નીતિવચનો 3 - પવિત્ર બાઇબલ C.L.ત્રીજું સંબોધન યુવાનોને શિખામણ 1 મારા પુત્ર, મારા શિક્ષણને વીસરી ન જા, અને મારી આજ્ઞાઓને તારા હૃદયમાં સંઘરી રાખ. 2 મારું શિક્ષણ તને દીર્ઘાયુષ્ય અને આબાદી બક્ષશે. 3 નિષ્ઠા અને સચ્ચાઈનો કદી ત્યાગ કરીશ નહિ, તું તેમને તારા ગળાનો હાર બનાવ; અને તારા દયપટ પર અંક્તિ કર. 4 આમ કરવાથી તું ઈશ્વરની અને માણસોની દષ્ટિમાં સદ્ભાવ અને સંમતિ પ્રાપ્ત કરીશ. 5 પૂરા દયથી પ્રભુ પર ભરોસો રાખ; માત્ર તારી પોતાની જ સમજણ પર આધાર રાખીશ નહિ. 6 તારાં બધાં કાર્યોમાં ઈશ્વરનું આધિપત્ય સ્વીકાર, અને તે તને સીધે માર્ગે દોરશે. 7 તું પોતાને જ્ઞાની માની બેસીશ નહિ; પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને દુષ્ટતાથી દૂર થા. 8 એમ કરવું એ તારા શરીર માટે સંજીવની સમાન થશે, અને તારા અંગેઅંગને તાજગીદાયક બનશે. 9 તારી સંપત્તિ વડે પ્રભુનું સન્માન કર, અને તારી સર્વ ઊપજના પ્રથમફળનું તેમને અર્પણ ચડાવ. 10 ત્યારે તારા કોઠારો ધાન્યથી ઊભરાશે, અને તારા દ્રાક્ષકુંડો દ્રાક્ષાસવથી છલકાશે. 11 મારા પુત્ર, પ્રભુએ ફરમાવેલી શિસ્તનો અનાદર કરીશ નહિ, અને તે તને સુધારવા ચાહે તો માઠું લગાડીશ નહિ. 12 જેમ પિતા પોતાના લાડકા પુત્રને સુધારવા ચાહે છે, તેમ પ્રભુ પોતાનાં પ્રિયજનોને સુધારે છે. જ્ઞાનની મૂલ્યવાન ભેટ 13 જ્ઞાન પ્રાપ્ત કરનાર માણસ પરમસુખી છે, અને પારખબુદ્ધિ મેળવનાર માણસ ધન્યવાદને પાત્ર છે. 14 કારણ, ચાંદીની પ્રાપ્તિ કરતાં જ્ઞાનપ્રાપ્તિ અધિક લાભદાયી છે, અને સુવર્ણપ્રાપ્તિ કરતાં પણ અધિક મૂલ્યવાન છે. 15 જ્ઞાન રત્નોથીયે વધુ કીમતી છે, તારી ઝંખેલી કોઈપણ ઈષ્ટ વસ્તુ સાથે તેની તુલના થઈ શકે નહિ. 16 જ્ઞાનના જમણા હાથમાં તારે માટે દીર્ઘાયુષ્ય છે, અને તેના ડાબા હાથમાં સંપત્તિ અને સન્માન છે. 17 જ્ઞાન તારા જીવનને આનંદમય બનાવે છે, અને તારા માર્ગમાં તને કલ્યાણ બક્ષે છે. 18 જ્ઞાન તેને ગ્રહણ કરનાર માટે ‘જીવનના વૃક્ષ’ જેવું છે, અને તેને વળગી રહેનાર સલામત રહે છે. સર્જનાત્મક જ્ઞાન 19 પ્રભુએ જ્ઞાન વડે પૃથ્વી રચી હતી, અને સમજ વડે આકાશને સ્થાપન કર્યું હતું. 20 તેમના જ્ઞાન વડે ઊંડાણમાંથી ઝરણાં વહેવા માંડયાં, અને વાદળોએ ઝાકળ વરસાવ્યું. ચોથું સંબોધન જ્ઞાનીની સલામતી અને ફરજો 21 મારા પુત્ર, વ્યવહારુ જ્ઞાન અને વિવેકબુદ્ધિને પકડી રાખ, અને તેમના પર તારી નજર સતત રાખ. 22 તેઓ તારે માટે સંજીવની સમાન થશે, અને તારા ગળા માટે શોભાનું આભૂષણ બની રહેશે. 23 ત્યારે તું તારા માર્ગમાં સહીસલામતીપૂર્વક જઈ શકીશ, અને તારા પગ ઠોકર ખાશે નહિ. 24 રાત્રે સૂતી વેળાએ તને ડર લાગશે નહિ, અને તને ગાઢ નિદ્રા આવશે. 25 અચાનક આવી પડતી આપત્તિઓનો કે દુષ્ટો દ્વારા કરાતા આક્રમણનો તને ભય રહેશે નહિ. 26 કારણ, પ્રભુ પોતે તારા રક્ષક છે; તે તને કોઈપણ ફાંદામાં ફસાવા દેશે નહિ. 27 કોઈને તારી મદદની જરૂર હોય અને તું એને મદદ કરી શકે તેમ હોય, તો તેને ના પાડીશ નહિ. 28 જો આજે જ તારા પડોશીને તું મદદ કરી શકે તેમ હોય, તો તેને “પછીથી આવજે, હું તને કાલે આપીશ” એમ ના કહીશ. 29 તારા પડોશીને નુક્સાન થાય એવી કોઈ યોજના કરીશ નહિ, કારણ, તે તારા વિશ્વાસે તારી પડોશમાં વસે છે. 30 તારું કયારેય કશું ખોટું કર્યું નથી તેવી વ્યક્તિ સાથે વિના કારણ વાદવિવાદ ન કર. 31 જુલમીની અદેખાઈ કરીશ નહિ, અને તેના વર્તનનું અનુકરણ કરીશ નહિ. 32 કારણ, ભ્રષ્ટતા આચરનારને પ્રભુ ધિક્કારે છે, પરંતુ સજજનોને તે વિશ્વાસપાત્ર ગણે છે. 33 દુષ્ટોના ઘર પર પ્રભુનો શાપ ઊતરે છે, પણ નેકજનોના નિવાસ પર તેમની આશિષ વરસે છે. 34 પ્રભુ ઉદ્ધતોની ઉપેક્ષા કરે છે; પરંતુ નમ્રજનો પર પોતાની કૃપા વરસાવે છે. 35 જ્ઞાનીઓ ગૌરવી વારસો પામશે, પણ મૂર્ખજનો તો પોતાની અપકીર્તિમાં વૃદ્ધિ કરશે! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide