Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 4 - પવિત્ર બાઇબલ C.L.


પાંચમું સંબોધન જ્ઞાનના લાભાલાભ

1 મારા પુત્રો, તમારા પિતાએ ફરમાવેલી શિસ્ત પ્રત્યે લક્ષ આપો; તે પ્રતિ ધ્યાન આપવાથી તમને પારખબુદ્ધિ પ્રાપ્ત થશે.

2 હું તમને ઉત્તમ બોધ આપું છું, તેથી મારા શિક્ષણની અવજ્ઞા કરશો નહિ.

3 એકવેળાએ હું પણ મારા પિતાનું બાળક હતો, અને કુમળી વયે માનો લાડકો હતો.

4 મારા પિતા મને શીખવતાં શીખવતાં કહેતા; “મારા શબ્દો તારા હૃદયમાં સાચવી રાખ, મારી આજ્ઞાઓને અનુસર એટલે તું ભરપૂર જીવન જીવવા પામશે.

5 ગમે તે ભોગે જ્ઞાન પ્રાપ્ત કર અને સમજ સંપાદન કર; સારાં શબ્દો વીસરી જઈશ નહિ અને તેમની અવજ્ઞા કરીશ નહિ.

6 જ્ઞાનનો ત્યાગ ન કર, એટલે તે તારું રક્ષણ કરશે; તેના પર પ્રેમ રાખ, એટલે તે તને સલામત રાખશે.

7 જ્ઞાનપ્રાપ્તિ જ તારે માટે સૌથી મહત્ત્વની બાબત છે; સર્વ સંપત્તિને ભોગે પણ સમજ પ્રાપ્ત કર.

8 જ્ઞાનને મહામૂલું ગણ એટલે તે તને ઉન્‍નન કરશે. જો તું તેને વળગી રહીશ તો તે તને ગૌરવ અપાવશે.

9 તે તારા શિર પર યશકલગી ચડાવશે; અને તારા માથા પર સુશોભિત મુગટ પહેરાવશે.”


છઠ્ઠું સંબોધન બે પ્રકારના માર્ગ

10 મારા પુત્ર મારું સાંભળ અને મારી સલાહ સ્વીકાર, તેથી તારું આયુષ્ય દીર્ઘ થશે.

11 હું તને જ્ઞાનનો માર્ગ બતાવું છું, અનેે તને પ્રામાણિક્તાના પંથે દોરી જાઉં છું.

12 એ માર્ગમાં ચાલીશ તો કંઈ અવરોધ નડશે નહિ, અને દોડીશ તો પણ ઠોકર ખાઈશ નહિ.

13 તેં સ્વીકારેલી શિસ્તમાં દૃઢ થા અને મંદ પડીશ નહિ, તારા જીવની જેમ તેનું જતન કર.

14 દુષ્ટોના માર્ગ પર તારો પગ માંડીશ નહિ, અને દુર્જનોનાં પગલાંમાં પગ મૂકીશ નહિ.

15 એ માર્ગને ટાળ; એ તરફ ફરક્તો પણ નહિ. ત્યાં જઈ ચડયો હોય તો પાછો ફર. અને તારે માર્ગે જ આગેકૂચ કર.

16 કારણ, દુષ્ટોને દુષ્કૃત્ય આચર્યા વિના ચેન પડતું નથી, અને કોઈ નિર્દોષને ન ફસાવે તો તેમની ઊંઘ ઊડી જાય છે.

17 કારણ, દુષ્ટતા જ તેમનો આહાર છે, અને હિંસા તેમને માટે આસવ સમાન છે.

18 નેકજનોનો માર્ગ પ્રભાતના પ્રથમ પ્રકાશ જેવો છે, જે મયાહ્ન સુધી ઉત્તરોત્તર વધતો જાય છે.

19 પણ દુષ્ટોનો માર્ગ રાત્રિના ઘોર અંધકાર જેવો છે, તેઓ પડી જાય પણ શાથી ઠોકર લાગી તે સમજતા નથી.


સાતમું સંબોધન

20 મારા પુત્ર, મારા શબ્દો ધ્યનથી સાંભળ, અને મારી વાત પ્રત્યે કાન ધર.

21 તેમને તારી નજર આગળથી દૂર થવા ન દે; તેમને તારા દયના ઊંડાણમાં રાખ;

22 એ શબ્દો તેમના સમજનારને માટે જીવનદાયક છે. અને તેના આખા શરીર માટે આરોગ્યદાયક છે.

23 પૂરા ખંતથી મારા મનની ચોકી રાખ, કારણ, તેમાંથી જ જીવન ઉદ્ભવે છે.

24 તારી વાણીમાં કંઈ કપટ હોવું જોઈએ નહિ, અને જૂઠા અને અપ્રામાણિક શબ્દો તારા હોઠોથી દૂર રાખ.

25 તારી આંખો માર્ગ તરફ સીધેસીધું જુએ, અને એકીટશે સામી દિશાએ તાકી રહે.

26 ચોક્સાઈપૂર્વકના આયોજનથી તારાં કાર્યો કર; એટલે, તને તારાં કાર્યોમાં સફળતા મળશે.

27 તારા યેયથી જમણી કે ડાબી તરફ લેશમાત્ર ફંટાતો નહિ, અને તારાં પગલાં ભ્રષ્ટતાથી દૂર રાખ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan