ગીતશાસ્ત્ર 115 - પવિત્ર બાઇબલ C.L.એકમાત્ર સાચા ઈશ્વર વિધર્મીઓના પ્રશ્ર્નને લીધે ઈશ્વરના ગૌરવના પ્રકટીકરણ માટે અરજ 1 હે યાહવે, અમારે લીધે નહિ, અમારે લીધે નહિ, પરંતુ તમારા નામને લીધે, અને તમારા પ્રેમ તથા વિશ્વાસુપણાને લીધે, તમારું ગૌરવ પ્રગટ કરો. 2 અન્ય પ્રજાઓ એવું શા માટે પૂછે કે, “તમારા ઈશ્વર ક્યાં છે?” અદૃશ્ય ઈશ્વર અને દૃશ્ય મૂર્તિઓનો વિરોધાભાસ 3 અમારા ઈશ્વર તો સ્વર્ગમાં છે. પોતાની ઇચ્છા મુજબ કરવા તે સર્વશક્તિમાન છે, 4 પરંતુ અન્ય પ્રજાઓની દેવમૂર્તિઓ તો સોનારૂપાની જ છે, અને તે માણસોના હાથે ઘડાયેલી છે. 5 તેમને મુખ છે, પણ બોલી શક્તી નથી; આંખો છે, પણ જોઈ શક્તી નથી; 6 તેમને કાન છે, પણ સાંભળી શક્તી નથી; નાક છે, પણ સૂંધી શક્તી નથી; 7 તેમને હાથ છે, પણ સ્પર્શી શક્તી નથી; પગ છે, પણ ચાલી શક્તી નથી. અરે, તેઓ પોતાના ગળામાંથી શ્વાસોચ્છવાસનો અવાજ પણ કાઢી શક્તી નથી. 8 તેમને ઘડનારા તેમ જ તેમના પર ભરોસો રાખનારા સર્વ હાથે ઘડેલી મૂર્તિઓ જેવા વ્યર્થ થશે. જીવંત ઈશ્વરને વળગી રહેવા આહ્વાન 9 હે ઇઝરાયલના લોક, તમે પ્રભુ પર ભરોસો રાખો; તે જ તમારા બેલી અને તમારી સંરક્ષક ઢાલ છે 10 હે આરોનવંશી યજ્ઞકારો, પ્રભુ પર ભરોસો રાખો; તે જ તમારા સહાયક અને તમારી સંરક્ષક ઢાલ છે. 11 હે પ્રભુના ભક્તો, તમે પણ પ્રભુ પર ભરોસો રાખો; તે જ તમારા સહાયક અને તમારી સંરક્ષક ઢાલ છે. ઈશ્વરની આશિષ 12 પ્રભુ આપણને સંભારે છે, અને તે આપણને આશિષ આપશે, ઇઝરાયલના લોકને તે આશિષ આપશે; આરોનવંશી યજ્ઞકારોને તે આશિષ આપશે. 13 પ્રભુ તેમના ભક્તોને, નાનામોટા સર્વને આશિષ આપશે. 14 પ્રભુ તમને આબાદ કરો, તમને તથા તમારા વંશજોને પુષ્કળ સંતતિ આપો. 15 આકાશ તથા પૃથ્વીના સર્જક પ્રભુ તમને આશિષ આપો. ઈશ્વરની સ્તુતિ 16 આકાશોનાં આકાશો પ્રભુનાં છે, પણ પૃથ્વી તો તેમણે માનવજાતને આપી છે. 17 મૃતકો, એટલે મૃત્યુલોક શેઓલની નીરવતામાં ઊતરી જનારાં યાહની સ્તુતિ કરી શક્તાં નથી. 18 પરંતુ અમે જીવંત જનો તો હમણાંથી સર્વકાળ સુધી યાહની સ્તુતિ કરીશું. યાહની સ્તુતિ કરો: હાલ્લેલુયાહ! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide