ગીતશાસ્ત્ર 103 - પવિત્ર બાઇબલ C.L.ઈશ્વરનો સનાતન પ્રેમ સ્તુતિ માટે આમંત્રણ (દાવિદનું ગીત) 1 હે મારા જીવ, યાહવેનું સ્તવન કર, મારા અખિલ અંતર, તેમના પવિત્ર નામને ધન્ય કહે. 2 હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર અને તેમનાં સર્વ ઉપકારક કાર્યો તું ભૂલી ન જા. 3 તે તારાં બધાં પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. 4 તે તારા જીવનને મૃત્યુના ગર્તમાંથી ઉગારે છે, અને તને પ્રેમ અને રહેમનો મુગટ પહેરાવે છે. 5 તે તને જીવનભર ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત કરે છે; જેથી ગરુડની જેમ તારું યૌવન તાજું થાય છે. પોતાના લોક માટે પ્રભુનો પ્રેમ 6 જુલમનો ભોગ બનેલા સૌનું સમર્થન કરી પ્રભુ તેમને ન્યાય અપાવે છે. 7 તેમણે પોતાના માર્ગો મોશેને પ્રગટ કર્યા અને ઇઝરાયલના લોકોને પોતાનાં પરાક્રમી કાર્યો દેખાડયાં. 8 પ્રભુ દયાળુ અને કૃપાળુ છે, તે કોપ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે. 9 તે સદા ઠપકો આપ્યા કરતા નથી; તે સદા ક્રોધ કર્યા કરતા નથી. 10 તે આપણાં પાપો અનુસાર આપણી સાથે વર્તતા નથી; આપણા ગુના પ્રમાણે આપણને સજા કરતા નથી. 11 કારણ, જેમ પૃથ્વીથી આકાશ ઊંચું છે, તેમ તેમના ભક્તો પર તેમનો પ્રેમ અગાધ છે. 12 ઉદયાચલથી અસ્તાચલ જેટલું દૂર છે, તેટલા તે આપણા અપરાધ આપણાથી દૂર કરે છે. 13 જેમ પિતા પોતાનાં સંતાનો પ્રત્યે દયાળુ હોય છે, તેમ પ્રભુ પોતાના ભક્તો પર દયાળુ છે. 14 તે આપણું બંધારણ જાણે છે; આપણે માટીમાંથી બનેલાં છીએ તેનું તેમને સ્મરણ છે. ક્ષણભંગુર જીવન અને ઈશ્વરનો અવિચળ પ્રેમ 15 મનુષ્યનું આયુષ્ય ઘાસ જેવું છે, ખેતરમાંના ફૂલની જેમ તે ખીલે છે; 16 પવન તેના પરથી વાય છે અને તેના અસ્તિત્વનો અંત આવે છે, તેનું સ્થાન કયાં હતું તેની પણ કોઈને ખબર પડતી નથી. 17-18 પરંતુ પ્રભુનો પ્રેમ તેમના ભક્તો પર, એટલે તેમનો કરાર પાળનારા અને તેમના વિધિઓનું કાળજીપૂર્વક પાલન કરનારાઓ પર, અનાદિકાળથી અનંતકાળ સુધી રહે છે અને તે તેમનાં સંતાનોનાં સંતાન સાથે ઈશ્વરનું વિશ્વાસુપણું જારી રહે છે. પ્રભુની સ્તુતિ માટે આમંત્રણ 19 પ્રભુએ આકાશમાં પોતાનું રાજ્યાસન સ્થાપ્યું છે; તેમનો રાજ્યાધિકાર સમગ્ર વિશ્વ પર છે. 20 પ્રભુની આજ્ઞાનો અમલ કરનારા અને તેમની વાણી પ્રત્યે લક્ષ દેનારા શક્તિશાળી અને પરાક્રમી દૂતો, પ્રભુનું સ્તવન કરો. 21 હે પ્રભુનાં સર્વ સૈન્યો, અને તેમની ઇચ્છાને અનુસરનાર તેમના સેવકો, પ્રભુનું સ્તવન કરો. 22 પ્રભુના સમસ્ત રાજ્યમાંનું સમગ્ર સર્જન, પ્રભુનું સ્તવન કરો. હે મારા જીવ, પ્રભુનું સ્તવન કર. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide