ગીતશાસ્ત્ર 10 - પવિત્ર બાઇબલ C.L.ન્યાય માટે પ્રાર્થના ל લામેદ 1 હે પ્રભુ, તમે કેમ ખૂબ દૂર રહો છો? સંકટને સમયે તમે કેમ સંતાઈ જાઓ છો? 2 અહંકારી દુષ્ટો ગરીબોને ખૂબ સતાવે છે; દુષ્ટોના પ્રપંચમાં ગરીબો ફસાઈ જાય છે. 3 દુષ્ટ પોતાની બૂરી આકાંક્ષાની બડાશ મારે છે; લોભી માણસ પ્રભુની નિંદા કરીને તેમનો નકાર કરે છે. מ મેમ 4 અહંકારને લીધે દુષ્ટ માણસ ઈશ્વરથી વિમુખ રહે છે; તેના વિચારોમાંય ઈશ્વરનું સ્થાન નથી. נ નૂન 5 દુષ્ટને પ્રત્યેક કાર્યમાં સફળતા મળે છે; ઈશ્વરનો ઊંચા ધોરણનો ન્યાય તેની સમજની બહાર છે, તે પોતાના શત્રુઓ સામે ધૂરકિયાં કરે છે. 6 તે પોતાના મનમાં વિચારે છે, “હું કદી નાસીપાસ થનાર નથી; અરે, મારા વંશજો પણ કદી સંકટમાં આવી પડશે નહિ.” ס સામેખ 7 તેની વાણી શાપ, કપટ અને જુલમથી ભરેલી છે; તેની વાતો ઉપદ્રવ અને દુરાચાર વિષેની જ હોય છે. 8 તે ગામ બહાર છૂપી જગાએ સંતાઈને બેસે છે; તે લાચાર લોકોની હત્યા કરવા ટાંપીને બેસે છે; તે નિરાધાર શિકારોની જાસૂસી કરે છે. ע આયિન 9 તે ઝાડીમાં લપાયેલા સિંહની જેમ પોતાની છૂપી જગ્યામાં લપાય છે, તે સંતાઈને નિરાધારો માટે ટાંપી રહે છે, તે તેમને પોતાના ફાંદામાં ફસાવીને ઘસડી જાય છે. 7 (પે?) ત્સાદે 10 નિરાધાર શિકાર પટકાઈ પડે છે; પાશવી બળ આગળ તે હારી જાય છે. 11 દુષ્ટ પોતાના મનમાં વિચારે છે કે ઈશ્વરને કંઈ પડી નથી; ઈશ્વરે પોતાનું મુખ સંતાડયું છે; તે કદી મને જોશે નહિ! ק કોફ 12 હે પ્રભુ, ઊઠો; હે ઈશ્વર, દુષ્ટોને સજા કરવા તમારો હાથ ઉપાડો; તમે પીડિતોને વીસરી જશો નહિ. 13 દુષ્ટ કેમ ઈશ્વરની ઉપેક્ષા કરે છે? તે મનમાં એમ કેમ માને છે કે ઈશ્વર ખૂનનો બદલો નહિ લે? ר રેશ 14 પરંતુ હે ઈશ્વર, તમે બધું જ જુઓ છો અને સંકટ તથા દુ:ખમાં પડેલાને ધ્યાનમાં લો છો; તમે સહાય કરવા માટે સદા આતુર છો. નિરાધારો તમારે શરણે આવે છે; અને તમે તો અનાથોના બેલી છો! ש શીન 15 હે પ્રભુ, તમે દુષ્ટ અને દુરાચારીઓની શક્તિ તોડી પાડો, તેમનાં દુષ્ટ કૃત્યો માટે તેમને એવી સજા કરો કે તેઓ દુષ્ટતા આચરતા અટકી જાય! 16 પ્રભુ સાર્વકાલિક રાજા છે; તેમની ભૂમિ પરથી અન્ય દેવોના ઉપાસકો નષ્ટ થશે. ת તાવ 17 હે પ્રભુ, તમે પીડિતોનો પોકાર સાંભળો છો; તમે તેમના દયને હિંમત આપશો. 18 તમે શોષિતો અને અનાથોનો આર્તનાદ સાંભળીને તેમના પક્ષમાં ન્યાય તોળશો; જેથી મર્ત્ય માણસો હવે પછી જુલમ ગુજારે નહિ. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide