નીતિવચનો 26 - પવિત્ર બાઇબલ C.L.1 મૂર્ખને મળતું સન્માન ઉનાળામાં પડતા હિમ જેવું અને કાપણી સમયે પડતા વરસાદ જેવું અનુચિત છે. 2 વિનાકારણ દીધેલો શાપ ભટક્તી ચકલી અને આમતેમ ઊડતા અબાબીલ પક્ષીની જેમ કોઈનાય પર ઊતરતો નથી. 3 ઘોડા માટે ચાબુક અને ખચ્ચર માટે લગામ હોય છે, તેમ મૂર્ખની પીઠ માટે સોટી છે. 4 મૂર્ખને તેની મૂર્ખાઈ પ્રમાણે ઉત્તર ન આપ, નહિ તો તું પણ તેના જેવો મૂર્ખ ગણાઈશ. 5 મૂર્ખને તેની મૂર્ખાઈને અનુરૂપ ઉત્તર આપ, નહિ તો તે પોતાને જ્ઞાની સમજશે. 6 મૂર્ખને હાથે સંદેશો મોકલનાર જાણે પોતાનો જ પગ કાપે છે; તે પોતાનું જ નુક્સાન વહોરી લે છે. 7 મૂર્ખના મુખમાંની કહેવત તે લંગડા માણસના લૂલા પગ જેવી અસંગત હોય છે. 8 ગોફણમાં પથ્થરને સજ્જડ બાંધી દેવો અને મૂર્ખને સન્માન આપવું એ બન્ને નિરર્થક છે! 9 મૂર્ખના મુખમાંની કહેવત છાકટા હાથમાં ભોંક્યેલ કાંટા જેવી નકામી છે. 10 મૂર્ખ અને શરાબી માણસને કામ સોંપવું તે તીરંદાજ વટેમાર્ગુઓને આડેધડ ઘાયલ કરે તેના જેવું અર્થહીન છે. 11 જેમ કૂતરો પોતે ઓકેલું ખાવા માટે પાછો જાય છે, તેમ જ મૂર્ખ પોતાની મૂર્ખાઈનું પુનરાવર્તન કર્યા કરે છે. 12 પોતાની જાતને વિદ્વાન માની બેઠેલા માણસ કરતાં મૂર્ખના ભાવિ માટે વિશેષ આશા રાખી શકાય! 13 “રસ્તા પર સિંહ છે! શેરીમાં સિંહ છે!” એવું કહીને આળસુ ઘર બહાર નીકળતો નથી; 14 જેમ બારણું મિજાગરા પર ફરે છે, તેમ જ આળસુ પોતાની પથારીમાં આળોટયા કરે છે. 15 આળસુ ભોજનની થાળીમાં હાથ મૂકે છે તો ખરો, પણ હાથને મુખ સુધી લાવતાં પણ તેને થાક લાગે છે! 16 યોગ્ય ઉત્તર આપી શકે તેવા સાત માણસો કરતાં, આળસુ પોતાને વધુ જ્ઞાની સમજે છે. 17 પારકાના ઝઘડામાં પડીને ઉશ્કેરાટમાં આવી જવું એ રખડતા કૂતરાના કાન ખેંચવા જેવું છે. 18-19 બીજાને છેતર્યા પછી એમ કહેવું કે, “હું તો માત્ર મજાક ઉડાવતો હતો!” તે સળગતા ખોયણાં, તીક્ષ્ણ તીર અને ક્તિલ શસ્ત્રોથી ખેલતા પાગલ જેવું છે. 20 જેમ બળતણના અભાવે અગ્નિ ઓલવાઈ જાય છે, તેમ કાન ભંભેરનારને અભાવે ઝઘડા શમી જાય છે. 21 જેમ ધમણ અંગારાને અને અગ્નિ લાકડાંને પેટાવે છે, તેમ જ ઝઘડાખોર માણસ કજિયા સળગાવે છે. 22 કૂથલીના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે; તે અભ્યંતરમાં સરળતાથી ઊતરી જાય છે. 23 જેમ ઢોળ ચડાવવાથી માટીના પાત્રની ક્ષુદ્રતા ઢંકાઈ જાય છે, તેમ જ મીઠી વાતોથી કુટિલ ઇરાદાઓ ઢંકાઈ જાય છે. 24 દ્વેષી માણસ કપટી વાણીથી છેતરે છે; કારણ, તેનું હૈયું કપટથી ભરેલું છે. 25 તેની મીઠી મીઠી વાતો પર ભરોસો રાખતો નહિ, કારણ, તેના હૃદયમાં સાતગણી ઘૃણા છે. 26 ગમે તેવી ચતુરાઈથી તે પોતાની ઘૃણાને છુપાવે, તો પણ તેની દુષ્ટતા સૌની સમક્ષ ઉઘાડી પડશે. 27 અન્ય માટે ખાડો ખોદનાર પોતે જ તેમાં પડશે, અને બીજાની તરફ પથ્થર ગબડાવનાર પોતે જ કચડાઈ જશે. 28 જૂઠાબોલી જીભ તેનો ભોગ બનનારા પર દ્વેષ રાખે છે, અને ખુશામતખોર મોં બરબાદી લાવે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide