નીતિવચનો 27 - પવિત્ર બાઇબલ C.L.1 આવતી કાલ વિષે બડાઈ ન કર; કારણ, એક દિવસમાં શું થઈ જશે તે તું જાણતો નથી. 2 બીજા ભલે તારાં વખાણ કરે, પણ તું તારે મુખે તારાં વખાણ ન કર; પારકો ભલે તારી પ્રશંસા કરે, પણ તું પોતે ન કર. 3 પથ્થર વજનદાર અને રેતી ભારે લાગે છે; પણ મૂર્ખનો ત્રાસ એ બન્ને કરતાં વધારે ભારે છે. 4 ક્રોધ નિર્દય અને રોષ ભયાનક હોય છે, પણ ઈર્ષા આગળ કોણ ટકી શકે? 5 ગુપ્ત પ્રેમ કરતાં નિખાલસ ઠપકો વધુ સારો છે. 6 મિત્રે કરેલા ઘા ભલા માટે હોય છે, પણ શત્રુનાં તો ચુંબનોય દગાબાજ હોય છે. 7 ધરાયેલો માણસ મધથી પણ કંટાળે છે, પણ ક્ષુધાતુરને કડવી ચીજ પણ મીઠી લાગે છે. 8 પોતાના મુકામથી ભટકી ગયેલો માણસ પોતાનો માળો તજીને ભમનાર પક્ષી જેવો છે. 9 સુવાસિત અત્તર અને સુગંધીદાર ધૂપથી હૃદય હર્ષ પામે છે; તેમ મિત્રની હાર્દિક સલાહની મીઠાશ અંતરને આનંદ આપે છે. 10 પોતાના મિત્રને અરે, તારા પિતાના મિત્રને પણ તજીશ નહિ, એમ કરીશ તો આપદ્કાળે ભાઈને ત્યાં દોડી જવાની જરૂર પડશે નહિ; દૂર રહેતા ભાઈ કરતા નજીકનો પડોશી વધારે મદદરૂપ બનશે. 11 મારા પુત્ર, તું જ્ઞાની બનીશ તો મને આનંદ થશે, અને હું મારી નિંદા કરનારને પ્રત્યુત્તર આપી શકીશ. 12 ચતુર માણસ જોખમ આવતું જોઈને સંતાઈ જાય છે, પરંતુ અબુધ આગળ ધપીને આપત્તિ વહોરી લે છે. 13 અજાણ્યાના જામીન થનારનાં વસ્ત્રો પણ ગીરવે રાખવાં અને પરદેશીના જામીન થનારનો અવેજ તાબામાં રાખવો. 14 પરોઢિયે ઊઠીને મિત્રને મોટે સાદે દીધેલો આશીર્વાદ તેને શાપ સમાન લાગશે. 15 ચોમાસામાં સતત વરસતા વરસાદની જેમ કજિયાખોર પત્ની પણ ત્રાસદાયક છે; 16 એવી પત્નીને રોકવી એ પવનને રોકવા કરતાં અને હાથમાં અત્તરની સુગંધ પકડી રાખવા કરતાં વધુ મુશ્કેલ છે! 17 જેમ લોઢું લોઢાના ઓજારને ધારદાર બનાવે છે, તેમ મિત્રો એકમેકની બુદ્ધિશક્તિને સતેજ કરે છે. 18 અંજીરી સાચવનાર તેનાં ફળ ખાશે, તેમ જ માલિકની સેવા કરનાર સન્માન પામશે. 19 જેમ પાણીમાં મુખનું પ્રતિબિંબ પડે છે, તેમ માણસના દયનું પ્રતિબિંબ બીજાના હૃદયમાં પડે છે. 20 મૃત્યુલોક શેઓલ અને વિનાશક ક્યારે ય તૃપ્ત થતાં નથી, તેમ માણસની આંખોની લાલસા કદી સંતોષાતી નથી. 21 ચાંદીની પરખ કુલડીમાં અને સોનાની પરખ ભઠ્ઠીમાં થાય છે. તેમ માણસની પરખ તેની પ્રશંસા પરથી થાય છે. 22 તું મૂર્ખને ખાંડણીમાં સાંબેલાથી અનાજની જેમ ખાંડે, તો પણ તેની મૂર્ખતા તેનાથી છૂટી પડશે નહિ! પશુધનની સંભાળ 23-24 સંપત્તિ સદાકાળ ટક્તી નથી; અરે, રાજગાદી પણ વંશપરંપરા ટક્તી નથી; માટે, તારા પશુધનની પરિસ્થિતિ વિષે માહિતગાર રહે, અને ખંતથી તેમની કાળજી રાખ; 25 તેથી જ્યારે ઘાસ કપાય અને તેને સ્થાને કુમળું ઘાસ ફૂટી નીકળે અને ટેકરીઓના ઢોળાવ પરનો ઘાસચારો એકઠો કરી લેવામાં આવે, 26 ત્યારે પણ ઘેટાં તને વસ્ત્રો માટે ઊન પૂરું પાડશે, અને બકરાંના બદલામાં તું ખેતરો ખરીદી શકીશ; 27 તેમ જ બકરીના દૂધથી તારું, તારા પરિવારનું અરે, તારા નોકરચાકરનું પણ પોષણ થશે! |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide