નીતિવચનો 8 - પવિત્ર બાઇબલ C.L.જ્ઞાનની પ્રશસ્તિ 1 સાંભળો, જ્ઞાન પોકાર પાડે છે, અને વિવેકબુદ્ધિ ઊંચે સાદે બોલાવે છે. 2 રસ્તા પાસેના ટેકરાની ટોચે, ચાર રસ્તાના સંગમસ્થાને જ્ઞાન ઊભું છે. 3 તે નગરના પ્રવેશદ્વારે દરવાજા નજીક, અને ઘરના ઊંબરેથી મોટેથી પોકારે છે. 4 “હે લોકો, હું તમને સૌને ઉદ્દેશીને કહું છું; હું સમસ્ત માનવજાતને પોકાર પાડું છું. 5 ઓ અબુધો, તમે ચતુર બનો; ઓ મૂર્ખાઓ, તમે સમજણ પ્રાપ્ત કરો. 6 સાંભળો, કારણ કે મારે તમને ઉમદા વાતો કહેવાની છે, અને હું યથાયોગ્ય વાતો જ કહી બતાવીશ. 7 હું માત્ર સત્ય જ ઉચ્ચારીશ, અને જૂઠી બોલી મને ધિક્કારપાત્ર લાગે છે. 8 મારી પ્રત્યેક વાત હું પ્રામાણિક્તાપૂર્વક કહું છું; તેમાં કંઈ જ વાંકું કે વિપરીત નથી. 9 સમજદાર વ્યક્તિ માટે તે સાવ સીધી વાત છે, અને જાણકાર માણસ માટે તે સાવ સરળ વાત છે. 10 ચાંદી નહિ, પણ મારું શિક્ષણ અપનાવો, અને ચોખ્ખું સોનું નહિ, પણ વિદ્યા પસંદ કરો. 11 કેમકે જ્ઞાન કિમતી રત્નો કરતાં ચડિયાતું છે; જ્ઞાન કરતાં વિશેષ ઇચ્છવાજોગ બીજી કોઈ વસ્તુ નથી. 12 હું જ્ઞાન છું, ચતુરાઈ મારી સાથે જ વસે છે; વિદ્યા અને પારખશક્તિ મારી પાસેથી મળે છે. 13 ભૂંડાઈ પ્રત્યે ધિક્કાર એ જ પ્રભુ પ્રત્યે આદરયુક્ત ડર છે; હું અહંકાર, તુમાખી, દુરાચરણ તથા કપટી વાણીને ધિક્કારું છું. 14 મારી પાસે સાચી સલાહ અને વ્યવહારું જ્ઞાન છે; મારી પાસે સૂઝસમજ અને શક્તિ છે. 15 મારા વડે જ રાજાઓ રાજ ચલાવે છે, અને રાજવીઓ સારા કાયદાઓ ઘડે છે. 16 મારા વડે જ શાસકો શાસન ચલાવે છે, અને અધિકારીઓ અમલ ચલાવે છે. 17 મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ કરું છું, અને મને ખંતથી શોધનારને હું જડું છું. 18 સંપત્તિ અને કીર્તિ, કાયમી ધન અને સફળતા હું જ બક્ષું છું. 19 મારું પ્રતિફળ ઉત્કૃષ્ટ સોના કરતાં અને મારું વળતર શુદ્ધ ચાંદી કરતાં ચડિયાતું છે. 20 હું નેકીના માર્ગમાં ચાલું છું, અને ન્યાયના માર્ગને અનુસરું છું. 21 મારા પર પ્રેમ રાખનારને હું સંપત્તિ બક્ષું છું, અને તેમના ખજાના ભરી દઉં છું. 22 સૃષ્ટિસર્જનના આરંભે પોતાનાં સર્વ કાર્યો પહેલાં પ્રભુએ મને ઉત્પન્ન કર્યું. 23 યુગો પહેલાં, આદિકાળે, સૃષ્ટિ સર્જાઈ તે પહેલાં મારી સ્થાપના થઈ હતી. 24 મારો જન્મ થયો ત્યારે જળનિધિઓય નહોતા, કે જળસભર ઝરાઓય નહોતા. 25 પર્વતો તેમના પાયામાં ગોઠવાયા તે પહેલાં, અને ડુંગરાઓ પહેલાં મારો જન્મ થયો હતો. 26 ઈશ્વરે પૃથ્વી, ખેતરો અને ભૂમિની માટી સર્જ્યાર્ં તે પહેલાં મારું અસ્તિત્વ હતું. 27 ઈશ્વરે આકાશને સ્થાપિત કર્યું અને મહાસાગરોની ચોગરદમ મર્યાદા ઠરાવી ત્યારે પણ મારી હયાતી હતી. 28 જ્યારે તેમણે આકાશમાં વાદળો જમાવ્યાં, અને જળનિધિનાં ઝરણાં વહાવ્યાં ત્યારે હું ત્યાં હાજર હતું. 29-30 સમુદ્રો તેમની મર્યાદા ઓળંગે નહિ તે માટે ઈશ્વરે સમુદ્રોની સીમા ઠરાવી ત્યારે, અને તેમણે પૃથ્વીના પાયા આંકયા ત્યારેય એક કુશળ સ્થપતિ તરીકે હું તેમની સાથે હતું. હું પ્રતિદિન તેમને પ્રસન્ન રાખતું અને સદા તેમની સમક્ષ આનંદ માણતું. 31 વસ્તીવાળી પૃથ્વીથી હું હર્ષ પામતું હતું, અને માનવજાતથી મને આનંદ થતો. 32 હવે પુત્રો, મારી વાત સાંભળો, મારી આજ્ઞાઓ પાળનાર ધન્યવાદને પાત્ર છે. 33 શિખામણ સાંભળીને જ્ઞાની બનો; તેની ઉપેક્ષા કરશો નહિ. 34 મારા ઘરના પ્રવેશદ્વારે પ્રવેશ માટે પ્રતિદિન પ્રતીક્ષા કરનાર, અને મને યાનપૂર્વક સાંભળનાર સુખી થાય છે. 35 જેઓ મને પ્રાપ્ત કરે છે તેમને જીવન પ્રાપ્ત થાય છે, અને પ્રભુ તેમના પર પ્રસન્ન થાય છે. 36 પણ મારાથી વંચિત રહેનાર પોતાની જાતનું જ નુક્સાન વહોરી લે છે, અને મને ધિક્કારનાર મોત પસંદ કરે છે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide