નીતિવચનો 9 - પવિત્ર બાઇબલ C.L.જ્ઞાન અને મૂર્ખાઈ 1 જ્ઞાને પોતાનું નિવાસસ્થાન બાંધ્યું છે, તેણે સાત સ્તંભ કોતરી કાઢયા છે. 2 તેણે મિજબાની માટે પશુ કાપ્યાં છે, મસાલેદાર દ્રાક્ષાસવ બનાવ્યો છે અને ભોજન તૈયાર કર્યું છે. 3 તે પોતાની દાસીઓને મોકલીને નગરના ઊંચા સ્થાનેથી જાહેર કરે છે: 4-5 “હે અબુધો, મારે ત્યાં આવો,” અને અજ્ઞાનીઓને આમંત્રણ આપે છે, “મારે ઘેર જમવા આવો અને મારો મસાલેદાર દ્રાક્ષાસવ પીઓ. 6 મૂરખોની સોબત તજો અને ભરપૂર જીવન જીવો અને સમજને માર્ગે ચાલો.” 7 ઉદ્ધતોને સુધારવાનો પ્રયત્ન કરનાર અપમાનિત થાય છે; દુષ્ટોને ઠપકો દેનાર નુક્સાન વહોરે છે. 8 ઉદ્ધતને કદી ઠપકો ન દે, નહિ તો તે તારો તિરસ્કાર કરશે, પણ જ્ઞાનીને ઠપકો દે, એટલે તે તારા પર પ્રેમ કરશે. 9 જ્ઞાનીને શિક્ષણ આપ એટલે તે વધુ જ્ઞાની થશે; નેકજનને શીખવ એટલે તેની વિદ્વતામાં વૃદ્ધિ થશે. 10 પ્રભુ પ્રત્યેનો આદરયુક્ત ડર એ જ વિદ્યાપ્રાપ્તિનો આરંભ છે, અને પરમપવિત્ર ઈશ્વર વિષેનું જ્ઞાન એ જ વિવેકબુદ્ધિ છે. 11 ઈશ્વરજ્ઞાનથી તારા આયુષ્યની વૃદ્ધિ થશે, અને તારા આવરદાનાં વર્ષોમાં વધારો થશે. 12 તારી પાસે જ્ઞાન હશે તો તેથી તને જ લાભ થશે, પણ તું ઉદ્ધતાઈથી વર્તીશ તો તારે જાતે તેનું પરિણામ ભોગવવું પડશે. 13 પણ મૂર્ખાઈ તો ચંચળ, નિર્લજ્જ અને અજ્ઞાન સ્ત્રી સમાન છે. 14 તે પોતાના ઘરના બારણે અથવા નગરના ઊંચાં સ્થાને આસન જમાવે છે, 15 અને ત્યાંથી પસાર થનારાઓને અને પોતાને માર્ગે સીધા ચાલ્યા જતા રાહદારીઓને પોકાર પાડીને બોલાવે છે: 16 “હે અબુધો, મારે ત્યાં આવો.” તે મૂર્ખોને ઉદ્દેશીને કહે છે: 17 “ચોરીને પીધેલું પાણી મીઠું લાગે છે, અને સંતાઈને ખાધેલો ખોરાક વધુ સ્વાદિષ્ટ લાગે છે.” 18 પણ તેનું આમંત્રણ સ્વીકારનારને ખબર નથી કે તેનું ઘર મૃતાત્માઓનો વાસ છે, અને તેના મહેમાનો સીધા મૃત્યુલોક શેઓલના ઊંડાણમાં ઊતરનારા છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide