ગીતશાસ્ત્ર 107 - પવિત્ર બાઇબલ C.L.પાંચમો ખંડ ( 107—150 ગીતો) ભલાઈ માટે પ્રભુની સ્તુતિ 1 પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે, અને તેમનો પ્રેમ સર્વકાલીન છે. 2 પ્રભુ દ્વારા મુક્ત કરાયેલા જનો એ પ્રમાણે કહો; કારણ, તેમણે તમને શત્રુના હાથમાંથી છોડાવ્યા છે; 3 અને તેમણે તમને વિભિન્ન દેશોમાંથી, એટલે, પૂર્વ અને પશ્ર્વિમમાંથી ઉત્તર અને દક્ષિણમાંથી પાછા એકત્ર કર્યા છે. રણપ્રદેશમાંથી આવેલા 4 કેટલાક રણપ્રદેશમાં પંથહીન ઉજ્જડ જગાઓમાં ભટક્તા હતા અને વસવાટવાળા કોઈ નગરનો માર્ગ તેમને જડતો નહોતો. 5 ભૂખ અને તરસને કારણે તેમના પ્રાણ આકુળવ્યાકુળ બન્યા હતા. 6 ત્યારે પોતાના સંકટમાં તેમણે પ્રભુને પોકાર કર્યો એટલે તેમણે તેમને વિપત્તિમાંથી છોડાવ્યા. 7 ઈશ્વરે તેમને એવે સીધે માર્ગે દોર્યા કે જેથી તેઓ વસવાલાયક નગરે પહોંચી ગયા. 8 પ્રભુનો પ્રેમ અને માનવજાત માટે તેમણે કરેલાં અજાયબ કાર્યો માટે સૌ તેમનો આભાર માનો! 9 તે તૃષાતુર જનોને તૃપ્ત કરે છે, અને ક્ષુધાતુર જનોને ઉત્તમ વસ્તુઓથી સંતુષ્ઠ કરે છે. બંદીવાસમાંથી આવેલા 10 કેટલાક ખિન્નતામાં અને ઘોર અંધારી જગામાં જીવતા હતા, અને કેદીઓ તરીકે પીડિત અને બેડીઓમાં જકડાયેલા હતા; 11 કારણ, તેમણે ઈશ્વરની આજ્ઞાઓ વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો, અને સર્વોચ્ચ ઈશ્વરની શિખામણોની ઘૃણા કરી હતી. 12 સખત મજૂરીથી તેમનાં મન ભાંગી પડયાં હતાં. તેઓ લથડી જાય તો તેમને સહાય કરનાર કોઈ હતું નહિ. 13 ત્યારે પોતાના સંકટમાં તેમણે પ્રભુને પોકાર કર્યો, એટલે તેમણે તેમને વિપત્તિમાંથી છોડાવ્યા. 14 ઈશ્વર તેમને ખિન્નતા અને ઘોર અંધકારમાંથી બહાર લાવ્યા, અને તેમની બેડીઓ તોડી નાખી. 15 પ્રભુનો પ્રેમ અને માનવજાત માટે તેમણે કરેલાં અજાયબ કાર્યો માટે સૌ તેમનો આભાર માનો! 16 કારણ, તે શત્રુઓની કેદનાં તામ્રદ્વારો પણ તોડી નાખે છે; તે તેમના લોખંડી સળિયાઓના ટુકડા કરી દે છે. બીમારીમાંથી આવેલા 17 કેટલાક તેમના મૂર્ખતાભર્યા અપરાધોને લીધે કમજોર બન્યા હતા, અને તેમના દુરાચારને લીધે રીબાતા હતા. 18 સૌ કોઈ પ્રકારના ખોરાક પ્રત્યે તેમને ભારે અરુચિ પેદા થઈ હતી, અને તેઓ મૃત્યુદ્વારની નજીક આવી પહોંચ્યા હતા. 19 ત્યારે પોતાના સંકટમાં તેમણે પ્રભુને પોકાર કર્યો, એટલે તેમણે તેમને વિપત્તિમાંથી છોડાવ્યા. 20 ઈશ્વરે પોતાની આજ્ઞા પાઠવીને તેમને સાજા કર્યા અને વિનાશના ગર્તમાંથી તેમને જીવતા બહાર કાઢયા. 21 પ્રભુનો પ્રેમ અને માનવજાત માટે તેમણે કરેલાં અજાયબ કાર્યો માટે સૌ તેમનો આભાર માનો! 22 સૌ સાજા થયેલાઓ આભાર બલિનાં બલિદાનો ચડાવે, અને જયજયકારનાં ગીતો ગાતાં ઈશ્વરનાં કાર્યો વર્ણવે. દરિયાપારથી આવેલા 23 કેટલાક લોકો વેપાર અર્થે વહાણોમાં દરિયાઈ મુસાફરીએ જતા, અને આજીવિકા માટે મહાસાગરોનો પ્રવાસ ખેડતા. 24 તેમણે પ્રભુનાં મહાન કાર્યોને એટલે ઈશ્વરે અગાધ સાગરો પર ઉપજાવેલાં તોફાનો જોયાં. 25 ઈશ્વરે આજ્ઞા આપી એટલે તોફાની પવન ફૂંક્યો. તેથી દરિયાનાં મોજાં ખૂબ ઊંચે ઊછળ્યાં. 26 વહાણો જાણે આકાશ સુધી ઊંચે ઊછળ્યાં અને પછી તેમણે ઊંડાણોમાં ડૂબકી ખાધી. આવા મહાજોખમમાં માણસો નાસીપાસ થઈ ગયા. 27 તેમણે પીધેલાની જેમ લથડિયાં ખાધાં અને ડગમગી ગયા. વહાણ હંકારવાની તેમની કુશળતા વ્યર્થ નીવડી. 28 ત્યારે પોતાના સંકટમાં તેમણે પ્રભુને પોકાર કર્યો અને તેમણે તેમને વિપત્તિમાંથી છોડાવ્યા. 29 ઈશ્વરે તોફાન શાંત પાડયું અને સમુદ્રનાં મોજાં ઓસરી ગયાં. 30 શાંતિ સ્થપાવાથી માણસો આનંદિત થયા, અને ઈશ્વરે તેમને તેમના ઇચ્છિત બંદરે પહોંચાડયા. 31 પ્રભુનો પ્રેમ અને માનવજાત માટે તેમણે કરેલાં અજાયબ કાર્યો માટે સૌ તેમનો આભાર માનો! 32 એ બચી ગયેલા લોકો ભક્તિસભામાં ઈશ્વરને ઉન્નત મનાવે, અને વડીલોના સંમેલનમાં તેમની સ્તુતિ કરે. ઈશ્વરનાં કાર્યો માટે તેમની સ્તુતિ 33-34 કોઈ એક પ્રદેશના રહેવાસીઓની દુષ્ટતાને લીધે, ઈશ્વર નદી સૂકવીને તથા ઝરણાં વહેતાં અટકાવીને તે પ્રદેશની જમીનને રણપ્રદેશમાં પલટી નાખે છે; તથા ફળદ્રુપ જમીનને ખારાપાટમાં ફેરવી નાખે છે. 35 એથી ઊલટું, તે રણપ્રદેશમાં જળાશયો ઉપજાવે છે, અને સૂકી ભૂમિમાં ઝરણાં વહાવે છે. 36 ઈશ્વર ત્યાં ભૂખ્યાં જનોને વસાવે છે, અને તેઓ વસવાટ માટે નગરો બાંધે છે. 37 તેઓ ખેતરોમાં વાવણી કરે છે અને દ્રાક્ષવેલાઓ રોપે છે અને મબલક પાક ઉપજાવે છે. 38 ઈશ્વરની આશિષથી તેમની સંતતિમાં ખૂબ વૃદ્ધિ થાય છે. વળી, તે તેમના પશુધનને પણ ઘટવા દેતા નથી. 39 જ્યારે શત્રુઓના જુલમથી, સંકટોથી અને દુ:ખોથી તેમની વસ્તી ઘટી જાય અને તેઓ પરાજયની નામોશી અનુભવે છે, 40 ત્યારે ઈશ્વર તેમના જુલમગારો પ્રત્યે ઘૃણા દાખવે છે, અને જુલમીઓને પંથહીન વેરાનપ્રદેશમાં ભટકાવે છે; 41 પરંતુ તે કંગાલોને જુલમીઓના દમનમાંથી ઉગારે છે અને તેમના પરિવારોની ઘેટાંનાં ટોળાની જેમ વૃદ્ધિ કરે છે. 42 સરળ જનો તે નિહાળીને આનંદિત બને છે, પણ સર્વ દુરાચારીઓના મોં બંધ થઈ જાય છે. 43 જે જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે, અને માણસો પ્રભુની ભલાઈનાં કાર્યો પર વિચાર કરશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide