અમને વિજયી બનાવો. યજ્ઞકારની આશિષ 26 યાહવેને નામે જે આવે છે તે આશીર્વાદિત હો. પ્રભુના મંદિરમાંથી અમે તમને આશિય આપીએ છીએ. 27 યાહવે જ એકમાત્ર ઈશ્વર છે. તેમણે આપણને પ્રકાશ આપ્યો છે. વેદીનાં શિંગો સાથે પર્વના બલિદાનને દોરડાંથી બાંધો. ઈશ્વરની સ્તુતિ 28 તમે મારા ઈશ્વર છો, હું તમારો આભાર માનું છું. હે મારા ઈશ્વર, હું તમારી મહત્તા પ્રસિદ્ધ કરીશ. 29 પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે; તેમનો પ્રેમ સર્વકાલીન છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide