ગીતશાસ્ત્ર 116 - પવિત્ર બાઇબલ C.L.મૃત્યુમાંથી બચાવ માટે ઈશ્વરની સ્તુતિ બીમારીનું વર્ણન 1 હું પ્રભુ પર પ્રેમ રાખું છું; કારણ, તેમણે મારી અરજ સાંભળી છે. 2 જ્યારે મેં પોકાર કર્યો, ત્યારે તેમણે મારા પ્રત્યે પોતાનો કાન ધર્યો. 3 મરણના પાશ મને વીંટળાઈ વળ્યા હતા; મૃત્યુલોક શેઓલના ફાંદામાં હું ફસાઈ ગયો હતો. મારા પર સંકટ અને વેદના આવી પડયાં હતાં. 4 ત્યારે મેં યાહવેને નામે પોકાર કર્યો; “હે યાહવે, દયા કરીને મારા પ્રાણને બચાવો.” ઈશ્વરની ભલાઈ 5 પ્રભુ કૃપાળુ અને ભલા છે; આપણા ઈશ્વર દયાળુ છે. 6 પ્રભુ ભોળાજનોનું રક્ષણ કરે છે; હું બીમારીને લીધે જોખમમાં આવી પડયો ત્યારે તેમણે મને બચાવ્યો. 7 હે મારા પ્રાણ, તારા વિશ્રામસ્થાનમાં પાછો આવ; કારણ, પ્રભુ તારા પ્રત્યે ભલાઈથી વર્ત્યા છે. મૃત્યુમાંથી બચાવ 8 તમે મને મૃત્યુમાંથી, મારી આંખોને આંસુથી, અને મારા પગોને લથડવાથી બચાવ્યા છે. 9 તેથી જીવંતજનોના આ જગતમાં હું પ્રભુની સંમુખ ચાલીશ 10-11 જ્યારે મેં કહી દીધુ કે, “હું સંપૂર્ણપણે કચડાઈ ગયો છું.” વળી, મેં મારા ગભરાટમાં, એમ પણ કહી દીધું કે, “સર્વ માણસો પર રાખેલી આશા વ્યર્થ છે,” ત્યારે પણ મેં ઈશ્વર પર વિશ્વાસ રાખવાનું ચાલુ રાખ્યું. આભારદર્શન 12 પ્રભુએ મારા પર કરેલા સર્વ ઉપકારો માટે હું તેમને શો બદલો આપું? 13 મારા હાથમાં ઉદ્ધારદર્શક પ્યાલો ઉઠાવીને હું યાહવેના નામને ધન્યવાદ આપીશ. 14 પ્રભુ આગળ માનેલી મારી સર્વ માનતાઓ હું તેમના સર્વ લોકની સન્મુખ પૂરી કરીશ. ભક્તની નિષ્ઠા 15 પ્રભુની દષ્ટિમાં તેમના સંતોનું મરણ અતિ મૂલ્યવાન છે 16 હે પ્રભુ, સાચે જ હું તમારો સેવક, અને તમારી સેવિકાનો પુત્ર છું; તમે મારાં બંધનો છોડયાં છે. 17 હું તમને આભારબલિ ચડાવીશ, અને યાહવેના નામને ધન્યવાદ આપીશ. 18-19 પ્રભુની આગળ માનેલી મારી માનતાઓ હું યરુશાલેમ નગરમાં, પ્રભુના મંદિરના આંગણાંના તેમના સર્વ લોક સન્મુખ પૂરી કરીશ. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide