નીતિવચનો 30 - પવિત્ર બાઇબલ C.L.આગૂરનાં કથનો 1 યાકેહના પુત્ર આગૂરનાં આ ગંભીર કથનો છે: કોઈક આવું બોલી ઊઠે છે: ઈશ્વર મારી સાથે નથી, ઈશ્વર મારી સાથે નથી. હું લાચાર છું. 2 સાચે જ હું મનુષ્ય નથી પણ પશુવત્ છું, અને મારામાં મનુષ્યની સમજ નથી. 3 હું દિવ્યજ્ઞાન પામ્યો નથી, તેમ જ મને પવિત્ર પરમેશ્વર કેવા છે તેની જાણકારી નથી. 4 કોણ સ્વર્ગમાં ચડીને પાછું નીચે ઊતર્યું છે? કોણે પવનને કદી પોતાની મુઠ્ઠીમાં પકડયો છે? કોણે મહાસાગરને વસ્ત્રમાં બાંધ્યો છે? કોણે પૃથ્વીની સર્વ સીમાઓ સ્થાપી છે? તેમનું નામ શું? અને તેમના પુત્રનું નામ શું? સાચે જ તને તો ખબર હશે! 5 ઈશ્વરનું દરેક કથન સાચું ઠરેલું છે, ઈશ્વરને શરણે જનાર માટે તે ઢાલરૂપ છે. 6 તેથી ઈશ્વર જે બોલ્યા છે તેમાં તું કંઈ ઉમેરો ન કર; નહિ તો ઈશ્વર તને ઠપકો આપશે અને તને જૂઠો પુરવાર કરશે. 7 હે ઈશ્વર, હું તમારી પાસે બે વરદાન યાચું છું; અને મને મરણપર્યંત તેમનાથી વંચિત રાખશો નહિ. 8 તમે મને છળકપટ અને જૂઠથી બચાવો; મને ન તો ગરીબી આપો કે ન તો અપાર સમૃદ્ધિ આપો, પણ મને મારો દૈનિક આહાર આપજો. 9 નહિ તો હું સમૃદ્ધિથી છકી જઈને, તમારો નકાર કરું, અને કહું કે, ‘યાહવે તે કોણ?’ અથવા, ગરીબ હોવાને લીધે ચોરી કરીને મારા ઈશ્વરના નામને બટ્ટો લગાડું. બીજાં સુભાષિતો 10 કોઈપણ નોકરની તેના શેઠ સમક્ષ નિંદા ન કર; નહિ તો તે તને શાપ દેશે અને તું દોષપાત્ર ઠરશે. ચાર પ્રકારના પાપીઓ 11 એવા લોકો પણ હોય છે જેઓ પોતાના પિતાને શાપ દે છે, અને પોતાની જનેતાની કદર બૂજતા નથી. 12 એવા લોકો પણ હોય છે જેઓ પોતાને શુદ્ધ માને છે, પણ તેમની મલિનતાથી શુદ્ધ થયા નથી. 13 એવા લોકો પણ હોય છે જેમની આંખોમાં ઘમંડ હોય છે, અને જેઓ સૌને તુચ્છકારની નજરે જુએ છે. 14 એવા લોકો પણ હોય છે જેમના દાંત તલવાર જેવા અને જેમની દાઢો ક્સાઈની છરી જેવી તીક્ષ્ણ હોય છે. તેઓ પૃથ્વી પરથી કચડાયેલાઓને અને લોકોમાંથી ગરજવાનોને ફાડી ખાય છે. સંખ્યાસૂચક સુભાષિતો ચાર અતૃપ્ત બાબતો 15 જળોને બે દીકરીઓ હોય છે; તેમનાં નામ છે: “આપ, આપ!” વળી, ત્રણ વસ્તુઓ કદી તૃપ્ત થતી નથી, અને “બસ” એમ કદી ન કહેનાર ચાર બાબતો છે: 16 મૃત્યુલોક શેઓલ, વંધ્યાનું ઉદર, વર્ષાના અભાવે તરસી ભૂમિ, અને ભભૂકી ઊઠેલી આગ! 17 પિતાની મશ્કરી કરનાર અને વૃદ્ધ માતાની ઘૃણા કરનાર પુત્રની આંખો ખીણના કાગડા કોચી કાઢશે અને ગીધડાં તેમનો ભક્ષ કરશે. ચાર ગૂઢ બાબતો 18 ત્રણ વાતો મને અદ્ભુત લાગે છે, અને ચાર બાબતો હું સમજી શક્તો નથી: 19 આકાશમાં ઊડતા ગરુડનો માર્ગ, ખડક પર સરક્તા સાપનો માર્ગ, અને મહાસાગરમાં વહાણનો માર્ગ, અને સ્ત્રી સાથે પુરુષનો વ્યવહાર! 20 વ્યભિચારી સ્ત્રીનું વર્તન આવું હોય છે: તે ખાઈને પોતાનું મુખ લૂછી નાખે છે; પછી કહે છે, “મેં કંઈ દુષ્કર્મ કર્યું જ નથી!” ચાર અસહ્ય બાબતો 21 ત્રણ વાતોને લીધે ધરતી કાંપે છે, અને ચાર બાબતો તે સહન કરી શક્તી નથી; 22 જ્યારે કોઈ ગુલામ રાજા બને છે; જ્યારે કોઈ મૂર્ખને પેટભરીને ભાવતાં ભોજન મળે છે; 23 જ્યારે અણમાનીતી પત્ની પતિ પાસેથી વૈવાહિક અધિકાર મેળવે છે; જ્યારે દાસી શેઠાણીનું સ્થાન પ્રાપ્ત કરે છે. ચાર નાના, પણ અજાયબ જીવો 24 પૃથ્વી પર ચાર પ્રાણી નાનાં છે, પણ તે સૌથી શાણાં છે: 25 કીડી જાતની નાજુક છે, પણ તે ઉનાળામાં ખોરાકનો સંગ્રહ કરે છે. 26 સસલાંની જાત ખૂબ નિર્બળ છે, છતાં તેઓ ખડકોમાં પોતાના દર બનાવે છે. 27 તીડોને કોઈ રાજા હોતો નથી, છતાં તેઓ ક્તારબદ્ધ ચાલે છે. 28 ગરોળીને હાથથી પકડી શકાય છે, છતાં તે રાજમહેલમાં પણ મળી આવે છે. ચાર દમામદાર પ્રાણીઓ 29 ત્રણ જાતનાં પ્રાણીઓની ચાલ દમામદાર હોય છે; ચાર પ્રાણીઓની ચાલ ગૌરવવંતી હોય છે: 30 સિંહ પશુઓમાં સૌથી બળવાન મનાય છે, તે કોઈની સામે પોતાનો માર્ગ બદલતો નથી, 31 ગરદન ફુલાવી ચાલતો કૂકડો, અથવા બકરો, પ્રજાની આગળ દમામભેર ચાલતો રાજા. મૂર્ખાઈની વિટંબણાઓ 32 જો તેં પોતાનાં વખાણ કરીને મૂર્ખાઈ કરી હોય, અને જો તેં કાવતરું ઘડયું હોય તો થોભીને વિચાર કર. 33 કારણ, દહીં વલોવ્યાથી માખણ નીપજે છે, અને નાક મચડવાથી લોહી ફૂટી નીકળે છે, તેમ જ ક્રોધ છંછેડવાથી ઝઘડા ઊભા થાય છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide