ગીતશાસ્ત્ર 110 - પવિત્ર બાઇબલ C.L.પ્રભુ અને તેમનો અભિષિક્ત રાજા (દાવિદનું ગીત) 1 યાહવેએ મારા માલિક રાજાને કહ્યું, “તારા શત્રુઓને હરાવીને હું તેમને તારું પાયાસન બનાવું, ત્યાં સુધી તું મારે જમણે હાથે સન્માનમાં બિરાજ.” 2 હે રાજા, પ્રભુએ તને રાજસત્તાનો રાજદંડ આપ્યો છે, તેથી સિયોનનગરમાંથી તારા શત્રુઓ પર સત્તાની આણ વર્તાવ. 3 તારે યુદ્ધ કરવાનો સમય આવશે ત્યારે તારા લોકો તને ખુશીથી અનુસરશે. હે રાજા, તું પ્રતાપી અને ગૌરવી વસ્ત્રો ધારણ કરે છે, અને પરોઢિયાને પેટે જન્મેલા ઝાકળના જેવી તારી જુવાની તાજગીભરી છે. 4 પ્રભુએ શપથ લઈને કહ્યું છે, અને તે પોતાનું મન બદલશે નહિ; “મેલ્ખીસેદેકની પરંપરા પ્રમાણે તું મારો સનાતન યજ્ઞકાર છે.” 5 હે રાજા, પ્રભુ તારે પડખે છે, પોતાના કોપના દિવસે તે અન્ય રાજાઓના ચૂરેચૂરા કરી નાખશે. 6 તે દેશો પર ન્યાયશાસન લાવે ત્યારે રણક્ષેત્ર મૃતદેહોથી ઊભરાઈ જશે; અને ધરતીના વિશાળ ક્ષેત્રમાં સેનાપતિઓના પણ ભૂક્કા બોલાવશે. 7 હે રાજા, માર્ગમાં આવતા ઝરણાના જળનું આચમન કરજે, અને વિજયમાં મસ્તક ઉઠાવજે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide