ગીતશાસ્ત્ર 1 - પવિત્ર બાઇબલ C.L.પ્રથમ ખંડ ( 1—41 ગીતો) બે માર્ગ 1 ધન્ય છે પ્રભુના લોકને કે જેઓ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતા નથી, પાપીઓના માર્ગમાં ઊભા રહેતા નથી, અને ઈશ્વરનિંદકોના સહવાસમાં બેસતા નથી; 2 એને બદલે, પ્રભુનું નિયમશાસ્ત્ર જ તેમનો આનંદ છે અને રાતદિવસ તેઓ તેનું મનન કરે છે. 3 તેઓ તો નદી પાસે રોપાયેલા વૃક્ષ સમાન છે; જે ઋતુ પ્રમાણે ફળ આપે છે અને જેનાં પાંદડાં કદી કરમાતાં નથી. તેમના પ્રત્યેક કાર્યમાં તેમને સફળતા સાંપડે છે. 4 પરંતુ દુષ્ટો એવા હોતા નથી; તેઓ તો પવનથી ઊડી જતાં ફોતરાં સમાન છે. 5 ન્યાયસભામાં દુષ્ટો ટકી શકશે નહિ, નેકજનોની સભામાં પાપીઓ બેસી શકશે નહિ, 6 કારણ, પ્રભુ નેકજનોના માર્ગની દેખરેખ રાખે છે, પરંતુ દુષ્ટોનો માર્ગ તેમને વિનાશ તરફ લઈ જશે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide