નીતિવચનો 25 - પવિત્ર બાઇબલ C.L.શલોમોન રાજાનાં વધુ સુભાષિતો 1 આ સુભાષિતો પણ શલોમોન રાજાનાં છે અને યહૂદિયાના રાજા હિઝકિયાના લહિયાઓએ તેમની નકલ ઉતારી હતી: 2 ઈશ્વરની પ્રશંસા તેમની અગમ્યતાને લીધે થાય છે; જ્યારે રાજાની પ્રશંસા રહસ્યો ઉકેલવાની તેની આવડતને લીધે થાય છે. 3 આકાશની ઊંચાઈ અને અધોલોકની ઊંડાઈની જેમ રાજાઓનું મન અકળ હોય છે. 4 ચાંદીમાંથી ભેગ દૂર કર્યા પછી જ સોની તેમાંથી આભૂષણ ઘડી શકે છે; 5 તેમ જ દુષ્ટોને રાજાની હજૂરમાંથી હાંકી કાઢવામાં આવે તો ન્યાય-નેકી દ્વારા તેનું રાજ્યાસન સ્થિર થશે. 6 રાજદરબારમાં પોતાને આગળ કરીશ નહિ, અને મહાનુભાવોના ઊંચા સ્થાને બેસીશ નહિ. 7 કારણ, રાજા તને ઉચ્ચ આસન પરથી ઊઠી જવાનું કહે, એ કરતાં રાજા પોતે તને ઉચ્ચ આસને બેસાડે એ વધારે સારું છે. 8 તારી નજરે જોયેલી વાત માટે પણ દાવો માંડતા પહેલાં પૂરી ચોક્સાઈ કર; નહિ તો તારો પ્રતિવાદી તારી વાતનું ખંડન કરે, ત્યારે તારે ભોંઠા પડવું પડશે. 9 જો કોઈ વ્યક્તિ સાથે તારે મતભેદ હોય તો પરસ્પર મંત્રણાથી તેનો ઉકેલ લાવ અને એકમેકની ખાનગી વાતો પ્રગટ ન કર; 10 નહિ તો એ વાત સાંભળનારા તારી નિંદા કરશે, અને તારી કાયમની બદનામી થશે. 11 પ્રસંગને અનુસરીને યોગ્ય રીતે બોલાયેલો શબ્દ રૂપાની ટોપલીમાં સોનાના ફળ જેવો છે. 12 જ્ઞાની માણસની શિખામણ પર લક્ષ આપવા તૈયાર હોય તેવા માણસ માટે તે કાનનાં સોનેરી કુંડળ અને સોનાનાં આભૂષણ જેવી છે. 13 ભરોસાપાત્ર સંદેશક તેને મોકલનાર શેઠ માટે કાપણીની ગરમીમાં શીતળ હિમ જેવો લાગે છે; તે પોતાના શેઠના જીવને તાજગી આપે છે. 14 જે માણસ દાન આપવાની બડાઈ હાંકે છે પણ આપતો નથી, તે ભેજ વગરનાં સૂકાં વાદળ અને વાયુ જેવો છે. 15 ધીરજપૂર્વકની સમજાવટથી મોટા અધિકારીને મનાવી શકાય છે, અને નમ્ર વાણી કઠોરતા દૂર કરે છે. 16 જ્યારે મધ મળી આવે ત્યારે જરૂર પૂરતું જ ખા; વધુ પડતું ખાવાથી તને ઊલટી થશે. 17 તારા પાડોશીના ઘરમાં વારંવાર જઈશ નહિ; નહિ તો એ તારાથી કંટાળીને તારો તિરસ્કાર કરવા લાગશે. 18 મિત્રો વિરુદ્ધ જૂઠી સાક્ષી આપનાર ફરસી, તલવાર કે તીક્ષ્ણ તીર જેવો ક્તિલ છે. 19 વિશ્વાસઘાતી માણસમાં સંકટ સમયે મૂકેલો વિશ્વાસ, એ તો સડેલા દાંત કે તૂટેલા પગ પર ભરોસો મૂકવા સમાન છે. 20 ભગ્ન દયવાળા માણસ આગળ આનંદી ગીતો લલકારવાં તે શિયાળાની ઠંડીમાં કોઈનાં વસ્ત્રો ઝૂંટવી લેવા સમાન કે ઘા પર સરકો રેડવા સમાન છે. 21 જો તારો શત્રુ ભૂખ્યો હોય તો તેને ખોરાક આપ; જો તે તરસ્યો હોય તો તેને પાણી પા. 22 એમ ઉપકાર કરવાથી તું તેને શરમથી ભોંઠો પાડશે, અને પ્રભુ તને તારા સર્ત્ક્યનો બદલો આપશે. 23 જેમ મોસમી પવનો વરસાદ લાવે છે, તેમ જ ચુગલીખોર જીભ ક્રોધ ઉત્પન્ન કરે છે. 24 કજિયાખોર પત્ની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાસીના એક ખૂણામાં વસવું વધારે સારું છે. 25 પરદેશથી આવેલ શુભ સમાચાર, તરસ્યા જીવને પાયેલા શીતલ જળ સમાન છે. 26 દુષ્ટની સામે નેકજનને નમતું જોખવું પડે એ ડહોળાયેલા ઝરણા જેવું અથવા પ્રદૂષિત કૂવા જેવું અસહ્ય છે. 27 વધુ પડતું મધ ખાવું તે નુક્સાનકારક છે; તેમ જ અતિશય ખુશામત સ્વીકારવી હાનિકારક છે. 28 પોતાના મન પર સંયમ રાખી નહિ શકનાર કોટ વિનાના ખંડિયેર બનેલા નગર જેવો છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide