ગીતશાસ્ત્ર 106 - પવિત્ર બાઇબલ C.L.ઇઝરાયલનો વિદ્રોહ અને ઈશ્વરની ભલાઈ 1 યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ! પ્રભુનો આભાર માનો; કારણ, તે ભલા છે, તેમનો પ્રેમ સાર્વકાલીન છે. 2 પ્રભુનાં મહાન કાર્યોને કોણ વર્ણવી શકે? કોણ તેમની સંપૂર્ણ સ્તુતિ કરી શકે? 3 પ્રામાણિકપણે વર્તન કરનારને અને સર્વસમધ્યે નેકી પ્રમાણે ચાલનારને ધન્ય છે. કવિની પ્રાર્થના 4 હે પ્રભુ, તમે તમારા લોક પ્રત્યે સદ્ભાવ દર્શાવો ત્યારે મને પણ સંભારજો. તમે તેમને ઉગારો, ત્યારે મને પણ ઉગારજો. 5 જેથી હું તમારા પસંદ કરેલ લોકનું કલ્યાણ જોઈ શકું, તમારી પ્રજાના આનંદમાં ભાગીદાર બની શકું, અને તમારા વારસો સાથે ગૌરવ લઈ શકું. પાપની કબૂલાત 6 અમારા પૂર્વજોની જેમ અમે પણ પાપો કર્યાં છે, અમે દુરાચાર કર્યો છે અને દુષ્ટતા આચરી છે. ભૂલકણો સ્વભાવ 7 અમારા પૂર્વજો ઇજિપ્ત દેશમાં હતા, ત્યારે તેઓ તમારાં અજાયબ કાર્યો સમજ્યા નહિ; તમારા અપાર પ્રેમને તેમણે યાદ રાખ્યો નહિ. પરંતુ સૂફ સમુદ્ર પાસે તેમણે સર્વોચ્ચ ઈશ્વર સામે વિદ્રોહ કર્યો. 8 છતાં પોતાના નામની ખાતર, અને પોતાનું પરાક્રમ દર્શાવવા ઈશ્વરે તેમને ઉગાર્યા. 9 તેમણે સૂફ સમુદ્રને ધમકાવ્યો એટલે તે સુકાઈ ગયો. જાણે કે સૂકો પ્રદેશ હોય તેમ, તે તેમને ઊંડાણોમાં થઈને દોરી ગયા. 10 ઈશ્વરે તેમને દ્વેષીઓના હાથમાંથી બચાવ્યા, અને શત્રુઓના હાથમાંથી તેમને મુક્ત કર્યા. 11 તેમના વૈરીઓ પાણીમાં ડૂબી ગયા, અને તેમનામાંથી એકપણ જન બચ્યો નહિ. 12 ત્યારે ઇઝરાયલીઓએ પ્રભુના શબ્દો પર વિશ્વાસ કર્યો; અને તેમણે ઈશ્વરની સ્તુતિનાં ગીતો ગાયાં. વેરાન પ્રદેશમાં વિદ્રોહ 13 પરંતુ ટૂંક સમયમાં તેઓ ઈશ્વરનાં કાર્યો વીસરી ગયા, અને તેમની સલાહ સાંભળવાની પણ ધીરજ રાખી નહિ. 14 રણપ્રદેશમાં તેમણે તીવ્ર લાલસા કરી, અને એ વેરાનપ્રદેશમાં તેમણે ઈશ્વરની ક્સોટી કરી. 15 તેથી ઈશ્વરે તેમની માગણી પ્રમાણે તેમને આપ્યું, પણ તેમના પર ભયાનક રોગચાળો મોકલ્યો. 16 લોકોએ પડાવમાં મોશેની તથા પ્રભુના સમર્પિત સેવક આરોનની અદેખાઈ કરી; 17 ત્યારે પૃથ્વી ફાટી અને દાથાનને ગળી ગઈ, વળી તેણે અબિરામ તથા તેના જૂથને દાટી દીધાં. 18 તેમના જૂથમાં અગ્નિ પણ સળગી ઊઠયો, અને તેની જ્વાળાઓએ દુષ્ટોને ભસ્મ કરી નાખ્યા. 19 તેમણે સિનાઈમાં હોરેબ પર્વત આગળ સુવર્ણનો વાછરડો બનાવ્યો અને હાથોથી ઢાળેલી એ મૂર્તિની પૂજા કરી. 20 ઈશ્વરના ગૌરવની સેવા કરવાને બદલે ઘાસ ખાનાર વાછરડાની મૂર્તિની સેવા કરી. 21 તેઓ ઇજિપ્તમાં તેમને માટે મહાન કાર્યો કરનાર તેમના ઉદ્ધારર્ક્તા ઈશ્વરને વીસરી ગયા. 22 ઈશ્વરે તો હામના દેશ ઇજિપ્તમાં અજાયબ કાર્યો કર્યાં હતાં! અને સૂફ સમુદ્ર પાસે ભયાનક કાર્યો કર્યાં હતાં! 23 તેથી ઈશ્વરે તેમના લોકનો નાશ કરવા વિચાર્યું. ત્યારે તેમણે પસંદ કરેલો સેવક મોશે વચ્ચે પડયો. અને લોકનો સંહાર કરવા ઉગ્ર બનેલા ઈશ્વરના કોપને શમાવવા તે ઈશ્વરની સંમુખ વિનવણી કરવા ઊભો રહ્યો. કનાન દેશમાં પ્રવેશવાનો ઇનકાર 24 તે પછી તેમણે મનોહર પ્રદેશને તુચ્છ ગણ્યો; કારણ, તેમણે ઈશ્વરના વચન પર વિશ્વાસ કર્યો નહિ. 25 તેમણે પોતાના તંબૂઓમાં બડબડાટ કર્યો, અને ઈશ્વરની વાણીને આધીન થયા નહિ. 26 ત્યારે ઈશ્વરે હાથ ઊંચા કરીને શપથ લીધા કે તે રણપ્રદેશમાં તેમને ધરાશયી કરશે; 27 અને જુદા જુદા દેશમાં તેમને વિખેરી નાખશે, અને ત્યાં તેમનાં સંતાનો માર્યા જશે. પેઓરના બઆલદેવની પૂજા 28 ઈશ્વરના લોકો પેઓરમાં બઆલ નામના દેવતાની પૂજામાં જોડાયા અને તેમણે મૃતજનોનાં શ્રાદ્ધનાં બલિદાનો ખાધાં. 29 પોતાનાં કાર્યોથી તેમણે ઈશ્વરને કોપાયમાન કર્યા; તેથી તેઓમાં મરકી ફાટી નીકળી. 30 જ્યારે ફિનહાસે ઊભા થઈને અપરાધીઓને શિક્ષા કરી ત્યારે ઈશ્વરે મરકી અટકાવી દીધી. 31 આ તેનું કાર્ય તેને માટે ધર્મકાર્ય ગણાયું, અને તે પેઢી દરપેઢી યાદ રખાયું અને સર્વદા યાદ રખાશે. 32 મરીબાના ઝરણા પાસે પણ તેમણે ઈશ્વરને ચીડવ્યા, અને તેમને લીધે મોશે મુકેલીમાં મુક્યો. 33 તેમણે મોશેના દયને એટલું કડવું બનાવ્યું કે તે પોતાના હોઠોથી અવિચારીપણે બોલી ઊઠયો. વચનના પ્રદેશમાં વિદ્રોહ 34 પ્રભુએ તો તેમને અન્ય પ્રજાઓનો નાશ કરવાની આજ્ઞા આપી હતી, પણ તેમણે તેમનો નાશ કર્યો નહિ. 35 પરંતુ તેમણે તો તેઓ સાથે આંતરલગ્નો કર્યાં, અને તેમના રિવાજો અપનાવ્યા. 36 ઈશ્વરના લોકોએ કનાની મૂર્તિઓની પૂજા કરી, અને એ જ બાબત તેમને માટે ફાંદારૂપ બની. 37 તેમણે પોતાનાં પુત્રપુત્રીઓનાં બલિદાન કનાનના ભૂતિયા દેવોને ચઢાવ્યાં. 38 તેમણે નિર્દોષ બાળકોનું રક્ત વહાવ્યું, એટલે પોતાનાં જ પુત્રપુત્રીઓનું રક્ત કનાનની મૂર્તિઓને ચઢાવ્યું. તે માનવ-બલિદાનના રક્તથી દેશ અશુદ્ધ બન્યો. 39 તેઓ પોતાનાં કામોથી ભ્રષ્ટ બન્યા અને પોતાના દુરાચારોથી ઈશ્વર પ્રત્યે બેવફા નિવડયા. 40 તેથી પોતાના લોકો વિરુદ્ધ પ્રભુનો કોપ સળગી ઊઠયો અને પોતાના વારસા સમ લોક પ્રત્યે તેમને ઘૃણા ઊપજી. 41 તેથી ઈશ્વરે વિધર્મી પ્રજાઓને તેમના પર વિજય પામવા દીધો અને તેમના વૈરીઓએ તેમના પર શાસન કર્યું. 42 તેમના શત્રુઓએ તેમના પર જુલમ ગુજાર્યો. તેઓ સંપૂર્ણ રીતે વૈરીઓની સત્તાને તાબે થયા. 43 ઈશ્વરે તેમને વારંવાર ઉગાર્યા. પરંતુ તેમણે ઇરાદાપૂર્વક વિદ્રોહ કર્યા કર્યો, અને પોતાની દુષ્ટતામાં વધારે ને વધારે ખૂંપી ગયા. પ્રભુની ભલાઈ 44 તો પણ ઈશ્વરે જ્યારે જ્યારે તેમનો વિલાપ સાંભળ્યો, ત્યારે ત્યારે તેમના સંકટ પ્રત્યે ધ્યાન આપ્યું. 45 ઈશ્વરે પોતાના લોકની ખાતર પોતાનો કરાર સંભાર્યો અને તેમના અગાધ પ્રેમને લીધે તેમને દયા આવી. 46 ઈશ્વરના લોકને બંદિવાન બનાવનારાનાં હૃદયોમાં તેમને માટે દયા પ્રગટાવી. અરજ અને સ્તુતિ 47 હે યાહવે, અમારા ઈશ્વર, અમને ઉગારો. તમારા પવિત્ર નામનો આભાર માનવાને, તમારી સ્તુતિમાં જયજયકાર કરવાને અમને વિવિધ દેશોમાંથી પાછા એકત્ર કરો. 48 ઇઝરાયલના ઈશ્વર પ્રભુને અનાદિકાળથી અનંતકાળ સુધી ધન્ય હોજો! સર્વ લોકો ‘આમીન’ કહો, યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide