Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 6 - પવિત્ર બાઇબલ C.L.


જામીનગીરીનું જોખમ

1 મારા પુત્ર, શું તું તારા પડોશીનો જામીન થયો છે? કે શું કોઈ અજાણ્યા માટે લેખિત બાંયધરી આપી છે?

2 શું તું તારા બોલથી બંધાયો છે? શું તું તારા પોતાના વચનથી ફસાયો છે?

3 તો મારા પુત્ર, તું એ માણસના સકંજામાં આવી ગયો છે; તો જલદી જા અને તને મુક્ત કરવા તેને નમ્રતાપૂર્વક આજીજી કર.

4 તું તારી જાતને નિદ્રાવશ ન થવા દે; અરે, તારી આંખને આરામ પણ ન લેવા દે.

5 પણ હરણી શિકારીના હાથમાંથી નાસી છૂટે, અને પંખી પારધીની જાળમાંથી છટકી જાય, તેમ તું સત્વરે આ બંધનમાંથી મુક્ત થઈ જા.


આળસ વિષે

6 ઓ આળસુ, તું કીડીઓ પાસે જઈને શીખ, તેમની જીવનચર્યા પરથી બોધપાઠ ગ્રહણ કર.

7 કીડીઓને કોઈ નેતા હોતો નથી, તેમને કોઈ નાયક કે શાસક હોતો નથી;

8 તોપણ તે ઉનાળામાં અનાજનો સંગ્રહ કરે છે, અને કાપણી વખતે ખોરાક એકત્ર કરે છે.

9 આળસુ, તું ક્યાં સુધી પથારીમાં આળોટ્યા કરીશ? ક્યારે તું નિદ્રા તજીને ઊભો થઈશ?

10 તું કહે છે, “થોડુંક વધારે ઊંઘી લેવા દો, એક ઝોકું ખાઈ લેવા દો; હું ટુંટિયું વાળીને જરાક આરામ કરી લઉં!”

11 પણ તેથી દરિદ્રતા તારા પર લૂંટારાની જેમ અને કંગાલાવસ્થા સશ માણસની જેમ તૂટી પડશે.


બદમાશી વિષે

12 બદમાશ અને હરામખોર માણસો જૂઠાણાં ઓક્તા ફરે છે.

13 તેઓ છેતરવા માટે આંખના મીંચકારા મારે છે, પગથી ઇશારા કરે છે, અને આંગળીથી નિર્દેશ કરે છે.

14 તેમનાં વિકૃત મનમાં હંમેશા કુટિલ યોજનાઓ ઘડાતી હોય છે, અને તેઓ સર્વ સ્થળે ફાટફૂટ પડાવવા મથે છે.

15 તેથી કશી ચેતવણી આપ્યા વિના આપત્તિ તેમના પર ત્રાટકશે, અને કોઈ ઉપાય વિના તેમનો અચાનક વિનાશ થશે.


સાત અવગુણ

16 પ્રભુ છ બાબતોને ધિક્કારે છે, અને સાત બાબતો પ્રત્યે તેમને સખત નફરત છે.

17 ગર્વિષ્ઠ આંખો, જૂઠું બોલનાર જીભ, નિર્દોષ જનોની હત્યા કરનાર હાથ,

18 કુટિલ યોજનાઓ ઘડનાર હૃદય, અધમતા આચરવા દોડી જતા પગ,

19 જૂઠાણાં પર જૂઠાણાં ઉચ્ચારતો સાક્ષી, અને સગાસંબંધીઓમાં ઝઘડાટંટા સળગાવનાર વ્યક્તિ,


નવમું સંબોધન વ્યભિચાર વિરુદ્ધ બીજી ચેતવણી

20 મારા પુત્ર, તારા પિતાની આજ્ઞાઓનું પાલન કર, અને તારી માતાએ આપેલા શિક્ષણનો ત્યાગ ન કર.

21 તેમની આજ્ઞાઓ અને શિક્ષણને સદા તારા હૃદયમાં સાચવી રાખ, અને તેમને તારે ગળે પહેરી રાખ.

22 તેમની શિખામણ તું ચાલતો હશે ત્યારે તને દોરશે, તું સૂતો હશે ત્યારે તારી ચોકી કરશે અને જ્યારે તું જાગીશ ત્યારે તને સલાહ આપશે.

23 કારણ, તેમનું શિક્ષણ દીપક સમાન અને તેમની આજ્ઞાઓ પ્રકાશ સમાન છે, અને ઠપકો તથા શિસ્ત જીવનમાર્ગે દોરે છે.

24 તે તને ચારિયહીન સ્ત્રીથી અને વેશ્યાના લોભામણા શબ્દોથી બચાવશે.

25 તેમની ખૂબસૂરતીથી તું લલચાઈ જઈશ નહિ, અને તેમની આંખોના ઇશારાથી તું ફસાઈ નહિ.

26 કેમ કે વેશ્યાને ચૂકવવાની કિંમત તો રોટલીના ટુકડા જેટલી નજીવી છે; પણ પરણેલી વ્યભિચારી સ્ત્રી તો જિંદગીનો ભોગ લે છે.

27 જો કોઈ માણસ પોતાના ખોળામાં અંગારા લે, તો શું એનાં વસ્ત્રો સળગ્યા વગર રહે?

28 જો કોઈ માણસ સળગતા અંગારા પર ચાલે, તો શું એના પગ દાઝયા વગર રહે?

29 પરસ્ત્રી સાથે સમાગમ કરનારના એ જ હાલ થશે; એવું કરનાર સજા પામ્યા વિના રહેશે નહિ.

30 કેવળ પોતાની ભૂખ ભાંગવા ચોરી કરતા ચોરને પણ શું લોકો ધિક્કારતા નથી?

31 જ્યારે તે પકડાઈ જાય ત્યારે તેણે સાતગણું ભરપાઈ કરવું પડે છે. અરે, પોતાના ઘરમાંનું સર્વસ્વ આપી દેવું પડે છે.

32 પણ વ્યભિચાર કરનાર તો અક્કલહીન છે; એવું કૃત્ય કરનાર પોતાનો જ વિનાશ નોતરે છે.

33 તેને ફટકા પડશે અને તે અપમાનિત થશે; તેનું કલંક કદી ભૂંસાશે નહિ.

34 કારણ, ઈર્ષાથી કોઇપણ પતિને ઝનૂન ચઢે છે, અને તેની વેરવૃત્તિમાં દયાને કોઈ સ્થાન નથી.

35 તે કોઈ વળતર કે કિંમત સ્વીકારશે નહિ, તારી ઘણી ભેટસોગાદો પણ તેનો ક્રોધ શમાવી શકશે નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan