Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 105 - પવિત્ર બાઇબલ C.L.


ઇઝરાયલનો અજાયબ ઇતિહાસ પ્રભુની સ્તુતિ

1 યાહવેનો આભાર માનો, તેમના નામને ઘોષિત કરો; સર્વ દેશોના લોકોમાં તેમનાં કાર્યો પ્રગટ કરો.

2 પ્રભુની સમક્ષ ગીતો ગાઓ, અને વાજિંત્રો વગાડો. તેમનાં સર્વ અજાયબ કાર્યોનું વર્ણન કરો.

3 તેમના પવિત્ર નામ માટે ગર્વ કરો, પ્રભુના આતુર ઉપાસકોનાં હૃદય આનંદિત બનો.

4 પ્રભુને તથા તેના સામર્થ્યને શોધો; સર્વદા તેમના મુખને શોધો.

5-6 હે પ્રભુના સેવક અબ્રાહામના વંશજો, હે પ્રભુના પસંદ કરેલ યાકોબનાં સંતાનો, પ્રભુએ કરેલાં અજાયબ કાર્યોનું, ચમત્કારોનું તથા તેમના મુખના ન્યાયચુકાદાઓનું સ્મરણ કરો.


આદિપિતૃઓ સાથે કરાર

7 એક માત્ર પ્રભુ જ આપણા ઈશ્વર છે, તેમનાં ન્યાયકૃત્યો આખા જગતમાં સુપ્રસિદ્ધ છે.

8 તે સદા પોતાનો કરાર પાળે છે, અને પોતે આપેલું વચન હજારો પેઢી સુધી યાદ રાખે છે.

9 એ કરાર તેમણે અબ્રાહામ સાથે કર્યો હતો, અને તે વિષે ઇસ્હાક સાથે શપથ લીધા હતા.

10 અને તેને તેમણે આપણા પૂર્વજ યાકોબને માટે ધારાધોરણ તરીકે ઠરાવ્યો; જેથી ઇઝરાયલના લોક માટે તે સાર્વકાલિક કરાર હતો.

11 તેમણે યાકોબને કહ્યું હતું, “હું તને આ કનાન દેશ આપીશ; તે તારો નિયત કરેલ વારસાનો હિસ્સો બનશે.”


કનાન દેશમાં રક્ષણ

12 ઈશ્વરના લોક ત્યારે સંખ્યામાં અલ્પ હતા. ખરેખર છેક થોડા, અને કનાન દેશમાં પ્રવાસી હતા;

13 તેઓ એક દેશમાંથી બીજા દેશમાં તથા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્તા હતા.

14 ત્યારે ઈશ્વરે કોઈને તેમના પર જુલમ કરવા દીધો નહિ, અને તેમનું રક્ષણ કરવા રાજાઓને ચેતવણી આપી,

15 “મારા અભિષિક્ત લોકને રંજાડશો નહિ, તથા મારા સંદેશવાહકોને કંઈ ઉપદ્રવ કરશો નહિ.”


યોસેફ ઇજિપ્ત દેશમાં

16 ઈશ્વરે કનાન દેશ પર દુકાળ મોકલ્યો; તેથી બધો પાક નિષ્ફળ ગયો.

17 પરંતુ પોતાના લોકને બચાવવા માટે તેમણે ગુલામ તરીકે વેચાઈ ગયેલા યોસેફને તેમની પહેલાં ઇજિપ્તમાં મોકલ્યો.

18 ત્યાં જેલમાં તેના પગ બેડીઓમાં જકડાયેલા હતા, અને તેની ગરદન પર લોહપટ્ટી પહેરાવેલી હતી;

19 યોસેફે ભાખેલું ભવિષ્યકથન પૂર્ણ થયું અને પ્રભુના સંદેશ પ્રમાણે તે સાચો ઠર્યો, ત્યાં સુધી તેની ક્સોટી થઈ.

20 તે પછી ઇજિપ્તના રાજાએ આજ્ઞા કરીને તેને છોડાવ્યો, અને ઘણી પ્રજાઓના એ શાસકે તેને મુક્ત કર્યો.

21 તેણે યોસેફને પોતાના રાજકારભારમાં અધિકારી બનાવ્યો, અને તેની સમસ્ત જમીનજાગીર પર વહીવટદાર તરીકે નિયુક્ત કર્યો;

22 જેથી યોસેફ જાતે જ રાજાના અધિકારીઓને નિયંત્રણમાં રાખે અને તેના મંત્રીઓને સલાહ આપે.


ઇઝરાયલીઓ ઇજિપ્તમાં

23 પછી તેનો પિતા યાકોબ પરિવાર સાથે ઇજિપ્ત આવ્યો અને હામના પ્રદેશમાં ઇઝરાયલના કુટુંબે નિવાસ કર્યો.

24 પ્રભુએ પોતાના લોકને પુષ્કળ સંતાનો બક્ષ્યાં અને તેમના શત્રુઓ કરતાં તેમને બળવાન બનાવ્યા.

25 ત્યારે પ્રભુએ ઇજિપ્તના લોકોનાં હૃદય ફેરવી નાખ્યાં, જેથી તેઓ પ્રભુના લોકોનો તિરસ્કાર કરે, અને તેમના સેવકો એટલે ઇઝરાયલીઓ સાથે કપટથી વર્તે.


મોશે, આરોન અને ઇજિપ્તમાંના અનર્થો

26 પછી ઈશ્વરે પોતાના સેવક મોશેને તથા પોતાના પસંદ કરેલ આરોનને ઇજિપ્ત મોકલ્યા.

27 તેમણે ઇજિપ્તના લોકો મધ્યે ચિહ્નો દેખાડયાં, અને હામના દેશ ઇજિપ્તમાં ઘણા ચમત્કારો કર્યા.

28 ઈશ્વરે અંધકાર મોકલીને બધે અંધારું કર્યું. તેમણે તેમના શબ્દોનો પડકાર કર્યો નહિ.

29 તેમણે તેમની નદીઓને રક્તમાં બદલી નાખી અને તેમાંની સર્વ માછલીઓ મારી નાખી.

30 તેમના દેશમાં પુષ્કળ દેડકાં પેદા થયાં. તેઓ છેક રાજમહેલના ઓરડાઓ સુધી ફરી વળ્યાં.

31 પ્રભુએ આજ્ઞા કરી એટલે માખો તથા જુઓ તેમના આખા દેશ ઉપર ઊભરાયાં.

32 તેમણે તેમના દેશ પર વરસાદને બદલે કરા મોકલ્યા અને તેમની ધરતી પર અગ્નિજ્વાળાઓ વરસાવી.

33 ઈશ્વરે તેમના દ્રાક્ષવેલાઓ અને અંજીરવૃક્ષો નષ્ટ કર્યાં અને આખા દેશનાં વૃક્ષો તોડી પાડયાં.

34 તેમણે આજ્ઞા કરી એટલે તીડો આવ્યાં. અસંખ્ય અને અગણિત કાતરા ઊતરી આવ્યા.

35 તેઓ દેશની સમસ્ત વનસ્પતિને ખાઈ ગયાં અને ભૂમિના સર્વ પાકનો ભક્ષ કરી ગયાં.

36 ઈશ્વરે તેમના દેશમાં સર્વ પ્રથમજનિતોને માર્યા; એટલે, તેમના પૌરુષત્વના પ્રથમ ફળરૂપ સંતાનોનો સંહાર કર્યો.


ઇજિપ્તમાંથી પ્રસ્થાન તથા રણપ્રદેશમાં પ્રવાસ

37 ઈશ્વર ઇઝરાયલીઓને સોનાચાંદીના ઘરેણાં સહિત કાઢી લાવ્યા, તેમનાં કુળોમાં એના ભારથી કોઈ લથડી ગયું નહિ.

38 તેમના પ્રસ્થાનથી ઇજિપ્તવાસીઓ આનંદિત થયા, કારણ, ઇઝરાયલીઓને લીધે તેઓ ભારે ત્રાસ પામ્યા હતા.

39 પ્રભુએ તેમના લોકને છાયા આપવા વાદળ પ્રસાર્યું અને રાત્રે પ્રકાશ માટે અગ્નિ મોકલ્યો.

40 ઇઝરાયલીઓએ ખોરાક માંગ્યો, એટલે ઈશ્વરે લાવરીઓ મોકલી; પ્રભુએ આકાશના આહારથી તેમને તૃપ્ત કર્યા.

41 ઈશ્વરે ખડકને તોડયો એટલે પાણી ખળખળ કરતું વહ્યું. તે રણપ્રદેશમાં નદીની જેમ વહેવા લાગ્યું.

42 તેમણે પોતાના સેવક અબ્રાહામને તથા તેને આપેલ પવિત્ર પ્રતિજ્ઞાને સંભાર્યાં હતાં.


વચનના પ્રદેશમાં આગમન

43 એમ ઈશ્વર પોતાના પસંદ કરેલા લોકને પાછા દોરી લાવ્યા. ત્યારે તેમણે આનંદનાં ગીતો ગાઈને જયજયકાર કર્યો.

44 ઈશ્વરે તેમને અન્ય પ્રજાઓના પ્રદેશો સોંપ્યા અને તેમણે બીજાઓએ કરેલ શ્રમનાં ફળ પર કબજો લીધો.

45 જેથી તેઓ ઈશ્વરના આદેશોનું પાલન કરે અને તેમનો નિયમ પાળે; યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ!

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan