નીતિવચનો 21 - પવિત્ર બાઇબલ C.L.1 રાજાનું મન પાણીના પ્રવાહ જેવું છે અને પ્રભુના અંકુશ નીચે છે; તે જ્યાં ચાહે ત્યાં તેને વાળે છે. 2 દરેક વ્યક્તિને પોતાનું આચરણ યોગ્ય લાગે છે, પણ પ્રભુ માણસના અંત:કરણની પારખ કરે છે. 3 બલિદાન ચડાવવા કરતાં નેકી અને ઇન્સાફ પ્રભુને વધારે પસંદ છે. 4 દીવો લઈને દુષ્ટોને જુઓ; તેમનાં પાપ દેેખાશે: ઘમંડી દૃષ્ટિ અને અહંકારી દિલ! 5 ખંતીલા માણસોની વિચારશીલ યોજનાઓ નફાકારક હોય છે, પણ ઉતાવળિયા માણસોને તંગી વેઠવી પડે છે. 6 અનીતિથી પ્રાપ્ત થયેલું ધન ધુમાડાની જેમ અદૃશ્ય થશે; તે માણસને મોતમાં ધકેલનારું છે. 7 દુષ્ટોની હિંસા ખુદ દુષ્ટોને જ ભરખી જશે; કારણ, તેમણે સાચી રીતે જીવવાનો ઇનકાર કર્યો છે. 8 દોષિતોનો માર્ગ વાંકોચૂકો હોય છે, પણ નિર્દોષોનો માર્ગ સીધો હોય છે. 9 કજિયાખોર પત્ની સાથે વિશાળ ઘરમાં રહેવા કરતાં અગાસીના એક ખૂણામાં વસવું વધારે સારું છે. 10 દુષ્ટનું મન સદા ભૂંડાઈનું ભૂખ્યું હોય છે; તેને તેના પાડોશી મિત્રો પ્રત્યે પણ દયા હોતી નથી. 11 ઉદ્ધત વ્યક્તિને શિક્ષા થાય છે તેથી અબુધ શાણો બને છે; પરંતુ જ્ઞાનીને શિક્ષણ અપાતાં તે વધુ વિદ્યાવાન બને છે. 12 ન્યાયી ઈશ્વર દુષ્ટના ઘર પર ચાંપતી નજર રાખે છે, અને તે દુષ્ટોને વિનાશમાં ધકેલી દે છે. 13 જે ગરીબના પોકાર પ્રત્યે લક્ષ આપતો નથી, તે પોતે પણ મદદ માટે પોકાર કરશે ત્યારે કોઈ તેનું સાંભળશે નહિ. 14 છાની રીતે અપાયેલ ભેટ ક્રોધાગ્નિ સમાવે છે, અને છૂપી રીતે આપેલી લાંચથી ભારે રોષ શમી જાય છે. 15 સાચો ન્યાય તોળાય ત્યારે નેકજનોને આનંદ થાય છે, પણ દુર્જનો તો આતંકગ્રસ્ત થઈ જાય છે, 16 સમજના માર્ગેથી ભટકી જનાર માણસ મૃતાત્માઓની સંગતમાં આવી પડશે. 17 મોજવિલાસમાં રાચનાર અછતમાં આવી પડશે; એમ જ શરાબ અને અત્તરનો શોખીન સંપત્તિવાન બનશે નહિ. 18 નેકજનો પર જે વિપત્તિ લાવવાનો દુષ્ટો પ્રયત્ન કરશે, તે વિપત્તિ આખરે તેમના પર જ આવી પડશે. 19 કજિયાખોર અને ક્રોધી પત્ની સાથે રહેવા કરતાં વેરાન રણમાં વસવું વધારે સારું છે. 20 જ્ઞાનીના આવાસમાં કિંમતી ખજાના અને સુવાસિત અત્તર હોય છે, પણ મૂર્ખ પોતાની સંપત્તિ બેફામ રીતે ઉડાવી દે છે. 21 નેકી અને નિષ્ઠાને ખંતથી અનુસરનારને જીવન, સમૃદ્ધિ અને સન્માન પ્રાપ્ત થશે. 22 ચતુર સેનાપતિ યોદ્ધાઓથી રક્ષાયેલ નગર પર ચડાઈ કરે છે, અને જેના પર નગરનો મદાર હતો તે ગઢ તોડી પાડે છે. 23 વાણી પર સંયમ રાખનાર ઘણી વિટંબણાઓથી ઊગરી જાય છે. 24 ઘમંડી માણસ ઉદ્ધત હોય છે; તેના પ્રત્યેક વર્તાવમાં અહંકારની છાપ હોય છે. 25 આળસુની ક્ષુધા તેની હત્યા કરે છે; કારણ, તેના હાથ શ્રમ કરવાનો ઇનકાર કરે છે. 26 દુષ્ટ સદા લાલચુ હોય છે, પણ નેકજન સદા ઉદારતાથી આપ્યે રાખે છે. 27 દુષ્ટોનું બલિદાન પ્રભુની દૃષ્ટિમાં તિરસ્કારપાત્ર છે; પણ તે બલિદાન બદઇરાદાથી ચડાવાય ત્યારે તો વિશેષ ઘૃણાજનક બને છે. 28 જૂઠો સાક્ષી નષ્ટ થઈ જશે; પરંતુ સાંભળ્યા પ્રમાણે સાચું બોલનારની સાક્ષી ટકશે. 29 દુષ્ટો હિંમતવાન હોવાનો દેખાવ કરે છે, પણ સદાચારી વિચારપૂર્વક વર્તે છે. 30 પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી. 31 ઘોડો યુદ્ધના દિવસ માટે તૈયાર કરવામાં આવે છે, પણ વિજય તો પ્રભુ જ અપાવે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide