ગીતશાસ્ત્ર 102 - પવિત્ર બાઇબલ C.L.સંકટમાં સહાય માટે પોકાર (પીડિતજનની પ્રાર્થના: જ્યારે તે નિર્ગત થાય છે ત્યારે પ્રભુ સમક્ષ પોતાની ફરિયાદ ઠાલવે છે.) 1 હે પ્રભુ, મારી પ્રાર્થના સાંભળો, મારો પોકાર તમારી હજૂરમાં પહોંચવા દો. 2 મારી આપત્તિના દિવસોમાં મારાથી તમારું મુખ સંતાડશો નહિ. મારા પ્રતિ તમારા કાન ધરો, હું પોકારું ત્યારે મને ત્વરિત ઉત્તર આપો. 3 મારા દિવસો ધૂમાડાની જેમ ઊડી જાય છે; મારાં અસ્થિ ભઠ્ઠીની જેમ સળગે છે. 4 કપાયેલા ઘાસની જેમ મારું હૃદય સુકાઈ ગયું છે; મને તો ભોજન કરવાનીય રુચિ રહી નથી. 5 હું મોટેથી નિસાસા નાખું છું; મારાં હાડકાં ચામડીને વળગી રહ્યાં છે! 6 હું વેરાનપ્રદેશનાં ગીધડાં જેવો થયો છું; અને ખંડેરો વચ્ચે વસતા ધુવડ જેવો છું. 7 હું જાગ્યા જ કરું છું; અને છત પરની એક્કી ચકલી જેવો બની ગયો છું. 8 મારા શત્રુઓ આખો વખત મારો દોષ કાઢે છે. મારી ઠેકડી કરનારા મારું નામ દઈને બીજાને શાપ આપે છે. 9-10 તમારા રોષ અને ક્રોધને લીધે તમે મને ઊંચકીને ફગાવી દીધો છે; તેથી હું રોટલીની જેમ રાખ ખાઉં છું, અને મારાં આંસુ પીવાના પ્યાલામાં પડે છે. 11 ઢળતી સાંજના પડછાયાની જેમ મારી જિંદગીનો અંત પાસે છે; હું ઘાસની જેમ ચીમળાઈ ગયો છું. સિયોનનગરનો ર્જીણોદ્ધાર 12 હે પ્રભુ, તમે સર્વદા રાજ્યાસન પર બિરાજમાન છો, તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે. 13 તમે સિયોન પર દયા દાખવવા ઊભા થશો; તેના પર કરુણા કરવાનો સમય, એટલે નિર્ધારિત સમય આવી પહોંચ્યો છે. 14 તમારા સેવકોને તો તેના ખંડેરના પથ્થરો ય વહાલા છે અને તેની ધૂળ પર તેમને દયા આવે છે. 15-16 જ્યારે પ્રભુ સિયોનનગરને ફરીથી બાંધશે ત્યારે તેમનું ગૌરવ પ્રગટ થશે; ત્યારે દેશો યાહવેના નામથી અને પૃથ્વીના સર્વ રાજાઓ તેમના ગૌરવથી ભયભીત થશે. 17 ત્યારે તે લાચારની પ્રાર્થના પ્રત્યે લક્ષ આપશે, અને તેમની અરજોની અવગણના કરશે નહિ. 18 આગામી પેઢી માટે આ વાત લખી રાખો; જેથી હવે પછી પેદા થનારા પણ યાહની સ્તુતિ કરે. 19 પ્રભુએ પોતાના ઊંચા પવિત્રસ્થાનમાંથી નીચે જોયું છે, એટલે તે આકાશમાંથી પૃથ્વી પર દષ્ટિપાત કરે છે; 20 જેથી તે બંદીવાનોના નિ:સાસા સાંભળે અને મૃત્યુદંડ પામેલાને મુક્ત કરે. 21 સિયોનમાં યાહવેના નામની ઘોષણા થશે અને યરુશાલેમમાં તેમની સ્તુતિ થશે. 22 તે સમયે સર્વ પ્રજાઓ અને રાજ્યોના લોકો એક સાથે પ્રભુની ભક્તિ કરવા એકત્ર થશે. ક્ષણભંગુર જીવન અને અનાદિ ઈશ્વર 23 પ્રભુએ આવરદાની અધવચ્ચે મારી શક્તિ ઘટાડી દીધી, તેમણે મારું આયુષ્ય ટૂંકાવ્યું. 24 મેં કહ્યું: “હે ઈશ્વર, મને મારા આયુષ્યની અધવચમાં ઉઠાવી લેશો નહિ; તમારાં વર્ષો તો પેઢી દરપેઢી ટકે એટલાં છે!” 25 પ્રાચીન કાળમાં તમે પૃથ્વીની સ્થાપના કરી, અને તમારા પોતાને હાથે આકાશોને રચ્યાં. 26 તેઓ નાશ પામશે, પરંતુ તમે ટકશો. વસ્ત્રોની પેઠે તેઓ સર્વ ર્જીણ થઈ જશે, જૂનાં વસ્ત્રોની જેમ તમે તેમને ઉતારી દેશો, અને તેઓ ઊતરી જશે. 27 પરંતુ તમે તો નિત્ય એવા ને એવા જ રહો છો; તમારાં વર્ષોનો કોઈ અંત નથી. 28 તમારા સેવકોના પરિવારો ટકી રહેશે, અને તેમના વારસો તમારી સંમુખ સુરક્ષિત રહેશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide