Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 22 - પવિત્ર બાઇબલ C.L.

1 અપાર ધન કરતાં સુકીર્તિ, અને સોનાચાંદી કરતાં સદ્ભાવના વધુ ઇચ્છવાજોગ છે.

2 અમીર અને ગરીબ વચ્ચે આ સામ્ય છે: પ્રભુ એ સૌના સર્જક છે.

3 ચતુર માણસ જોખમ આવતું જોઈને સંતાઈ જાય છે, પરંતુ અબુધ આગળ ધપીને આપત્તિ વહોરી લે છે.

4 નમ્રતા અને પ્રભુ પ્રત્યેના આદરયુક્ત ડરના બદલામાં સંપત્તિ, સન્માન અને ભરપૂર જીવન પ્રાપ્ત થાય છે.

5 કુટિલજનોનો માર્ગ કાંટા અને ફાંદાથી પથરાયેલો હોય છે; પોતાના આત્માની કાળજી રાખનાર તેનાથી દૂર રહેશે.

6 બાળકે જે માર્ગે ચાલવું જોઈએ તે વિષે તાલીમ આપ, એટલે તેની વૃદ્ધાવસ્થામાં પણ તે તે માર્ગમાંથી હઠશે નહિ.

7 ધનવાન ગરીબ પર આધિપત્ય જમાવે છે, અને લેણદાર દેણદારનો દાસ બને છે.

8 અન્યાયનાં બીજ વાવનાર ફસલમાં વિપત્તિ લણશે; અને તેણે આચરેલ અત્યાચાર તેના નાશનું નિમિત્ત બનશે.

9 પોતાના અન્‍નમાંથી કંગાલોને ઉદારતાથી વહેંચનાર પ્રભુની આશિષ પ્રાપ્ત કરશે.

10 ઉદ્ધતને હાંકી કાઢશો તો કજિયાકંક્સ આપોઆપ શમી જશે; એ સાથે જ તકરાર અને ગાળાગાળી પણ ટળી જશે.

11 પ્રભુ નિખાલસ દયવાળો ચાહના મેળવે છે; અને મિતભાષીને રાજાની મિત્રતા સાંપડશે.

12 પ્રભુની દૃષ્ટિ જ્ઞાનીની દેખરેખ રાખે છે; પણ કપટીઓના શબ્દો તે જૂઠા પાડે છે.

13 આળસુ કહે છે, “બહાર સિંહ છે; જો હું ઘર બહાર શેરીમાં જઈશ તો માર્યો જઈશ.”

14 વ્યભિચારી સ્ત્રીનું મુખ ઊંડા ખાડા સમાન છે; જેના પર પ્રભુનો કોપ હોય તે જ તેમાં પડે છે.

15 બેવકૂફી બાળકના સ્વભાવમાં જ જડાયેલી હોય છે; પણ શિસ્તની સોટી તેનામાંથી મૂર્ખતા દૂર હાંકી કાઢશે.

16 પોતાની ધનદોલત વધારવા ગરીબો પર જુલમ ગુજારનાર અને ધનવાનોને બક્ષિસો આપનાર, જાતે જ કંગાલાવસ્થામાં આવી પડશે.


જ્ઞાનીઓના ત્રીસ સુભાષિતો પ્રસ્તાવના
( 17—21 )

17 તું જ્ઞાનીઓનાં આ કથનો ધ્યાન દઈને સાંભળ; હું તને તે શીખવું છું ત્યારે તે પર તારું ચિત્ત લગાડ.

18 જો તું તેમને મનમાં રાખીશ, અને યથાસમધ્યે તું તેમનો ઉલ્લેખ કરી શકીશ તો એ તને આનંદ આપશે.

19 પ્રભુમાં તારો ભરોસો ટકી રહે માટે આ જ્ઞાનવાતો હું તને, હા, તને જ શીખવું છું.

20 સુબોધ અને શુભ શિખામણ ધરાવતાં એ ત્રીસ સુભાષિતો મેં તારે માટે લખ્યાં છે;

21 તને શિક્ષણ પ્રાપ્ત કરવા મોકલનારને તું સાચો ઉત્તર આપી શકે માટે તને સાચું અને સારું શું છે એ શીખવ્યું છે.


1

22 ગરીબની લાચારીનો ગેરલાભ ઉઠાવીશ નહિ, અને ન્યાયસભામાં જુલમપીડિતો પર અત્યાચાર કરીશ નહિ.

23 કારણ, પ્રભુ પોતે તેમનો પક્ષ લઈને લડશે, અને તે તેમને લૂંટી લેનારનો જીવ છીનવી લેશે.


2

24 ક્રોધી સ્વભાવના માણસની મિત્રતા બાંધીશ નહિ, અને તામસી પ્રકૃતિના માણસનો સંગ કરીશ નહિ.

25 અન્યથા, તું તેનું અનુસરણ કરી લેશે, અને તારી જાતને જાળમાં ફસાવીશ.


3

26 કોઈને ઉતાવળે અવેજ આપીશ નહિ, અને કોઈના દેવા પેટે જામીન થવા તું વચન આપીશ નહિ.

27 જો તું તે દેવું ચૂકવી ન શકે, તો તેઓ તારી પથારી પણ ઉઠાવી જશે.


4

28 તારા પૂર્વજોએ હદ દર્શાવવા રોપેલા મૂળ પથ્થરોને તારે ક્યારેય ખસેડવા નહિ.


5

29 પોતાના કાર્યમાં ખંતથી કૌશલ્ય પ્રાપ્ત કરનાર માણસ તું જુએ છે? તે સામાન્ય કોટિના માણસો આગળ નહિ, પણ રાજામહારાજાઓની હજૂરમાં સેવા કરશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan