ગીતશાસ્ત્ર 101 - પવિત્ર બાઇબલ C.L.આદર્શ રાજા (દાવિદનું ગીત) 1 તમારી વફાદારી અને તમારા પ્રેમ અને ઇન્સાફ વિષે હું ગીત ગાઈશ; હે પ્રભુ, હું તમારાં ગુણગાનનું રટણ કરીશ. 2 હું સીધે માર્ગે ચાલવા પર ધ્યાન દઈશ. હે પ્રભુ, તમે મારી પાસે ક્યારે આવશો? હું મારા રાજકારભારમાં શુદ્ધ દયથી વર્તીશ. 3 હું કશી અધમ બાબતોને મારી દષ્ટિ સમક્ષ રાખીશ નહિ. ઈશ્વરનિષ્ઠાથી વિમુખ થનારનાં કાર્યો હું ધિક્કારું છું; તેમની સાથે મારે કોઈ સબંધ નથી. 4 વિકૃત મન હું મારાથી દૂર રાખીશ; હું દુષ્ટો સાથે સંબંધ રાખીશ નહિ. 5 બીજાઓની ગુપ્ત રીતે નિંદા કરનારને હું ચૂપ કરી દઈશ. ઘમંડી નજર અને અહંકારી દયવાળા જનોને હું સાંખી લઈશ નહિ. 6 ઈશ્વર પ્રત્યે નિષ્ઠાવાન રહેનાર પર હું મારી કૃપાદષ્ટિ રાખીશ અને તેમને મારા મહેલમાં વસવા દઈશ. સીધે માર્ગે ચાલનાર માણસો જ મારા રાજકારભારમાં ભાગ લઈ શકશે. 7 કપટ આચરનાર કોઈપણ માણસ મારા મહેલમાં રહી શકશે નહિ; જૂઠું બોલનાર કોઈપણ માણસ મારી નજર આગળ ટકી શકશે નહિ. 8 આપણા દેશમાંથી હું દુષ્ટોનો પશુઓની જેમ નાશ કરીશ; હું સર્વ દુરાચારીઓનો પ્રભુના નગરમાંથી નાશ કરીશ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide