ગીતશાસ્ત્ર 104 - પવિત્ર બાઇબલ C.L.વિશ્વના સર્જનહાર પ્રભુની સ્તુતિ 1 હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર. હે પ્રભુ, મારા ઈશ્વર, તમે કેટલા મહાન છો! તમે વૈભવ અને પ્રતાપથી વિભૂષિત છો. 2 તમે વસ્ત્રની જેમ પ્રકાશ પરિધાન કર્યો છે; તમે તંબૂની જેમ આકાશને વિસ્તાર્યું છે. 3 તમે ઉપરનાં પાણી પર તમારો મહેલ બાંધ્યો છે, તમે મેઘોને તમારા રથ તરીકે વાપરો છો; તમે પવનની પાંખો પર વારી કરો છો. 4 તમે પવનોને તમારા સંદેશકો બનાવો છો, અને અગ્નિજ્વાળાઓને તમારા સેવકો તરીકે ઉપયોગ કરો છો. પૃથ્વીની વ્યવસ્થા 5 તમે પૃથ્વીને તેના પાયાઓ પર સ્થાપી છે; જેથી તે કદીયે વિચલિત થાય નહિ. 6 મહાસાગર પૃથ્વી પર જામાની જેમ પથરાયેલો હતો, અને પાણીથી પર્વતનાં શિખરો પણ ઢંક્યેલાં હતાં. 7 પણ તમે પાણીને ધમકાવ્યાં, એટલે તે નાસી ગયાં; તમારી ગર્જનાથી તે પલાયન થઈ ગયાં. 8 ઊપસી આવેલા પર્વતો પરથી પાણી વહ્યાં અને ખીણોમાં થઈને તમારા નિર્ધારિત કરેલ સ્થળે ગયાં. 9 તમે પાણી માટે તે ઓળંગી ન શકે એવી હદ ઠરાવી છે; જેથી પૃથ્વીને ફરીથી ડૂબાડવા તે પાછાં આવે નહિ. પાણીની વ્યવસ્થા 10 તમે ખીણોમાં ઝરણાં વહાવો છો,અને તેઓ પર્વતો વચ્ચે થઈને વહે છે. 11 તેઓ જંગલી પશુઓને પાણી પૂરું પાડે છે અને તેમાં જંગલી ગધેડાં પણ પોતાની તરસ છિપાવે છે. 12 કિનારાનાં વૃક્ષો પર પક્ષીઓ માળા બાંધે છે, અને તેઓ ડાળીઓમાં કલરવ કરે છે. 13 તમે તમારા આકાશમાંના ઓરડાઓમાંથી પહાડો પર પાણી વરસાવો છો અને તમારી વર્ષાથી ધરતી સમૃદ્ધિ પામે છે. આહારની વ્યવસ્થા 14 તમે પશુઓને માટે ઘાસ, અને મનુષ્યો માટે તેમણે રોપેલા છોડ ઉગાડો છો; જેથી તેઓ ધરતીમાંથી આહાર મેળવી શકે. 15 વળી, તમે માણસોના દયને આનંદિત કરનાર દ્રાક્ષાસવ, તેમના મુખને તેજસ્વી કરનાર ઓલિવ તેલ, અને તેમને શક્તિ આપનાર ખોરાક ઉપજાવો છો. 16 લબાનોનનાં પ્રચંડ ગંધતરુ પ્રભુએ જાતે રોપેલાં છે; તે તેમનાં પોતાનાં વૃક્ષો છે; તેઓ પુષ્કળ જળથી સંતૃપ્ત થયેલાં છે. 17 તેમના પર પક્ષીઓ પોતાના માળા બાંધે છે; વળી, ત્યાંના દેવદારનાં વૃક્ષ બગલાંનું નિવાસસ્થાન છે. 18 જંગલી બકરાં માટે ઊંચા પર્વતો છે, ભેખડોમાં સસલાંનાં આશ્રયસ્થાનો છે. સમયની વ્યવસ્થા 19 ચંદ્ર ઋતુઓ દર્શાવે છે, અને સૂર્ય પોતાનો અસ્ત થવાનો સમય જાણે છે. 20 તમે અંધારું કરો છો, એટલે રાત પડે છે; ત્યારે જંગલનાં પશુઓ બહાર નીકળે છે. 21 સિંહનાં બચ્ચાં શિકાર મેળવવા ગર્જે છે; તેઓ ઈશ્વર પાસે પોતાનો આહાર માગે છે. 22 સૂર્યોદય થતાં જ તેઓ પાછાં વળે છે, અને પોતાની ગુફાઓમાં સૂઈ રહે છે. 23 સવારે માણસો પોતાના વ્યવસાયો માટે બહાર આવે છે અને સંયાકાળ સુધી તેઓ પરિશ્રમ કરે છે. સમુદ્રની વ્યવસ્થા 24 હે પ્રભુ, તમારાં કાર્યો અનેકવિધ છે; તમે સઘળું જ્ઞાનથી રચ્યું છે; તમે રચેલાં જીવજંતુથી પૃથ્વી ભરપૂર છે. 25 સમુદ્ર કેટલો પ્રચંડ અને વિશાળ છે! તેમાં અસંખ્ય જળચરો અને નાનાંમોટા જીવો વસે છે. 26 તેમાં વહાણો આવજા કરે છે અને તેમાં લિવયાથાન નામનો જળરાક્ષસ રમે છે. જીવનવ્યવસ્થા 27 યથા સમયે તમે તેમને આહાર આપો. તે માટે સર્વ જીવો તમારા તરફ મીટ માંડે છે. 28 તમે ખોરાક આપો છો ત્યારે તેઓ એકત્ર કરે છે; તમે મુઠ્ઠી ખોલો ત્યારે તેઓ તૃપ્ત થાય છે. 29 તમે તમારું મુખ સંતાડો છો ત્યારે તેઓ ભયભીત બને છે; તમે તમારો ‘શ્વાસ પાછો લઈ લો’ ત્યારે તેઓ મરણ પામે છે, અને પાછાં માટીમાં ભળી જાય છે. 30 તમે તમારો શ્વાસ મોકલો ત્યારે તેઓ ઉત્પન્ન થાય છે અને એમ તમે પૃથ્વીની સપાટીને નવું જીવન બક્ષો છો. પ્રભુની સ્તુતિ 31 પ્રભુનું ગૌરવ સદાસર્વકાળ ટકો! પ્રભુ પોતાના સર્જનથી પ્રસન્ન રહો! 32 તે પૃથ્વી પર કરડી નજર કરે ત્યારે તે કાંપી ઊઠે છે. તે પર્વતોને અડકે ત્યારે તેમનામાંથી ધૂમાડો નીકળે છે. 33 હું જિંદગીભર પ્રભુનાં ગુણગાન ગાઈશ. હું હયાતીમાં છું ત્યા સુધી મારા ઈશ્વરની સ્તુતિ કર્યા કરીશ. 34 મારું ચિંતન પ્રભુને પ્રસન્ન કરો; કારણ, હું પ્રભુમાં આનંદ કરું છું. 35 પૃથ્વી પરથી પાપીઓનો નાશ થાઓ અને દુષ્ટોનો અંત આવો. હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર; યાહની સ્તુતિ કરો - હાલ્લેલુયાહ! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide