નીતિવચનો 20 - પવિત્ર બાઇબલ C.L.1 દ્રાક્ષાસવ માણસને ઉદ્ધત બનાવે છે અને મદિરા ઝઘડા પેદા કરે છે; તેનાથી ચકચૂર થઈને લથડિયાં ખાનાર જ્ઞાની નથી. 2 રાજાનો ક્રોધ સિંહની ગર્જના સમાન છે; તેને ક્રોધિત કરનાર પોતાના જીવને જોખમમાં મૂકે છે. 3 ઝઘડાથી દૂર રહેવામાં માણસનું ગૌરવ જળવાય છે; પણ મૂર્ખજન કજિયા કરવા તત્પર હોય છે. 4 મોસમ પ્રમાણે ખેડવામાં આળસ કરનાર કાપણીની વેળાએ પાક શોધશે, પણ તેને કંઈ પાક જોવા મળશે નહિ. 5 માણસના મનના ઇરાદા ઊંડા જળ સમાન હોય છે, પણ સમજુ માણસ તેને બહાર કાઢી લાવશે. 6 ઘણા માણસો મૈત્રીમાં વફાદારી દાખવ્યાનો દાવો કરે છે, પણ વફાદાર મિત્ર કોને મળે? 7 નેકજન પ્રામાણિકપણામાં જીવન જીવે છે, તેને અનુસરનાર તેનાં સંતાનોને ધન્ય છે. 8 રાજા પોતાના ન્યાયાસન પર બિરાજમાન થાય છે, અને તેની દષ્ટિ સઘળી દુષ્ટતાને પારખી લે છે, 9 “મેં મારા દયને શુદ્ધ કર્યું છે, અને હું મારા પાપથી વિમુક્ત થયો છું” એવો દાવો કોણ કરી શકે? 10 ખોટાં વજનિયાં અને ખોટાં માપિયાં વાપરનારને પ્રભુ ધિક્કારે છે. 11 બાળક તેના આચરણ પરથી ઓળખાઈ આવે છે કે, તેનાં કામ શુદ્ધ અને પ્રામાણિક છે કે નહિ. 12 સાંભળવા માટેના કાન અને જોવા માટેની આંખ એ બન્ને પ્રભુએ બનાવ્યાં છે. 13 નિદ્રાપ્રેમી બનીશ નહિ, નહિ તો તું તારો વારસો ગુમાવીશ; પણ આંખ ઉઘાડી રાખીશ તો તને પૂરતો આહાર મળશે. 14 ખરીદનાર ખરીદતી વખતે કહે છે, “આ તો નકામું છે, નકામું છે,” પણ ત્યાંથી ગયા પછી પોતે કરેલી ખરીદી વિષે બડાઈ હાંકે છે! 15 સોનું અને રત્નો તો અઢળક હોય છે, પણ જ્ઞાન ઉચ્ચારતા હોઠ તો અમૂલ્ય જવાહિર છે. 16 અજાણ્યાના જામીન થનારનાં વસ્ત્રો પણ ગીરવે રાખવાં, અને પરદેશીના જામીન થનારનો અવેજ પોતાના હસ્તક રાખવો. 17 છળકપટથી મેળવેલી રોટલી મીઠી તો લાગે, પણ પછીથી તેમ વર્તનારનું મુખ કાંકરાથી ભરાઈ જશે. 18 સલાહ મેળવીને આયોજન કરવાથી સફળતા સાંપડે છે, અને ચતુરની સલાહ પ્રમાણે વ્યૂહરચના ગોઠવી લડાઈમાં ઊતરવું. 19 ચૂગલીખોર રહસ્યો ખુલ્લાં કરી દે છે, તેથી વ્યર્થ વાતો કરનારની સોબત કરીશ નહિ. 20 માતપિતાને શાપ દેનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઈ જશે. 21 આરંભમાં ઉતાવળે મેળવેલી વારસાગત સંપત્તિ છેવટે સુખદાયી નીવડશે નહિ. 22 “હું ભૂંડાઈનો બદલો લઈશ” એવું કહીશ નહિ, પ્રભુ પર ભરોસો રાખ એટલે તે તને ઉગારશે. 23 પ્રભુ ખોટાં વજનિયાં વાપરનારને ધિક્કારે છે, અને ત્રાજવાનો કાંટો સમતોલ નહિ રાખનાર નીતિભ્રષ્ટ છે. 24 માણસનો જીવનપ્રવાસ પ્રભુના અધિકારમાં છે; તો પછી માણસ પોતાનો માર્ગ કેવી રીતે સમજી શકે? 25 ‘એ તો સમર્પિત છે, એમ ઉતાવળે માનતા માની લેવી તે ફાંદામાં ફસાવા જેવું છે; માનતા માન્યા પછી તેમાંથી છટકવાનો પ્રયાસ વાજબી નથી. 26 જ્ઞાની રાજા દુષ્ટોને તારવી કાઢે છે; પછી તેમના પર રથનાં પૈડાં ફેરવાવે છે. 27 માણસનો અંતરાત્મા પ્રભુનો દીવો છે; તે તેના દયના ઊંડાણને તપાસે છે. 28 દયાભાવ અને વિશ્વાસુપણું રાજાનું સંરક્ષણ છે, અને અદલ ઇન્સાફ તેના રાજ્યાસનને ટકાવી રાખે છે. 29 જુવાનોનો મહિમા તેમનું જોમ છે, અને વૃદ્ધોની શોભા માથાનાં પળિયાં છે. 30 સોળ પાડનાર ફટકા દુષ્ટતા દૂર કરે છે, અને સોટીની શિક્ષા અંત:કરણનું શુદ્ધિકરણ કરે છે. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide