નીતિવચનો 29 - પવિત્ર બાઇબલ C.L.1 વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ. 2 નેકજનોના શાસનમાં પ્રજા આનંદી રહે છે, પણ દુષ્ટના અધિકારમાં લોકો નિસાસા નાખે છે. 3 જ્ઞાનપ્રેમી પુત્ર માબાપને આનંદ પમાડશે, પરંતુ વેશ્યાઓનો સંગ કરનાર પોતાની સંપત્તિ ઉડાવી દેશે. 4 ઇન્સાફ દ્વારા રાજા તેના દેશને સ્થિર શાસન આપશે, પણ પ્રજાનું શોષણ કરનાર દેશને બરબાદ કરશે. 5 પોતાના મિત્રને ફોસલાવનાર માણસ તેના મિત્રના પગ માટે જાળ બિછાવે છે. 6 દુષ્ટ માણસનો અપરાધ એક ફાંદારૂપ છે, પણ નેકજન તેમાંથી છટકી જઈને હર્ષાનંદ કરે છે. 7 નેકજન કંગાલોના અધિકારોની રક્ષા કરે છે, પણ દુષ્ટને એવી કંઈ દરકાર હોતી નથી. 8 ઘમંડી માણસો આખા નગરને ઉશ્કેરે છે, પણ જ્ઞાની માણસો ક્રોધાગ્નિ શમાવે છે. 9 જો જ્ઞાની માણસ મૂર્ખ વિરુદ્ધ કેસ માંડે, તો તેને જંપ રહેશે નહિ, કારણ, મૂર્ખ તેની નિંદા અને મશ્કરી કરશે. 10 ઘાતકી માણસો પ્રામાણિક માણસોને ધિક્કારે છે, તેઓ સદાચારીઓનો જીવ લેવા મથે છે. 11 મૂર્ખ પોતાનો ક્રોધ પૂરેપૂરો વ્યક્ત કરે છે, પરંતુ જ્ઞાની માણસ ક્રોધને કાબૂમાં રાખે છે. 12 જો શાસનર્ક્તા અફવાઓ પર લક્ષ આપશે, તો તેના અધિકારીઓ નિ:શંક દુષ્ટ બનશે. 13 ગરીબ અને તેના જુલમગાર વચ્ચે આ સામ્ય છે: તે બન્નેની આંખોને પ્રભુ જ પ્રકાશ આપે છે. 14 જો રાજા સચ્ચાઈથી ગરીબોનો ન્યાય તોળે, તો તેનું રાજ્યાસન સદા સલામત રહેશે. 15 શિક્ષાની સોટી અને સુધારવાની શિખામણ જ્ઞાનદાયક છે, પણ અંકુશ વિના ઉછરેલું બાળક તેની માતાને કલંક લગાડે છે. 16 દુષ્ટોની ચડતી થાય છે ત્યારે ગુનાખોરી વધે છે, પણ નેકજનો આવા દુષ્ટોની દુર્દશા નિહાળશે. 17 તારા પુત્રને શિસ્તમાં કેળવ, તો તે તને નિરાંત પમાડશે, અને તારા મનને આનંદ આપશે. 18 ઈશ્વરની દોરવણીને અભાવે લોકો સ્વેચ્છાચારી બની જાય છે. પરંતુ નિયમશાસ્ત્ર પાળનાર પ્રજા સદા આશિષ પામે છે. 19 એકલા શબ્દોથી નોકરને શિક્ષા લાગતી નથી, કારણ, તે શબ્દો સમજે છે, પણ તે ગણકારતો નથી. 20 વગરવિચાર્યે ઉતાવળથી બોલનાર માણસ કરતાં કોઈ મૂર્ખ માટે વધુ આશા રાખી શકાય. 21 જો નોકરને બાળપણથી જ લાડમાં ઉછેરવામાં આવે તો આખરે તેને અંકુશમાં રાખવો મુશ્કેલ બનશે. 22 ક્રોધી માણસ ઝઘડા સળગાવે છે અને ઉગ્ર સ્વભાવનો માણસ ઘણા અપરાધ કરે છે. 23 માણસનો અહંકાર તેને હલકો પાડશે, પરંતુ વિનમ્ર માણસ સન્માન પ્રાપ્ત કરશે. 24-25 ચોરી કરવામાં સાથ આપનાર પોતાનો જ દુશ્મન બને છે; તે અદાલતમાં શપથ લે પણ સાચી સાક્ષી આપી શક્તો નથી. 26 રાજર્ક્તાની કૃપા તો સૌ કોઈ શોધે છે, પરંતુ ન્યાય તો માત્ર પ્રભુ પાસેથી જ મળે છે. 27 નેકજનો માટે કપટ આચરનારા ઘૃણાસ્પદ છે; તેમ જ દુષ્ટો સજ્જનોને ઘૃણાસ્પદ ગણે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide