નીતિવચનો 31 - પવિત્ર બાઇબલ C.L.રાજમાતાની શિખામણો 1 લમૂએલ રાજાને તેની માતાએ ભારપૂર્વક આપેલી આ ગંભીર શિખામણ છે: 2 “મારા પુત્ર, મારી કૂખે જન્મેલા પુત્ર, મારી માનતાઓના ઉત્તરરૂપે મળેલા પુત્ર, હું તને શું કહું? 3 સ્ત્રીઓ પાછળ તારું પૌરુષત્વ ખર્ચી નાખીશ નહિ, અને રાજાઓને બરબાદ કરનાર સ્ત્રીઓને તારું શરીર વશ કરીશ નહિ. 4 હે લમૂએલ, દ્રાક્ષાસવ પીવો એ રાજાઓને શોભતું નથી, એ તેમને માટે ઘટારત નથી; અને મદિરાની ઝંખના કરવી રાજવીઓને માટે શોભાસ્પદ નથી. 5 નહિ તો તે મદિરાપાન કરીને નિયમ ભૂલી જાય અને જુલમપીડિતોના હક્ક ડૂબાવી દે. 6 મૃત્યુની અણી પર હોય તેને મદિરા અને દુ:ખમાં ડૂબેલાં હોય તેમને દ્રાક્ષાસવ આપ; 7 તેઓ ભલે પીને પોતાની ગરીબી ભૂલી જાય, અને તેમને પોતાના દુ:ખનું વિસ્મરણ થાય. 8 પોતાનો દાવો રજૂ ન કરી શકે તેમને માટે તું અવાજ ઉઠાવ, અને નિરાધારોના હક્કનું રક્ષણ કર. 9 તારું મુખ ઉઘાડીને પોકાર અને તેમને ન્યાય અપાવ, અને ગરીબ તથા જુલમપીડિતોની રક્ષા કર. આદર્શ પત્ની א આલેફ 10 આદર્શ પત્ની કોને મળે? તે હીરામોતી કરતાં વધુ મૂલ્યવાન છે. ב બેથ 11 તેનો પતિ તેના પર પૂરો ભરોસો રાખે છે, અને તેના પતિને કંઈ અછત રહેતી નથી. ג ગિમેલ: 12 જિંદગીભર તે તેનું ભલું જ કરે છે, અને ભૂંડું કદી નહિ. ד દાલેથ: 13 તે ઊન અને અળસીરેસા પસંદ કરીને લાવે છે, અને ખંતથી પોતાનું કામ કરે છે. ה હે: 14 વ્યાપારી વહાણની જેમ તે દૂરદૂરથી પોતાનું કરિયાણું લાવે છે. ו વાવ: 15 તે પરોઢ થાય તે પહેલાં ઊઠીને પોતાના પરિવાર માટે ભોજનનો પ્રબંધ કરે છે, અને દાસીઓને કામ વહેંચી આપે છે. ז ઝાયિન: 16 તે ખેતરની ચક્સણી કર્યા પછી તેને ખરીદે છે, અને પોતાની કમાણીમાંથી દ્રાક્ષવાડી રોપે છે. ח ખેથ: 17 તે કમર કાસીને પરિશ્રમ માટે તૈયાર રહે છે, તે મજબૂત હાથે કામ કરે છે. ט ટેથ: 18 તે પોતાના કામનું મૂલ્ય જાણે છે, તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી. י યોદ: 19 તે જાતે જ તકલીથી કાંતે છે, અને જાતે જ પોતાનાં વસ્ત્રો વણે છે. כ કાફ: 20 તે જુલમ પીડિતોને અને ગરીબોને ઉદાર હાથે આપે છે. ל લામેદ: 21 હિમ પડે ત્યારે પણ તેને કંઈ ચિંતા હોતી નથી; કારણ, તેના પરિવારના સભ્યો માટે ઊનનાં વસ્ત્રો છે. ם મેમ: 22 તે પથારી માટે ચાદરો બનાવે છે, અને તેનાં વસ્ત્રો જાંબુડી બારીક શણનાં છે. ן નૂન: 23 તેના પતિની ન્યાયસભામાં પ્રતિષ્ઠા છે, અને જાહેર સભામાં તેનું સ્થાન છે. ס સામેખ: 24 તે સ્ત્રી અળસીરેસાનાં વસ્ત્રો અને કમરબંધ બનાવે છે, અને વેપારીઓને વેચે છે. ע આયિન: 25 શક્તિ અને ગૌરવ તેનાં વસ્ત્રો છે, તે ભાવિની ચિંતાને હસી કાઢે છે. ץ પે: 26 તેના મુખમાંથી જ્ઞાનની વાતો નીકળે છે, અને તેની જીભ સ્નેહભરી શિખામણ આપે છે. צ ત્સાદે: 27 તે પોતાના ઘરકુટુંબની બરાબર દેખરેખ રાખે છે, અને આળસની રોટલી ખાતી નથી.” ק કોફ: 28 તેનાં બાળકો ઊઠીને તેને ધન્યવાદ આપે છે, અને તેનો પતિ પણ તેની પ્રશંસા કરે છે. ר રેશ: 29 તે કહે છે, “ઘણી સ્ત્રીઓ ગુણિયલ હોય છે, પણ તું એ સર્વમાં ઉત્તમ છે.” ש શીન: 30 લાવણ્ય ઠગારું છે અને સૌંદર્ય વ્યર્થ છે, પણ પ્રભુનો આદરયુક્ત ડર રાખનાર સ્ત્રી પ્રશંસા પામશે. ת તાવ: 31 તેના પરિશ્રમનો તેને પૂરો પુરસ્કાર આપો; તેનાં કામ માટે જાહેરમાં. તેનું સન્માન કરો! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide