ગીતશાસ્ત્ર 109 - પવિત્ર બાઇબલ C.L.શત્રુઓ વિરુદ્ધ ફરિયાદ ગીતર્ક્તાની ફરિયાદ (સંગીત સંચાલક માટે સૂચના: દાવિદનું ગીત) 1 હે મારી સ્તુતિના ઈશ્વર, તમે મૌન ન રહેશો. 2 દુર્જનો અને કપટીઓનાં મુખ મારા પર આરોપ મૂકે છે. તેમની જીભો મારી વિરુદ્ધ જૂઠું દોષારોપણ કરે છે. 3 તેમણે દ્વેષીલા શબ્દો વડે મને ઘેરી લીધો છે, તેઓ મારા પર વિનાકારણ પ્રહાર કરે છે. 4 પણ હું તો તેમના પર પ્રેમ રાખું છું અને પ્રાર્થના કરું છું. 5 તેઓ મારી ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે, અને મારા પ્રેમનો બદલો ઘૃણાથી વાળે છે. મુખ્ય શત્રુને સજા 6 મારા શત્રુની સુનાવણી માટે દુષ્ટને નીમો, તેના પર આરોપ મૂકવા તેના જમણા હાથે શેતાન સમા વિરોધીને ઊભો રાખો. 7 તેનો ન્યાય થતાં તે ગુનેગાર પુરવાર થાઓ; તેની બચાવ માટેની અરજ પણ અપરાધરૂપ ગણાઓ. 8 તેની જિંદગીનો તત્કાળ અંત આવો; તેનું પદ બીજો કોઈ પડાવી લો. 9 તેનાં બાળકો પિતૃહીન, અને તેની પત્ની વિધવા બનો. 10 તેનાં બાળકો રખડી રખડીને ભીખ માગો; તેમને ઉજ્જડ ખંડેરોમાંથી પણ હાંકી કાઢવામાં આવો. 11 તેના લેણદારો તેની સર્વ સંપત્તિ છીનવી લો, અને અજાણ્યાઓ તેના પરિશ્રમનું ફળ લૂંટી લો. 12 કોઈ તેના પ્રત્યે કદી દયા ન દર્શાવો; તેનાં અનાથ બાળકોની કોઈ દરકાર ન કરો. 13 તેના વંશનો ઉચ્છેદ થાઓ. બીજી પેઢીમાં જ તેનું નામ વિસ્મૃત થાઓ. 14 પ્રભુની સંમુખ તેના પૂર્વજોના દોષ સંભારવામાં આવો, અને તેની માતાનાં પાપો કદી ભૂંસાઈ ન જાઓ. 15 તેનાં પાપો નિત્ય પ્રભુની સમક્ષ રહો; પરંતુ તેનું નામનિશાન પૃથ્વી પરથી નષ્ટ થાઓ. 16 કારણ, તેણે કદી દયા દર્શાવવાનું યાદ રાખ્યું નહિ, પણ તેણે પીડિત અને કંગાલો પર જુલમ કર્યો, અને લાચારજનોની હત્યા કરવા પીછો કર્યો. 17 શાપ દેવાનું તેને પ્રિય હતું, માટે તેને જ શાપ લાગો. આશિષ આપવાનું તેને ગમતું નહિ, માટે આશિષ તેનાથી દૂર રહો. 18 વસ્ત્રની જેમ તે સતત શાપ માટે ધારણ કરતો હતો; પીધેલા પાણીની જેમ તેના શાપ તેના શરીરની અંદર પ્રવેશો, અને માલિશના તેલની જેમ તેનાં હાડકાં સુધી પહોંચો. 19 તેના શાપ તેને વસ્ત્રની જેમ ઢાંકો, અને કમરબંધની જેમ તે તેને વીંટળાયેલા રહો. સહાય માટે પ્રાર્થના 20 મારા પર દોષારોપણ કરનારાઓને અને મારી વિરુદ્ધ ભૂંડી વાતો કહેનારાઓને પ્રભુ તરફથી એવું પ્રતિફળ મળો. 21 પરંતુ હે યાહવે, મારા પ્રભુ, તમારા નામ ખાતર મારી સહાય કરો; તમારા પ્રેમ અને ભલાઈને લીધે મને ઉગારો. 22 હું પીડિત અને કંગાલ છું. મારું હૃદય વિંધાયું છે. 23 ઢળતી સાંજના પડછાયાની જેમ હું લુપ્ત થતો જઉં છું; જીવડાંની જેમ મને ખંખેરી નાખવામાં આવે છે. 24 ઉપવાસોથી મારા ઘૂંટણો લથડિયાં ખાય છે; પૌષ્ટિક ખોરાકને અભાવે મારુ શરીર ક્ષીણ બન્યું છે. 25 હું શત્રુઓની મજાકનું પાત્ર લાગ્યો છું; તેઓ મને જોઈને તિરસ્કારથી માથાં ધૂણાવે છે. 26 હે પ્રભુ મારા ઈશ્વર મારી મદદ કરો; તમારા પ્રેમને લીધે મને ઉગારો. 27 મારા શત્રુઓને એ જાણવા દો કે તમારા હાથે જ મારો ઉદ્ધાર થયો છે; અને હે પ્રભુ, તમે જ મારો ઉદ્ધાર કર્યો છે. 28 તેઓ ભલે શાપ દે, પણ તમે મને આશિષ આપો; તેઓ ભલે આક્રમણ કરે, પણ તેઓ લજ્જિત થશે; પરંતુ હું તમારો સેવક આનંદિત થઈશ. 29 મારા પર આરોપ મૂકનારા કલંકથી ઢંકાઈ જાઓ; પોતાની શરમના આવરણથી તેઓ ઢંકાઈ જાઓ. સહાય માટે સ્તુતિ 30 મારા મુખે હું પ્રભુનો મોટો આભાર માનીશ; મોટા જન સમુદાયમાં હું તેમની સ્તુતિ કરીશ. 31 કારણ, ઈશ્વર કંગાલના જમણા હાથે ઊભા રહી તેને મૃત્યુદંડ દેનારાઓના હાથમાંથી ઉગારે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide