નીતિવચનો 23 - પવિત્ર બાઇબલ C.L.6 1 જો તું કોઈ મહાનુભાવ સાથે જમવા બેસે તો તારી જમવાની રીતભાત પર ધ્યાન રાખ. 2 જો તું ખાઉધર હો, તો તારી જાત પર અંકુશ રાખ. 3 એણે પીરસેલી સ્વાદિષ્ટ વાનગીઓની લાલસામાં પડીશ નહિ; કારણ, એ ભોજન કદાચ છેતરવા માટે પણ હોય. 7 4 ધનવાન થવા માટે તારી જાત ઘસી નાખીશ નહિ, પણ ડહાપણપૂર્વક સંયમ દાખવ. 5 હજી તો તેં તારા ધન પર એક દૃષ્ટિ જ ફેંકી હશે, એટલામાં તે અદૃશ્ય થશે; ધનને જાણે પાંખો ફૂટશે, અને ગગનમાં એકદમ ઊડી જતા ગરૂડની જેમ ઊડી જશે. 8 6 કોઈ કંજૂસ માણસનું અન્ન ખાઈશ નહિ. અરે, તેના સ્વાદિષ્ટ ભોજનની લાલચમાં પણ પડતો નહિ. 7 તે દિલથી નહિ, પણ માત્ર કહેવા ખાતર કહે છે કે, “ધરાઈને ખાજો,” પણ મનમાં તો તે ખોરાકનો ખર્ચ ગણતો હોય છે. 8 તેં એનું જે કંઈ ખાધું હશે તે તારે ઓકી કાઢવું પડશે, અને તે ભોજન માટે તેં કરેલી પ્રશંસા એળે જશે! 9 9 મૂર્ખના સાંભળતા કશી વાત ન કર; કારણ, તારા શાણપણભર્યા શબ્દોને તે તુચ્છ ગણશે. 10 10 હદના મૂળ પથ્થરોને હટાવીશ નહિ, અને અનાથોની જમીનો પડાવી લઈશ નહિ, 11 કારણ, ઈશ્વર પોતે જ તેમના સમર્થ ઉદ્ધારક છે; તે તેમનો પક્ષ લઈને તારી સામે મુકદમો લડશે. 11 12 શિક્ષણ સંપાદન કરવામાં તારું મન પરોવ, અને વિદ્યાની વાતો પ્રત્યે ધ્યાન આપ. 12 13 બાળકને શિસ્તમાં રાખતાં ખચકાઈશ નહિ; તું એને સોટીથી શિક્ષા કરીશ તો એથી તે કંઈ મરી જશે નહિ. 14 જરૂર પડે તારે તેને સોટી ફટકારવી, અને એમ તેના આત્માને મૃત્યુલોક શેઓલમાં જતા બચાવવો. 13 15 મારા પુત્ર, તારું હૃદય જ્ઞાન પ્રાપ્ત કરશે, તો મારા દિલને આનંદ થશે. 16 જ્યારે હું તારે મુખે સાચી વાતો સાંભળીશ, ત્યારે મારું અંતર હરખાશે. 14 17 તારા મનમાં પાપીઓની ઈર્ષા કરીશ નહિ; પરંતુ પ્રભુ પ્રત્યે સતત આદરયુક્ત ડર રાખ. 18 જો તું એમ કરીશ તો તારું ભાવિ ઉજ્જવળ થશે; અને તારી આશા નષ્ટ થશે નહિ. 15 19 મારા પુત્ર મારી વાત સાંભળ અને જ્ઞાની બન, અને સદાચરણના માર્ગ પર તારું મન લગાડ. 20 દારૂડિયાની સોબત ન કર; વળી, માંસના ખાઉધરનો સંગ ન કર. 21 કારણ, દારૂડિયો અને ખાઉધર ગરીબીમાં આવી પડશે, અને એમના ઘેનમાં પડનાર ચીંથરેહાલ બની જશે. 16 22 તારા જન્મદાતા પિતાનું કહેવું સાંભળ; તારી માતાને તેની વૃદ્ધાવસ્થામાં તુચ્છકારીશ નહિ. 23 સત્યની ખરીદી કર, તેને વેચીશ નહિ; જ્ઞાન, શિસ્ત તથા સમજને પણ વેચીશ નહિ. 24 નેક પુત્રનો પિતા ઘણો હરખાશે, અને સમજુ પુત્રનો પિતા આનંદ કરશે. 25 માટે તારાં માતાપિતાને આનંદ પમાડ, તારી જનેતાને હર્ષ પમાડ. 17 26 મારા પુત્ર, તું મને દયપૂર્વક આધીન થા, અને તારી દૃષ્ટિ સતત મારા માર્ગ પર રાખ. 27 કારણ, વેશ્યા એક ઊંડી ખાઈ જેવી છે; અને પારકી સ્ત્રી સાંકડા કૂવા જેવી છે. 28 લૂંટારાની માફક તે રાહ જોઈને બેસે છે, અને ઘણા પુરુષોને બેવફા બનાવે છે. 18 29 કોણ અફસોસ કરે છે? કોણ ગમગીન છે? કોણ ઝઘડે છે? કોણ ફરિયાદ કરે છે? 30 કોને વિનાકારણ ઘા પડયા છે? કોની આંખોમાં લાલાશ છે? સતત દારૂ ઢીંચનારાઓને! મદિરાનાં નવાં નવાં મિશ્રણ પીનારાઓને! 31 દ્રાક્ષાસવની લાલાશથી લલચાઈશ નહિ; તે પ્યાલામાં ચમક્તો હોય અને સરળતાથી પેટમાં ઊતરી જાય તેવો હોય ત્યારે તેની સામે જોઈશ નહિ. 32 અંતે તો તે સાપની જેમ કરડે છે, અને નાગની જેમ ડસે છે. 33 તું દ્રાક્ષાસવ ઢીંચીશ તો તારી આંખો ચિત્રવિચિત્ર દૃશ્યો દેખશે, અને તારું મન અને તારી વાણી ગૂંચવાડામાં પડશે. 34 જાણે તું ભરદરિયે પડેલો હોય, અને વહાણના સઢની ક્ઠી પર સૂતો હોય એવો અનુભવ થશે. 35 તું કહેશે, “લોકોએ મને ફટકાર્યો પણ મને ચોટ લાગી નથી, તેમણે મને માર્યો છે પણ મને તેની અસર થઈ નથી. હું ક્યારે જાગીશ? મારે ફરીવાર આસવ પીવો પડશે.” |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide