Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 24 - પવિત્ર બાઇબલ C.L.


19

1 દુષ્ટ માણસોની અદેખાઈ કરીશ નહિ, અને તેમની સોબત કરવાની ઇચ્છા ન રાખ.

2 કારણ, તેમનાં મન હિંસાત્મક યોજનાઓ ઘડે છે; અને તેમને મુખે ઉપદ્રવની જ વાતો હોય છે.


20

3 જ્ઞાન વડે ઘર બંધાય છે અને સમજણથી તે ટકી રહે છે

4 વિદ્યા વડે તેના ખંડો બધા જ પ્રકારની દુર્લભ અને સુખદાયક વસ્તુઓથી સુસજ્જ થાય છે.


21

5 જ્ઞાની માણસ બળવાન કરતાં ચડિયાતો હોય છે, અને વિદ્વાન માણસ પહેલવાન કરતાં ચડિયાતો છે.

6 કારણ, બુદ્ધિપૂર્વકની વ્યૂહરચના વડે જ યુદ્ધ લડી શકાય છે, અને ઘણા સલાહકારોથી વિજય નિશ્ર્વિત બને છે.


22

7 જ્ઞાની વાતો મૂર્ખની સમજણ બહાર હોય છે; ન્યાયસભા સમક્ષ તે કંઈ બોલી શક્તો નથી.


23

8 સદા કુટિલ યોજનાઓ ઘડવામાં રાચનારા કુટિલતામાં નિષ્ણાત તરીકે કુખ્યાત બને છે!

9 મૂર્ખ યોજનાઓ ઘડવી એ પાપરૂપ છે અને ઉદ્ધત માણસને સૌ કોઈ ધિક્કારે છે.


24

10 કટોકટીની વેળાએ નાહિંમત બનવું તે સાચે જ નિર્બળતાની નિશાની છે.


25

11 જેમને જુલમથી દેહાંતદંડ માટે ઘસડી જવામાં આવે છે તેમને તું ઉગારી લે અને ક્તલ થવાની તૈયારીમાં છે તેમને છોડીવી લે.

12 જો તું બહાનું કાઢીને કહે, “મને એની ખબર નહોતી,” તો શું હૃદયોની તુલના કરનાર ઈશ્વર તારો એ વિચાર નહિ જાણે? તારા જીવનુંય રક્ષણ ઈશ્વર કરે છે એ શું તું નથી જાણતો? તે તારાં કાર્ય અનુસાર તને પ્રતિફળ આપશે.


26

13 મારા પુત્ર, તારે માટે મધ ખાવું સારું છે, અને મધપૂડામાંથી ટપક્તા મધનો સ્વાદ તને મીઠો લાગે છે;

14 એથીય વિશેષ જ્ઞાન તારા આત્માને મીઠું લાગશે. તો તે પ્રાપ્ત કરવાથી તારું ભાવિ ઉજ્જવળ બનશે, અને તારી આશા નષ્ટ થશે નહિ.


27

15 નેકજનના નિવાસ સામે દુષ્ટની જેમ લાગ જોઈને સંતાઈ રહીશ નહિ; અને તેનું ઘર લૂંટી લઈશ નહિ.

16 સાત સાત વાર પછાડ ખાધા પછી પણ નેકજન ફરી ઊભો થાય છે, પણ દુષ્ટો તો એક જ વિપત્તિથી પાયમાલ થઈ જાય છે.


28

17 તારા શત્રુનું પતન થાય ત્યારે હરખાઈશ નહિ, અને તે ઠોકર ખાય ત્યારે હૃદયમાં આનંદ પામીશ નહિ;

18 નહિ તો તે જોઈને પ્રભુ તારા પર નારાજ થશે અને તારા શત્રુ પરથી પોતાનો કોપ પાછો ખેંચી લેશે.


29

19 દુર્જનોની ચઢતીને લીધે તું ચીડાઈશ નહિ, અને દુષ્ટોની ઈર્ષા કરીશ નહિ.

20 કારણ, દુષ્કર્મીઓનું કંઈ ભાવિ નથી, અને દુષ્ટોનો દીવો ઓલવાઈ જશે.


30

21 મારા પુત્ર, પ્રભુનો આદરયુક્ત ડર રાખ અને રાજાનું સન્માન કર, અને વિદ્રોહ કરનારાનો સાથ કરીશ નહિ.

22 કારણ, તેઓ બન્‍ને વિદ્રોહીઓ પર ઓચિંતો નાશ લાવશે અને તેઓ પર કઈ આપત્તિ લાવશે તે કોણ જાણી શકે?


અન્ય સુભાષિતો

23 આ પણ જ્ઞાનીઓનાં કથનો છે: ન્યાય તોળવામાં પક્ષપાત કરવો અયોગ્ય છે.

24 જે ગુનેગારને નિર્દોષ જાહેર કરશે, તેને લોકો શાપ દેશે અને પ્રજા તેને ધિક્કારશે.

25 પરંતુ દોષિતને સજા ફરમાવનાર ન્યાયાધીશનું ભલું થશે, અને તેમના પર આબાદીની આશિષ ઊતરશે.

26 નિખાલસ પ્રત્યુત્તર નિકટના મિત્રે હોઠે કરેલા ચુંબન બરાબર છે.

27 પ્રથમ તારાં ખેતર તૈયાર કર, અને તું આજીવિકા રળી શકીશ કે નહિ તેની ખાતરી કર; તે પછી જ તારું ઘર બાંધ.

28 પૂરતા કારણ વિના તારા પાડોશી વિરુદ્ધ સાક્ષી ન પૂર, અને તારા મુખે તેને વિશે કપટી વાત બોલીશ નહિ.

29 તું એવું ન કહીશ કે તેણે મારી સાથે જેવો વર્તાવ કર્યો તેવો હું પણ કરીશ, અને તેના કામનો બદલો હું લઈશ.

30 એકવાર હું એક આળસુ મૂર્ખના ખેતર તથા દ્રાક્ષવાડી પાસેથી પસાર થતો હતો;

31 ત્યાં બધે કાંટાઝાંખરાં છવાઈ ગયાં હતાં; નકામા છોડ ઊગી નીકળ્યા હતા; અને પથ્થરની વાડ તૂટી પડી હતી.

32 એ નિહાળીને મેં મારા મનમાં સારી પેઠે વિચાર કર્યો, અને તેમાંથી મને બોધપાઠ મળ્યો.

33 આળસુ કહે છે, “થોડુંક વધારે ઊંઘવા દો, એક ઝોકુ ખાઈ લેવા દો! હું જરા હાથ વાળીને આરામ કરી લઉં!”

34 પણ તેથી દરિદ્રતા તેના પર લૂંટારાની જેમ અને કંગાલાવસ્થા સશસ્ત્ર ધાડપાડુની જેમ તૂટી પડશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan